ગુજરાતની ઐતિહાસિક ધરોહરને જોવાનો અનોખો અવસર
28મી ફેબ્રુઆરીથી દોડતી થશે ટ્રેન: 3500 કિમીની કરાવશે યાત્રા
ગુજરાતના સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરવા માટે આઇઆરસીટીસી દ્વારા ગરવી ગુજરાત યાત્રાની શરુઆત થવા જઈ રહી છે. રાજ્યના ઐતિહાસિક ધરોહર સમાન તીર્થ સ્થાનો પર યાત્રાળુઓ સરળતાથી દર્શનાર્થે આવી શકે તેના માટે હવે ભારત ગૌરવ ટ્રેન દોડાવવામાં આવનાર છે.
છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય રેલવે અનેક ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ ફેરફારો કરી રહી છે. સ્વચ્છતા, ભોજન, સમય દરેક બાબતમાં ભારતીય રેલવે સારી સુવિધા આપવાનો પ્રયાસ કરી રહે છે. વંદે ભારત ટ્રેન, બૂલેટ ટ્રેન પ્રોજેક્ટ સહિત ભારત ગૌરવ ટ્રેન ભારતીય રેલવેને નવી ગતિ આપી રહ્યું છે.
આ બધા વચ્ચે ભારત ગૌરવ ડીલક્સ એસી ટૂરિસ્ટ ટ્રેન ચર્ચામાં છે. ભારતીય રેલવે ગુજરાતની ઐતિહાસિક ધરોહરને બતાવવા માટે ભારત ગૌરવ ડીલક્સ એસી ટૂરિસ્ટ ટ્રેન ચલાવી રહ્યું છે. ગુજરાતના આધ્યાત્મિક વારસા અને સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરવા માટે ગરવી ગુજરાત યાત્રાની શરુઆત થવા જઈ રહી છે.
આઇઆરસીટીસી દ્વારા સંચાલિત આ ટૂરિસ્ટ ટ્રેન 28 ફેબ્રુઆરીથી દિલ્હીના સફરદરજંગ રેલવે સ્ટેશનથી આઠ દિવસની યાત્રા માટે નીકળશે. આ ટ્રેન ગુરુગ્રામ, રેવાડી, રીંગસ, ફૂલેરા અને અજમેર રેલવે સ્ટેશન પર પણ રોકાશે. આ યાત્રાને સરકારની ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ યોજનાની ભાવનાને અનુરુપ ડિઝાઈન કરવામાં આવી છે. આ આખી ટ્રેન 8 દિવસમાં કુલ 3500 કિલોમીટરનું અંતર કાપશે. ગુજરાતમાં આ ટ્રેન પહેલા કેવડિયામાં રોકાશે, જ્યાંથી સ્ટેચ્યુ ઓફ યૂનિટીના આકર્ષણને યાત્રીઓ નીહાળી શકશે.
આ યાત્રા દ્વારા સ્ટેચ્યુ ઓફ યૂનિટી, ચાંપાનેર, અક્ષરધામ મંદિર, સાબરમતી આશ્રમ, મોઢેરા સૂર્ય મંદિર, પાટણની રાનકી વાવ, સોમનાથ જ્યોતિર્લિગ, નાગેશ્વર જ્યોતિર્લિંગ, દ્વારકાધીશ મંદિર અને બેટ દ્વારકાની મુલાકાત 8 દિવસ દરિયાન લઈ શકાશે.