“મોરારિબાપુ વિશ્વ વંદનીય સંત, કોંગ્રેસે તેમની ટીકા ન કરવી જોઈએ
મોરારિબાપુએ ગૃહમંત્રી અમિત શાહને સરદાર પટેલ સો સરખાવતા વકર્યો હતો વિવાદ
ભાજપના પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ જણાવ્યું હતું કે, વિપક્ષનેતા પરેશભાઈ ધાનાણીના ટ્વીટનો જવાબ મારા ટ્વીટથી આપ્યા પછી પણ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિતભાઈ ચાવડાએ પૂ.મોરારીબાપુના કથન સામે પ્રતિક્રિયા આપેલ છે તેને હું સખ્ત શબ્દોમાં વખોડી કાઢું છું. પૂ.મોરારીબાપુ વિશ્વવંદનીય સંત છે. તેઓએ શું બોલવું કે શું ન બોલવું ? કોની પ્રશંસા કરવી કે ન કરવી ? તે કોંગ્રેસ નક્કી ન કરી શકે અને ભાજપ પણ નક્કી ન કરી શકે. તેઓ હંમેશા પક્ષાપક્ષીથી પર રહીને બોલે છે. તેવું પોતે પણ વારંવાર કહે છે. કોઈવાર અમારી પણ ટીકા થતી હોય છે. તેઓએ જે કહ્યું છે તે સાચું જ કહ્યું છે. પરંતુ ગાંધી પરીવાર સિવાય કોઈપણની પ્રશંસા થાય ત્યારે કોંગ્રેસ ઈર્ષ્યા કરે છે. કોંગ્રેસે પૂ.મોરારીબાપુની ટીકા ન કરવી જોઈએ તેમને રાજકીય વિવાદમાં ન લાવવા જોઈએ.
તેમણે પોતાના સંતપણામાં સામાન્ય માણસની પ્રતિકૃતિને સાચવીને રાખી છે.તેના દ્વારા સામાન્ય માણસની ગરીમાને ઊંચી રાખવાનો સતત પ્રયાસ કરી રહ્યાં છે. લોકહદયની લાગણી સમજીને તેઓ લોકવાણી અને લોકભાષામાં ધર્મ અને સાંસ્કૃતિક પરંપરાનો યુગાનુયુગ સમન્વય કરવાનો પ્રયાસ કરે છે. તેમની વાક્ધારા નદીની માફક પવિત્ર અને નિર્મળ છે. તેમના શબ્દો,વાણીને પૂર્વગ્રહથી જોઈ શકો નહીં કે બાંધી શકો નહીં. તેમના જીવનકર્મમાં રહેલાં રૂદીયાનો રામ તેમને જે બોલાવે તે બોલે છે. તેમનું જીવન,કર્મ,તેમની કથા અને દુનિયા જ ભગવાન રામ છે. પંડયાએ જણાવ્યું હતું કે, સરદાર પટેલે જે રીતે દેશની એકતા અને અખંડિતતા માટે લોખંડી મનોબળથી નિર્ણયો લીધાં છે. તે રીતે નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં અમિતભાઈ શાહે લોખંડી મનોબળથી દેશહિતના નિર્ણયો લીધાં છે. કોંગ્રેસે રાજકીય બદઈરાદાથી અમિતભાઈ શાહને સી.બી.આઈ.ના ષડયંત્રો દ્વારા ફસાવવાનો પ્રયાસ કર્યો હતો અને તેમાં ન્યાયતંત્રએ સંપૂર્ણ નિદોર્ષ જાહેર કર્યાં છે. તે ગુજરાતની જનતા જાણે છે. કોંગ્રેસે ભૂલવું ન જોઈએ કે તેમના નેતાઓ, ગાંધી પરીવારના લોકો અત્યારે કોર્ટના જામીન ઉપર બહાર છે. કોંગ્રેસ અમિતભાઈ શાહના મજબૂત અને કૂશળ નેતૃત્વથી ડરી ગઈ છે. એટલે બેબાકળી બનીને જૂઠ્ઠાણાં અને બેફામ આક્ષેપો કરે છે. અમિતભાઈ શાહ ઉપર કોંગ્રેસે કરેલ આક્ષેપને હું સખ્ત શબ્દોમાં વખોડી કાઢું છું.