એક સમયે સાથે મળી ખંડણી ઉઘરાવતી કુખ્યાત ગેંગ આમને સામને આવી: પોલીસે જ ભરત કુગશીયાને દુધ પીવડાવી સર્પ ઉછેર્યા જેવી ઘટના: કુખ્યાત શખ્સોને કાયદાના પાઠ ભણાવવામાં ઘૂમટો તાણતી પોલીસ સામે પડકાર સજાર્યો
પોપટપરા, રોણકી, બજરંગવાડી અને જામનગર રોડ પોલીસની મહેરબાનીથી બેરોકટોક ગુના આચરતા લુખ્ખાઓ
પોપટપરા અને રોણકી વિસ્તારમાં કરોડોની કિંમતની જમીન પડાવી લેવી અને કરોડોની ખંડણી પડાવતી ભરત કુગશીયાની ગેંગમાં ભાગ બટાઇમાં અંદરો અંદર વાંધો પડતા સશસ્ત્ર અથડામણ થઇ હોવા છતાં પ્ર.નગર પોલીસે સામાન્ય ગુના નોંધી બંને પક્ષને સાચવવા પ્રયાસ કર્યાનું પ્રકાશમાં આવતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે.
રોણકીની સીમમાં કરોડોની કિંમતની જમીન પડાવી લેવા માટે ભરત કુંગશીયાએ રીતસર આંતક મચાવી અનેક ગંભીર ગુનાની હારમાળા સર્જી પોલીસ માટે શરમજનક સ્થીતી સર્જી હોવા છતાં પોલીસના કમાઉ દિકરાને સાચવવામાં પોલીસ હર હમેશ તત્પર હોય તેમ ફરી ભરત કુંગશીયાને છાવરવાના પ્રયાસ થયા છે. કાસમ મીયાણા અને ભરત કુંગશીયા એક સમયે સાથે જ મળીને કરોડોની ખંડણી ઉઘરાવવા અને જમીન પડાવી લેવા માટે કરેલા ખૂની હુમલાના ગુનામાં સાથે જ સંડોવણી અંગેના અનેક ગુના પોલીસમાં નોંધાયા છે.
કાસમ મીયાણા અને ભરત કુંગશીયા બંને રીઢા અને કુખ્યાત હોવાથી પોલીસનો જરા પણ ડર નથી અને પોલીસ સાથે કંઇ રીતે તપાસની પતાવટ કરવી તે બંને શખ્સો સારી રીતે જાણતા હોવાથી બંને કુખ્યાત શખ્સો ગમે ત્યારે ગંભીર ગુના આચરી પોલીસની આબ‚ના ધજારા ઉડાવી રહ્યા હોય તેમ કરોડોની ભાગ બટાઇમાં સામસામે હથિયાર સાથે હંગામો મચાવ્યો હતો તેમ છતાં પોલીસે રિક્ષાના કાચ ફોડવાના કારણે સોડા બોટલના કારણે સામસામે હુમલો થયાનો ગુનો નોંધ્યો છે.
પોપટપરા શેરી નંબર ૧૫-૧૬માં રહેતા રફીક અબ્બાસ ભટ્ટીએ ભરત કુંગશીયા અને તેના મામાના દિકરા હરી સામે સોડા બોટલથી હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી છે. જ્યારે ભરત રઘુ કુંગશીયાએ સલીમ, મંગળી, પતલો, વિ‚ કાઠી અને મુસ્તાક સામે હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી છે.
બંને પક્ષે રિક્ષાના કાચ ફોડવા અને મીયાણાઓને ગાળો દેવા જેવું કારણ આગળ ધરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા ઉંડી તપાસ કરવામાં આવે તો ખેરખર ચોકાવનારી વિગતો પ્રકાશમાં આવે તેમ હોવા છે. બને રીઢા ગુનેગાર હોવાથી તેઓ સામે ફરિયા નોંધાવવામાં રેલનગર અને પોપટપરાના લતાવાસીઓ ડરી રહ્યા છે. ભરત કુંગશીયાની ધાકના કારણે જ પોપટપરાના પટેલ પરિવારે હિજરત કરી એક માસ સુધી કલેકટર કચેરી ખાતે પડાવ નાખ્યો હતો ત્યારે પણ પોલીસે અન્ય ગુનેગારની જેમ સરભરા કરવાના બદલે મહેમાનની જેમ ભરત કુંગશીયાને સાચવ્યો હોવાથી અવાર નવાર ગુના આચરી પોલીસ માટે માથાનો દુ:ખાવો બનેલા ભરત કુંગશીયાને કાયદાનું ભાન કરાવી પોલીસ માથાભારે શખ્સનું કયારે માથુ હળવું કરશે તે અંગેની ચર્ચાએ ચકચાર જગાડી છે.