કોંગ્રેસના નેતાઓના પત્રોના રાજકારણ સામે ભાજપાની પ્રતિક્રિયા- ‘હોજ સે ગઈ વો બુંદ સે નહી આતી’

કોંગ્રેસ જયારે પોતે સત્તામાં હોય છે ત્યારે પ્રજાહિતના કામ કરતી નથી અને સત્તામાં નથી હોતી ત્યારે પત્રો લખીને તરકટો રચે છે. કોંગ્રેસ સત્તામાં હોય ત્યારે માત્ર ભ્રષ્ટાચાર કરે છે અને સત્તામાં ન હોય ત્યારે નાટયાત્મક અને નકારાત્મકતા સાથે જુઠાણા અને ઉશ્કેરાટ ફેલાવવાનો પ્રયાસ કરે છે. તેમ ભાજપાના પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ જણાવ્યું હતું. કોંગ્રેસના અહેમદ પટેલે નર્મદા યોજના માટે કેન્દ્રમાં કોંગ્રેસ સરકારના સમયે પત્રો લખ્યા હોત તો સારુ હતું.

કેન્દ્રમાં ૧૦ વર્ષના શાસન સમયે નર્મદા યોજના આડે રોડા નાખનાર કોંગ્રેસને તે સમયે ખેડુતોની ચિંતા થતી ન હતી અને અત્યારે ખેડુતો માટે મગરના આંસુ સારી રહ્યા છે. નર્મદા ડેમની ઉંચાઈ, ડેમના દરવાજા અને વિસ્થાપિતોને મુદ્દે હંમેશા નર્મદાને રોકવાનું પાપ કરનાર કોંગ્રેસને નર્મદા કે ખેડુતો માટે બોલવાનો લેશમાત્ર અધિકાર નથી. કોંગ્રેસના પ્રવકતા ડો.મનીષ દોશીએ કેસ ન લડવા માટે કપિલ સિબ્બલને વ્યકિતગત પત્ર લખ્યો તે સારી વાત છે પરંતુ કોંગ્રેસનું આ તરકટ સ્પષ્ટ દેખાય છે. આમ, એક બાજુ કોંગ્રેસ વિપક્ષ તરીકે કયારેય પણ પ્રજા કલ્યાણના સકારાત્મક કાર્યો, ગરીબ કલ્યાણની યોજનાઓ જે ભાજપા લાગુ કરે છે તેને કોંગ્રેસ સ્વિકારી શકતી નથી.

પંડયાએ કોંગ્રેસ માટે ‘હોજ સે ગઈ વો બુંદ સે નહી આતી’ ઉકિત ઉચ્ચારીને આજે કોંગ્રેસને પાંચ પ્રશ્ર્નોનો જવાબ આપવા જણાવ્યું હતું. કોંગ્રેસ જવાબ આપે, કોંગ્રેસ શા માટે ભાજપાના પ્રજાકલ્યાણ અને ગરીબલક્ષી નિર્ણયોનો વિરોધ કરે છે ?

કોંગ્રેસના ૧૦ વર્ષના કેન્દ્ર શાસનમાં નર્મદા યોજના ખોરંભે ચડાવી હતી ત્યારે અહેમદ પટેલને પત્ર લખવાનું કેમ સુજયું નહી ? કોંગ્રેસે નર્મદા ડેમના ઉંચાઈ, દરવાજા અને વિસ્થાપિતો મુદ્દે વારંવાર કેમ અડચણો ઉભી કરી અને ૧૦ વર્ષ સુધી ડેમના દરવાજાની મંજુરી કેમ ન આપી ? વિધાનસભામાં ફી નિયમત કાયદો ભાજપા સરકારે પસાર કર્યો ત્યારે કોંગ્રેસે તેનું સમર્થન કેમ ન કર્યું ? અને ગૃહમાં હાજર કેમ ન રહ્યા અને ગૃહનો બોયકોટ કેમ કર્યો હતો ? કોંગ્રેસ શાળા સંચાલકો સામે ફી ઘટાડવા માટે પીટીશન કેમ નથી કરતી ?

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.