કે.સી. અને પી.સી. વ્યાસની ધરપકડ મામલે
બ્રહ્મસમાજની ચૂંટણીમાં નિમ્ન કક્ષાની ગુંડાગીરી આચરવા બદલ વ્યાસ બંધુઓ સામે પોલીસ દ્વારા લેવાયેલા પગલાંને રાજકીય ચાલમાં ખપાવનાર ઇન્દ્રનીલ રાજ્યગુરુને ભાજપના પ્રદેશ અગ્રણી તથા બ્રહ્મનેતા નીતિન ભારદ્વાજ તથા રૂડાના ભૂતપૂર્વ ચેરમેન અને બ્રહ્મસમાજના અગ્રણી કશ્યપ શુકલએ જડબાતોડ જવાબ આપ્યો છે. તેમણે જણાવ્યું છે કે, બ્રહ્મસમાજને બદનામ કરનારા કે.સી. વ્યાસ અને પી.સી. વ્યાસની ધરપકડ કરવાના મામલામાં બંને આરોપીનાં સાથીદાર ઈન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પર કરવામાં આવેલા આક્ષેપો પાયા વગરના જ નહીં, હાસ્યાસ્પદ પણ છે. તેમણે કહ્યું હતું કે, ઇન્દ્રનીલ રાજ્યુગુરુ ગમે તેવા ગતકડા કરીને પણ ચર્ચામાં રહેવામાં માંગે છે. મુખ્યમંત્રીશ્રી પર ખોટા આક્ષેપો કરવાનો ઇન્દ્રનીલ રાજ્યગુરુનો હેતુ માત્રને માત્ર પ્રસિદ્ધિ મેળવવાનો છે.
ભારદ્વાજ-શુક્લએ બ્રહ્મસમાજની શાખ અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, ભૂદેવો સમાજ માટે પથદર્શકની ભૂમિકા સદીઓથી નિભાવી રહ્યા છે, આ સમાજ હંમેશા ગુંડાગીરી અને મવાલીગીરીથી દુર રહ્યો છે અને શિસ્ત તથા સંયમને પોતાના જીવનનું અભિન્ન અંગ માને છે.
નીતિનભાઈ ભારદ્વાજ અને કશ્યપભાઈ શુક્લએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, હાલમાં યોજાયેલી બ્રહ્મસમાજની ચૂંટણી વિવાદમાં મારામારી કરનાર અને હથિયારો બતાવનાર કે.સી. વ્યાસ અને પી.સી. વ્યાસનો ભૂતકાળ ગુન્હાહિત છે. કે.સી. વ્યાસ અને પી.સી. વ્યાસ પર સૌ. યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં, માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં, ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ ગુન્હાઓમાં ફરિયાદ દાખલ થયેલી હોય આરોપીઓ છે જ્યારે જામખંભાળિયા પોલીસ સ્ટેશનમાં પી.સી. વ્યાસ પર ગુન્હો દાખલ છે.
બ્રહ્મસમાજની સાધારણ સભાનાં થયેલા બનાવ મામલે કે.સી. વ્યાસ અને પી.સી. વ્યાસની પોલીસ તંત્ર દ્વારા કરવામાં ધરપકડમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સીધી કે આડકતરી એકપણ રીતે સામેલ નથી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં કહેવાથી કે.સી. વ્યાસ અને પી.સી. વ્યાસની ખોટી ધરપકડ કરવામાં આવી છે એવો ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા કરવામાં આવેલો આક્ષેપ તદ્દન વાહિયાત છે. બ્રહ્મસમાજનાં લોકોએ પણ આવા લોકોથી ચેતવું જોઈએ એવું બ્રહ્મસમાજનાં મોભી તથા પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ અને રૂડાના પૂર્વ ચેરમેન કશ્યપભાઈ શુક્લએ જણાવ્યું હતું.