કોંગ્રેસે હંમેશા ગાંધીજીના નામનો ઉપયોગ કર્યો પરંતુ કયારેય વિચારોનો અમલ કર્યો નથી જ્યારે કોંગ્રેસના નેતાઓએ કેરલમાં જાહેરમાં ગૌમાંસની મિજબાની કરી ત્યારે ગુજરાત કોંગ્રેસ કેમ ચૂપ હતી: પ્રદેશ ભાજપ પ્રવકતાના સણસણતા સવાલો
પ્રદેશ ભાજપ પ્રવકતા ભરત પંડયાએ જણાવ્યું હતું કે, ગાંધીજીના પૂતળા સાથે કૃરતાપૂર્વક વ્યવહાર કરવાના જે દૃશ્યો સોશીયલ મિડીયામાં આવ્યાં છે. તે અતિ અતિ નિંદનીય છે. તેને ભાજપ સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે.ગાંધીજીનું આ પ્રકારનું અપમાન ભાજપ,ગુજરાત,દેશ કયારેય સહન કરશે નહીં.
સત્ય, પ્રેમ, અહીંસાના ગાંધીજીના વિચારો એ શાશ્વત છે. દુનિયાએ સ્વીકાર્યાં છે. ત્યારે આ પ્રકારની માનસિક વિકૃતિ પ્રદર્શિત કરીને ધૃષ્ટતા કરનાર લોકોને સજા મળવી જોઈએ. મળતી માહિતી મુજબ યુ.પી.સરકારે તે લોકોની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
કોંગ્રેસના ધરણાં સામે પ્રત્યાઘાત આપતાં પંડયાએ જણાવ્યું હતું કે, ગાંધીજી અને ગાંધી વિચારની વાત કોંગ્રેસને શોભતી નથી. કોંગ્રેસે હંમેશા ગાંધીજીના નામનો ઉપયોગ કર્યો છે. પરંતુ કયારેય ગાંધી વિચારનો અમલ કર્યો નથી. ગાંધીજીના સત્ય, પ્રેમ, અહીંસા, સ્વચ્છતા, ગૌવંશ હત્યા પ્રતિબંધ અને કોંગ્રેસને વિખેરી નાખવાનાં વિચારોનો અમલ કોંગ્રેસે કર્યો નથી.
ગાંધીજીએ ગૌવંશ હત્યા પર પ્રતિબંધ મુકવાના સખ્ત હિમાયતી હતાં. જયારે કોંગ્રેસના નેતાઓએ કેરલમાં જાહેરમાં મિડીયા સમક્ષ ગાય-વાછરડા કાપીને તેના માંસની મિજબાની કરી હતી. ત્યારે ગુજરાત કોંગ્રેસ કેમ ચૂપ હતી ? પૂ.સંતોએ કેરલના કોંગ્રેસીઓ સામે ગુજરાતમાં ધરણાં કર્યાં ત્યારે કોંગ્રેસના લોકોએ પૂ.સંતો પર હુમલા કર્યાં હતાં. કોંગ્રેસ મહેરબાની કરીને ગાંધીજીના નામે ભાજપ પર આક્ષેપ કરવાનું બંધ કરવું જોઈએ.
પંડયા વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતાં ત્યારે દર બીજી ઓકટોમ્બરના રોજ જાતે ખાદીની ખરીદી કરીને લોકોને ખાદી ખરીદવા માટે પ્રોત્સાહિત કરતાં હતાં. ગાંધીનગરમાં બનેલ મહાત્મા મંદિર અને દાંડી કૂટીરમાં બાપુના જીવન પ્રદર્શની વિશ્વમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. તાજેતરમાં જ દાંડી નમક સત્યાગ્રહ સ્મારકનું ઉદઘાટન કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગાંધીજીના વિચારોની જનજાગૃતિ લાવી રહ્યાં છે.
ગાંધીજીના સ્વચ્છતાના વિચારોને સમગ્ર દેશને ખુલ્લામાં શૌચ મુકત બનાવવાનું સફળ અભિયાન કરી રહ્યાં છે. સમગ્ર દેશમાં ગાંધી વિચારને લઈને જનજાગૃતિ કાર્યક્રમો દ્વારા બાપુને ૧૫૦મી જન્મજ્યંતિ નિમિતે ભાજપની કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો થકી ઉજવણી થઈ રહી છે. હમણાં જ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ ગાંધીજીના ૧૧ વ્રતના વિચારો સાથે પદયાત્રા કરી હતી.
ગાંધીજીનું પ્રિય ભજન વૈષ્ણવજન તો તેને કહીયે, જે પીડ પરાઈ જાણે રે.. ૧૨૪ દેશનાં કલાકારોએ ગાયું છે. આ ગુજરાત અને દેશને ગૌરવ અપાવ્યું છે. કોંગ્રેસે માત્ર ગાંધીજીના નામનો ઉપયોગ કર્યો છે. જયારે ભાજપે ગાંદીજીના વિચારોનો અમલ કર્યો છે.કોંગ્રેસે ઉશ્કેરાટ, વેરઝેર અને હિંસા ન ફેલાવે તો પણ ગાંધીજી માટે તેણે ઘણું કર્યં ગણાશે. જ્ઞાતિવાદ, કોમવાદ, આતંકવાદને કોંગ્રેસ સમર્થન ન આપે તો પણ ગાંધીજીનું સન્માન કર્યું ગણાશે. તેમજ પંડયાએ અંતમાં ઉમેર્યું હતું કે, કોંગ્રેસ ઉશ્કેરાટ, વેરઝેર અને હિંસા ન ફેલાવે અને જ્ઞાતિવાદ, કોમવાદ, આતંકવાદને સમર્થન ન આપે તો પણ ગાંધીજીનું સન્માન કર્યું ગણાશે.