હિતેશ રાવલ, સાબરકાંઠા: સમગ્ર દેશમાં કોરોના વાયરસના સેકન્ડ વેવના સંક્રમણના કારણે દર્દીઓની સંખ્યાંમાં વધારો થઇ રહ્યો છે. જેમાંથી ઘણા દર્દીઓ કોરોના સામે જંગ હારી મોતના શરણે જાય છે, પરંતુ આવા કોરોનાથી અવસાન પામેલા લોકોની અંતિમ વિધી કોણ કરતું હશે. કોણ તેને પકડીને ચિતા પર સુવડાવતું હશે કોણ અગ્નિદાહ આપતું હશે. આવા ઘણાય સવાલો આપણને વિચારતા કરી મુકે એવા છે. જો તમારે આ સવાલોનો જવાબ જોઇતો હોય, તો એકવાર હિંમતનગરના અંતિમધામની મુલાકાત અવશ્ય લેવી પડે, જયાં અપર્ણ,તપર્ણ અને સમર્પણની ભક્તિભાવથી કોવીડના મૃતદેહને અગ્નિદાહ આપતો સેવાના ભેખધારી નગરપાલિકાનો કર્મી ભરતભાઇને મળવું પડે.
સમગ્ર રાજ્યમાં કોવિડની પરીસ્થિતિ વિકટ બની છે. તેની અસર સાબરકાંઠા જિલ્લામાં પણ ગ્રામ્ય અને શહેરી વિસ્તારના લોકો સામાન્ય તાવ, શરદી, ખાંસી સહિતના લક્ષણોને અવગણી રહ્યાં છે. જેને લઇ દર્દીના આખરી સમયે ઘસારો વધતા જિલ્લાની સિવિલ હોસ્પિટલ તેમજ હાલ 18 જેટલી ખાનગી હોસ્પિટલને કોવિડના દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. જેમાં ગંભીર બિમારીથી પિડીત લોકોનું મોતનું પ્રમાણ ઘણું ઉચું છે. જિલ્લાની મેડિકલ કોલેજ સંચાલિત સિવિલ હોસ્પિટલમાં ઘણા એવા દર્દીઓ પણ હોય છે કે, જેમના કોઇ સ્વજન હાજર પણ ન હોય અને મોતના હવાલે થાય છે તેવા દર્દીઓના સ્વજન બનીને અગ્નિસંસ્કાર આપવાનું કામ ભરતભાઇ કરી રહ્યાં છે.
તો વળી કોરોનાની કારમી પરિસ્થિતમાં જયાં પોતાના સ્વજનો પણ કોરોનાથી મોત થયેલા પરીજનથી દુર રહેતા હોય ત્યારે સરકારની કોવિડ મૃતદેહની ગાઇડલાઇન મુજબ અગ્નિદાહ આપવાનું કામ ભરતભાઇ કરે છે. પોતાની વાત કરતા કહે છે. છેલ્લા 24 વર્ષથી હું સ્મશાનમાં અગ્નિ સંસ્કાર કરવાનું કામ કરુ છુ. આ અગાઉ મારા પિતાજી પણ ૪૫ વર્ષ સુધી આ કામ કર્યુ છે. પણ પાછળના એક વર્ષમાં જેટલા અગ્નિદાહ આપવાનું કામ કર્યુ છે. તેવુ કદાચ મે પહેલીવાર જોયું છે.
હાલની મહામારીની વાત કરતા ભરતભાઇ કહે છે કે, રોજે રોજ આવતા કોવિડના મૃતદેહને અગ્નિદાહ આપતા કયા સમયે હું પણ કોરોનાના સંકજામાં આવી ગયો પરિસ્થિતિ એટલી ગંભીર બની કે, છેક વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો, પણ આ સતકર્મોનો ફળ કે છેક હું મોતના મુખમાંથી બહાર આવ્યો, જેમાં મારી પત્નીની સતત હૂંફ અને પ્રેરણાથી સાજા થયાના ત્રીજા દિવસે ફરી આ સેવાના યજ્ઞમાં જોડાઇ ગયો.
આ ભયાનક મહામારીએ કેટલાય પરીવારોને તહસ નહસ કરી નાંખ્યા છે. જેમાંથી એક હદય દ્વાવક ઘટનાની વાત કરતા કહે છે કે, એક જ પરીવારના પાંચ સભ્યોને કોરોનાથી મોતને ભેટ્યા હોય ને મે અગ્નિદાહ આપ્યો છે. ભગવાન કરે આવી બિમારી કોઇના ઘરે ન આવે તેવી ઇશ્વરને પ્રાર્થના કરૂ છું.
ભરતભાઇ પોતાના ભૂતકાળની વાત કરતા કહે છે કે, કોઇ પણ નવપરણિતા હોય તો તેના પણ પોતાના ઘરનું સપનું હોય પરંતુ કદાચ કોઇ નવોઢા હશે જે પરણીને સીધા સ્માશનની બાજુમાં પ્લાયવુડના પાટીયામાંથી બનાવેલી ઓરડીમાં પગ મુક્યો હોય, પણ મારી પત્નીની સમજદારીથી અમે ઘણો લાંબો સમય અંહિ જ વીતાવ્યો બાળકો મોટા થતા અન્ય જગ્યાએ સ્થિર થયા, આજે આ વિકટના સમયે મારા પરીવારજનોની પ્રેરણાથી ટકી રહ્યો છું.