સી.ડોટના માધ્યમથી તેઓએ ભારતમાં દૂર સંચાર ક્રાંતીનો પાયો નાંખ્યો
ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને આત્મસાત્ કરનાર રાજીવ ગાંધીનો 20 ઓગષ્ટે જન્મદિન છે. રાજીવ ગાંધી ઉમદા માનવીની સાથે-સાથે એક વિચારશીલ રાજનેતા તરીકે જાણીતા રહ્યા. રાજીવ ગાંધીના હૃદયનો ભાવ સદાય પવિત્ર રહ્યો, એવી જ પવિત્રતા એક વડાપ્રધાન તરીકે જાળવી રાખી. રાજીવ ગાંધીએ દેશ-દુનિયા જોઈ હતી, એટલે જ તેમને ખબર હતી કે આ સમય ઈન્ફર્મેશન એન્ડ ટેકનોલોજીનો છે. આજે સૌ કોઈ મોબાઈલ ક્રાંતિ કે ડિઝિટલ ઈન્ડિયાની વાત કરે છે, તેના મૂળમાં ઇ.સ.1984માં રાજીવ ગાંધીએ સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલીમેટિક્સ(સી-ડોટ)ની સ્થાપના કરી હતી અને હા, સી-ડોટના માધ્મયથી ભારતમાં દૂરસંચાર ક્રાંતિના પાયો નંખાયો હતો.આજે એકવીસમી સદીના ત્રીજા દાયકામાં ભલે મેટાવર્સ કે એઆઈ ટેકનોલોજીની વાત થતી હોય.
પરંતુ રાજીવ ગાંધીના સમયકાળમાં ભારતે ટેકનોલોજી અપનાવવાનો નિર્ણય કર્યો, ત્યારે વિરોધ પક્ષોએ જોરદાર વિરોધ કર્યો હતો, એ હકીકત છે. રાજીવ ગાંધીની કરની અને કથની એકસમાન હતી, એ જ રાજીવ ગાંધીની લોકપ્રિયતાનું મૂળ કારણ હતું. રાજીવ ગાંધી સાયન્સ અને ટેકનોલોજીનો મહિમા સમજતા હતા, એટલે જ ભારતની યુવાપેઢીને ધ્યાનમાં રાખીને આધુનિક અને વૈજ્ઞાનિક અભિગમના પથ પર ભારતને આગળ લઈ જવા માટે ઉત્સુક હતા. આજે ભલે સૌ કોઈના હાથમાં મોબાઈલ છે,
પરંતુ રાજીવ ગાંધીના વડાપ્રધાન કાર્યકાળમાં ટેલીફોનથી વાત કરવી એ એક કલ્પના જ કહેવાતી, પરંતુ સેન્ટર ફોર ડેવલપમેન્ટચ ઓફ ટેલીમેટિક્સ(સી-ડોટ)ની સ્થાપના બાદ રાજીવ ગાંધીની સરકારે શહેરોથી ગામ ટેલીફોનના પીસીઓ બુથ શરુઆત કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો, જેના થકી દેશ-દુનિયામાં પોતાના સ્નેહીજનો અને પ્રિયજનો સંવાદ કરી શકતા હતા. ત્યારબાદ 1986માં રાજીવ ગાંધીની પહેલથી એમટીએનએલની સ્થાપના થઈ, જેના થકી દૂરસંચાર ક્ષેત્રમાં અભૂતપૂર્વ ક્રાંતિ થઈ. જો કે આજે એમટીએનએલ – બી.એસ.એન.એલ. વેચવાની સરકાર તૈયાર કરી રહી છે, એ જુદી વાત છે. રાજીવ ગાંધી સ્પષ્ટ માનતા કે સાયન્સ એન્ડ ટેકનોલોજીની મદદ વિના દેશમાં ઉદ્યોગોનો વિકાસ થઈ શકશે નહીં. રૂઢીચુસ્ત માનસિકતાવાળા લોકો દ્વારા કોમ્પ્યુટરનો ખુબ વિરોધ હોવા છતાં રાજીવ ગાંધીની સરકારે ભારતમાં સુપર કોમ્પ્યુટર અને દરેક ઓફિસમા અને ઘેર-ઘેર પહોંચાડ્યા, એટલું જ નહીં ભારતમાં ઈન્ફર્મેશન ટેકનોલોજીના ફેલાવમાં મહત્વની ભૂમિકા નિભાવી. ભારતમાં કોમ્પ્યુટર ક્રાંતિ લાવવાનો શ્રેય રાજીવ ગાંધીને જાય છે. જેમાં આજે ભારત સમગ્ર વિશ્વમાં અગ્રેસર છે.
ભારતના પ્રથમ યુવા વડાપ્રધાન રાજીવ ગાંધી સત્ય, પ્રેમ, કરુણાના ચાહક અને નિર્ણય લેવાની અદભૂત ક્ષમતા સાથે કામ કરતા હતા. રાજીવ ગાંધી એક શક્તિ, એક વિચારધારા, એક દૃષ્ટિકોણ, એક પરિવર્તન અને માનવતાનું નામ છે.. રાજીવ ગાંધી વારંવાર કહેતાં કે ભારતની એકતાને કાયમ રાખવા એ જ મારો ઉદ્દેશ્ય છે. એકવીસમી સદીના ભારતનું નિર્માણ કરવું એ તેમનું પ્રમુખ મિશન હતું તેમજ ભારતને હાઈ-ટેકનોલોજીથી પરિપૂર્ણ કરવાનું તેમનું લક્ષ્ય હતું. જે આજે સફળ થતું અનુભવી શકીએ છીએ.તેમને જાહેર જીવનમાં માનવીય મૂલ્યોને જાળવી રાખ્યા અને ક્યારેય દેશની પ્રજાને ખોટા વચન આપ્યા નહીં, હંમેશા જનકલ્યાણને ધ્યાનમાં રાખી યોજનાઓ અને સંસ્થાઓનું નિર્માણ સાકાર પણ કર્યું, એટલે જ રાજીવ ગાંધીનું નામ આજે પણ લોકોના હૃદયમાં અંકિત થયેલું છે. વિશ્વમાં રાજીવ ગાંધીની એક એવા યુવા-રાજનેતા તરીકે ગણના થાય છે, જેમણે 40 વર્ષની વયે દેશનું નેતૃત્વ કર્યું હોય.
દેશમાં પેઢીગત પરિવર્તનના અગ્રદૂત રાજીવ ગાંધીને ભારતના ઇતિહાસમાં સૌથી મોટો જનાદેશ પ્રાપ્ત થયો. રાજીવ ગાંધી એવા રાજનીતિક પરિવાર સાથે સંબંધિત હતા, જેમની ચાર પેઢીઓએ સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન ભારતની સેવા કરી, તેમ છતાં રાજીવ ગાંધી રાજનીતિમાં પ્રવેશ કરવા ઈચ્છતા ન હતા, પરંતુ નિયતિએ તેમને રાજનીતિમાં પ્રવેશ કરાવી જ દીધો.31 ઓક્ટોબર 1983ના રોજ તેમના માતાની ક્રૃર હત્યા થઈ, બાદમાં રાજીવ ગાંધીએ કોંગ્રેસનું પ્રમુખ પદ સંભાળ્યું અને દેશના વડાપ્રધાનની જવાબદારી સ્વીકારી. નવેમ્બર 1982માં જ્યારે ભારતને એશિયન ગેઈમ્સનું યજમાન પદ મળ્યું, ત્યારે સ્ટેડિયમના નિર્માણ અને અન્ય બુનિયાદી સુવિધા ઉપલબ્ધ કરાવવાની જવાબદારી રાજીવ ગાંધીને સોંપવામાં આવી હતી, રાજીવ ગાંધીએ ક્ષમતા અને સમન્વયતાથી સફળતાપૂર્વક જવાબદારી નિભાવી હતી અને ભારતની ક્ષમતાનો દુનિયાને પરિચય કરાવ્યો હતો. રાજીવ ગાંધીના વડાપ્રધાન તરીકેના કાર્યકાળમાં ભારત અને અમેરિકાના સંબંધોમાં મહત્વપૂર્ણ સુધારાનો આરંભ કર્યો જેના કારણે આજે અમેરિકા ભારતનું મજબૂત રણનીતિક ભાગીદાર છે. આ સંબંધના બીજ રાજીવ ગાંધીએ રોપ્યા હતા.