77માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી વલસાડમાં થશે: આન, બાન સાથે લહેરાશે તિરંગો: દેશવાસીઓમાં ઘુંટાયો દેશભક્તિનો કેસરિયો રંગ
ભારતવાસીઓ દેશભક્તિના કેસરિયા રંગમાં રંગાય ગયા છે. આવતીકાલે 77માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવશે. આન, બાન શાન સાથે તિરંગો લહેરાશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી લાલ કિલ્લા ખાતે રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ દેશવાસીઓને સંબોધન કરશે. ગુજરાતમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી વલસાડ ખાતે કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આ ઉજવણીમાં સામેલ થશે. મંત્રી મંડળના સભ્યો અલગ-અલગ જિલ્લામાં ધ્વજવંદન કાર્યક્રમમાં સામેલ થશે. દરમિયાન સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ આજે રાજકોટ-સુરત સહિતના શહેરોમાં સવારે તિરંગા યાત્રા યોજાઇ હતી.
ભારતમાં 15 ઓગસ્ટ 1947ના રોજ આઝાદીનો સુર્યોદય થયો હતો. અનેક સપુતોના બલીદાન અને વર્ષોના આંદોલન બાદ આ દિવસે ભારત દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ મળી હતી. કાલે દેશવાસીઓ 77માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરશે. ભારત આઝાદ થયા બાદ ત્રણ વર્ષ દેશને પોતાનું બંધારણ મળ્યું. 26મી જાન્યુઆરીની ઉજવણી પ્રજાસત્તાક પર્વ તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ બે રાષ્ટ્રીય પર્વ ભારતવાસીઓમાં ખૂબ જ મહત્વ ધરાવે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જવાબદારી નિભાવતા હતા. ત્યારે તેઓએ એક નવી જ પરંપરા શરૂ કરાવી હતી. રાષ્ટ્રીય પર્વની ઉજવણી પાટનગર ગાંધીનગર ખાતે કરવાના બદલે રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં કરવાની પરંપરા શરૂ કરાવી હતી. આ પરંપરા રાજ્યમાં હજી યથાવત છે. 77માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી વલસાડ ખાતે કરવામાં આવશે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ વલસાડ ખાતે પહોંચી ગયા હતા. તેઓના હસ્તે કરોડો રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાત મુહુર્ત કરવામાં આવ્યું હતું.
આવતીકાલે તેઓના હસ્તે વલસાડ ખાતે ધ્વજવંદન કરવામાં આવશે. તેઓ સ્વતંત્રતા પર્વ નિમિતે યોજાનારી પરેડ અને સાંસ્કૃત્તિક કાર્યક્રમોમાં હાજરી આપશે.
વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી, કેબિનેટ મંત્રીઓ તથા રાજ્ય કક્ષાના મંત્રીઓના હસ્તે અલગ-અલગ જિલ્લામાં ધ્વજવંદન કરવામાં આવશે. રાજ્ય સરકારના કૃષિમંત્રી અને રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઇ પટેલના હસ્તે રાજકોટ જિલ્લામાં ધ્વજવંદન કરવામાં આવશે. જે જિલ્લામાં મંત્રીઓ હાજર નહીં રહે ત્યાં જિલ્લા કલેક્ટરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે.
સ્વાતંત્ર્ય પર્વને લઇ ગુજરાતની જનતામાં દેશભક્તિનો જબરદસ્ત માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યભરમાં ઠેર-ઠેર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજ્જારો લોકો ઉત્સાહભેર જોડાયા હતા. હાલ ઘેર-ઘેર તિરંગા અભિયાન પણ ચાલી રહ્યું છે. આન, બાન, શાન સાથે લોકોએ પોતાના ઘેર, દુકાન કે બિલ્ડીંગો પર રાષ્ટ્રધ્વજ લહેરાવી રહ્યા છે.
આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સતત દશમી વખત સ્વાતંત્ર્ય પર્વ નિમિતે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજને સલામી આપશે અને ત્યારબાદ દેશવાસીઓને સંબોધશે. 1947 સુધી ભારત અખંડિત હતું. 14 ઓગસ્ટ 1947ના રોજ ભારત ખંડિત થયું બે ભાગમાં વહેંચાય ગયુ પાકિસ્તાનનો જન્મ થયો. ભારતને અંગ્રેજીની ગુલામીમાંથી મુક્ત કરાવવા માટે હજ્જારો લોકોએ પોતાની જાન ન્યોછાવર કર્યા હતા. આજે ભારત વિશ્ર્વગુરૂ બનવા તરફ આગળ વધી રહ્યું છે. દેશનું અર્થતંત્ર મજબૂતાય સાથે ઉભરી રહ્યું છે. સ્વાતંત્ર્ય પર્વએ શહીદોને યાદ કરી તેઓની સહાદતને વંદન કરવાનો એક દિવસ છે.