ભાજપા પ્રદેશ પ્રવક્તા ભરતભાઇ પંડ્યાએ મીડિયાને માહિતી આપતા જણાવ્યુ હતુ કે, આજરોજ ભાજપા પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભાજપા પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ, પ્રદેશ પ્રવક્તા ભરતભાઇ પંડ્યા, કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા તથા ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં કોંગ્રેસમાંથી ધારાસભ્યપદેથી રાજીનામુ આપીને જવાહરભાઇ ચાવડાએ કેસરીયો ધારણ કરી વિધિવત રીતે ભાજપામાં પ્રવેશ કર્યો હતો.
પ્રદેશ પ્રવક્તા ભરતભાઇ પંડ્યાએ જણાવ્યુ હતુ કે, સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં રાજકીય, સામાજીક તેમજ શિક્ષણ ક્ષેત્રે જાણીતું નામ એટલે સ્વ. પેથલજીભાઇ ચાવડાના સુપુત્ર તેમજ આહિર સમાજના પ્રમુખ જવાહરભાઇ ચાવડાએ આજરોજ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી ભાજપામાં જોડાયા છે ત્યારે સમગ્ર ભાજપા સંગઠન તેમને આવકારે છે અને અભિવાદન કરે છે.
કોંગ્રેસના આક્ષેપોનો જવાબ આપતા પંડ્યાએ જણાવ્યુ હતુ કે, લોકશાહીમાં કોઇપણ વ્યક્તિને કોઇપણ પક્ષ છોડવાનો કે બીજા પક્ષમાં જોડાવાનો અધિકાર છે. કોંગ્રેસના નેતાઓ નિવેદન આપી રહ્યા છે કે અમારા શક્તિશાળી વ્યક્તિઓને ભાજપા લઇ જાય છે. તો ખરેખર તો કોંગ્રેસે વિચારવું જોઇએ કે તેમના શક્તિશાળી નેતાઓ પક્ષ છોડીને શા માટે જઇ રહ્યા છે ? નેતૃત્વ વિહિન અને દિશાવિહિન બનેલી કોંગ્રેસ નકારાત્મકતા તરફ છે, કોંગ્રેસ પોતાના નેતૃત્વની નિષ્ફળતા છુપાવવા માટે ભાજપા પર બેબુનિયાદ આક્ષેપો કરી રહી છે. ખોટા આક્ષેપો કરવાને બદલે કોંગ્રેસે પોતાના નેતાઓ કોંગ્રેસ છોડીને શા માટે જઇ રહ્યા છે તેનું ચિંતન કરવું જોઇએ.
ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જવાહરભાઇ ચાવડાને આવકારતા જણાવ્યુ હતુ કે, સૌરાષ્ટ્રમાં ભાજપાની શક્તિમાં વધારો થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની વિકાસની રાજનીતિથી આકર્ષાઇને જવાહરભાઇ ચાવડા પોતાના મતક્ષેત્રમાં પોતાની અપેક્ષા મુજબ વિકાસ કરવા સત્તાધારી પક્ષની સાથે રહી ઝડપી ગતીએ તેમના મતવિસ્તારના છેવાડાના તમામ પ્રજાજનોના વિકાસ માટે ભાજપામાં જોડાયા છે.