- `મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યૂટી નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર
- અને મ્યુનિ.કમિશનર તુષાર સુમેરા સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓની સત્તાવાર જાહેરાત
- રાજકોટ મહાનગરપાલિકાની એસ.પી.વી. રાજકોટ સ્માર્ટ સિટી ડેવલોપમેન્ટ લિ.સંચાલિત ‘અટલ સ્માર્ટ સિટી’ સંકુલ ખાતે પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની પ્રતિમા મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ અંગે વધુ માહિતી આપતા મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ જણાવ્યું હતું કે પૂર્વ વડાપ્રધાન કે જેમણે, કુલ નવ વખત લોકસભાના સભ્ય અને બે વખત રાજ્ય સભાના સભ્ય તેમજ અલગ અલગ સામાન્ય ચૂંટણીમાં અલગ અલગ ચાર રાજ્યો (ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગુજરાત અને દિલ્હી)માંથી ચૂંટાનારા તેઓ એકમાત્ર સંસદ સભ્ય રહેલ છે. તેમજ વર્ષ 1969-1972 દરમ્યાન વાજપેયી ભારતીય જન સંઘ (હવે, ભારતીય જનતા પાર્ટી)ના પ્રમુખ હતા.અટલ બિહારી વાજપેયી (25 ડિસેમ્બર 1924, 16 ઓગસ્ટ 2018) ભારતના રાજનેતા અને કવિ હતા. પ્રજાસત્તાક ભારતના 10મા વડાપ્રધાન તરીકે અલગ અલગ કુલ ત્રણ સમયગાળા (1996માં 13 દિવસ, 1998-1999માં 13 મહિના અને 1999-2004માં 5 વર્ષ) દરમ્યાન સેવા આપેલ છે તેવા પ્રખર રાજનેતા અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ નિમિતે સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે ટી.પી.સ્કીમ નં.32(રૈયા)માં નવનિર્મિત ‘અટલ સ્માર્ટ સિટી’ સંકુલ ખાતે શ્રી અટલ બિહારી વાજપેયીની પ્રતિમા મુકવાનો નિર્ણય આવ્યો છે.
શ્રી અટલ બિહારી વાજપેયીનો જન્મ કૃષ્ણાદેવી અને કૃષ્ણ બિહારી વાજપેયીને ત્યાં સાધારણ બ્રાહ્મણ કુટુંબમાં ગ્વાલિયરમાં થયો હતો. તેમના પિતા કૃષ્ણ બિહારી એક કવિ અને શિક્ષક હતા. અટલ બિહારી વાજપેયીએ પ્રાથમિક શિક્ષણ બારા, ગ્વાલિયરની સરસ્વતી શિશુ મંદિર નામની શાળામાં લીધું હતું. તેમણે ગ્વાલિયરની વિક્ટોરીયા કોલેજ (હવે, લક્ષ્મીબાઇ કોલેજ)માંથી હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત ભાષામાં સ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી.
તત્કાલીન વાજપેયી સરકાર દ્વારા વર્ષ 1998માં ભારત ‘ઑપરેશન શક્તિ’ દ્વારા પાંચ પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યાં. પ્રથમ તબક્કામાં 11મી મેના ત્રણ વિસ્ફોટ કરવામાં આવ્યા હતા, જ્યારે 13મી મેના રોજ વધુ બે પરીક્ષણ કરવામાં આવ્યાં.આમ, તો 1974માં ભારતે ‘ઑપરેશન સ્માઇલિંગ બુદ્ધા’ દ્વારા પોતાની ક્ષમતા અને આકાંક્ષાનો પરિચય વિશ્ર્વને કરાવી દીધો હતો. પરંતુ 1998નાં પરીક્ષણ અગાઉ કરતા અલગ હતા. જેથી વાજપેયી સરકારને આવિસ્ફોટોનું શ્રેય આપવામાં આવ્યું હતું.
અટલ બિહારી વાજપેયીના કાર્યકાળમાં વર્ષ 1999માં ભારતીય સીમામાં પાકિસ્તાની સેનાની ઘૂસણખોરીની જાણ થતા ભારતીય સેના દ્વારા ઓપરેશન વિજય અને કારગીલનું યુદ્ધ શરૂ થયું હતું. આ યુદ્ધ મે થી જુલાઇ સુધી કાશ્મીરના કારગિલ જીલ્લા અને એલ.ઓ.સી. સાથે ભારત અને પાકિસ્તાન વચ્ચે થયું હતું. બે મહિનાથી વધારે સમય દરમિયાન ભારે ચઢાણવાળા પહાડી વિસ્તારોમાં ભયંકર યુદ્ધ થયુ હતુ. ભારતીય સેનાએ પાકિસ્તાનના ઘૂસણખોરોને બહાર કાઢવામાં સફળતા મેળવી અને ઓપરેશન વિજય દરમિયાન ટાઇગર હિલ અને અન્ય વ્યૂહાત્મક સ્થાનોને સફળતાપૂર્વક ફરીથી ભારતીય સેનાએ પોતાના હસ્તગત કરી લીધા હતા. ભારતીય સૈનિકોએ 26 જુલાઈ, 1999ના દિવસે ત્રણ મહિનાઓના સંઘર્ષ બાદ આ જીત હાંસિલ કરી હતી. આ દિવસને વિજય દિન અથવા કારગિલ વિજય દિન 26મી જુલાઇએ ભારતના પાકિસ્તાન પર કારગિલ યુદ્ધમાં વિજયના કારણે ઉજવવામાં આવે છે. વર્ષ 1999માં કારગિલ વિજય પછી ભારતના તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ આ દિવસને કારગિલ વિજય દિન તરીકે જાહેર કર્યો હતો.
25 ડિસેમ્બરે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જ્યંતી પર સુશાસન દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ વાજપેયીના સન્માનમાં વર્ષ 2014માં સરકારમાં જવાબદેહી લોકો વચ્ચે જાગરૂકતા વધારવા માટે સ્થાપિત કરવામાં આવ્યો હતો. આ સિદ્ધાંતને ધ્યાનમાં રાખતા સુશાસન દિવસને સરકાર માટે કાર્ય દિવસ જાહેર કરવામાં આવ્યો છે. અટલ બિહારી વાજપેયી એક ભારતીય રાજકરણી અને લેખક હતા, જેમણે ભારતના 10માં વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. એકવાર અટલ બિહારી વાજપેયીએ કહ્યું, ‘એક દિવસ તમે એક ભૂતપૂર્વ વડાપ્રધાન બની શકો છો પરંતુ તમે ક્યારેય ભૂતપૂર્વ કવિ બની શકશો નહીં.’
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 25મી ડિસેમ્બર સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે ટી.પી.સ્કીમ નં.32(રૈયા)માં નવનિર્મિત ‘અટલ સ્માર્ટ સિટી’ સંકુલ ખાતે અટલ બિહારી વાજપેયીની પ્રતિમા મુકવાનો નિર્ણય કરવામાં આવેલ છે.
અટલ બિહારી વાજપેયીને મળેલા વિવિધ એવોર્ડ
- – 1992, પદ્મવિભૂષણ
- – 1993, કાનપુર મહાવિધાલયમાંથી ડીલીટની પદવી
- – 1994, લોકમાન્ય તિલક ખિતાબ
- – 1994, શ્રેષ્ઠ સંસદસભ્ય
- – 1994, ભારતરત્ન પંડિત ગોવિંદ વલ્લભ પંત ખિતાબ
- – 2015, ભારત રત્ન