- સૌની યોજના બની તારણહાર, સૌરાષ્ટ્રની જળ કટોકટી બનાવી ભુતકાળ: રાજકોટવાસીઓની ચોમાસા સુધી પાણીની ઉપાધી ટળી
એક સમય હતો જયારે ઉનાળામાં જો કોઈ મહેમાન બહાર ગામથી રાજકોટ વેકેશન કે આતિથ્ય માણવા આવવા ઈચ્છતા હોય તો તેને રાજકોટવાસીઓ એવું કહેવા મજબૂર બની જતા હતા કે, ઉનાળાના એકાદ બે મહિના અમારે આંગણે આવવાનું રહેવા દયો કારણ કે અત્યારે અમે પણ પાણીકાપ વેઠી રહ્યા છીએ. શહેરની જીવાદોરી સમાન આજીડેમ ઉનાળાના આરંભે જ ક્રિકેટના મેદાનમાં ફેરવાય જતો હતો. રાજયના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના પનોતાપુત્ર વિજયભાઈ રૂપાણીની દૂરંદેશીના કારણે રાજકોટવાસીઓ માટે પાણીની હાડમારી ભૂતકાળ બની ગઈ છે. કાળઝાળ ઉનાળામાં પણ આજીનો જળ વૈભવ શહેરીજનોના હૈયે ટાઢક આપી રહ્યો છે.
વિજયભાઈ રૂપાણીના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં તેઓએ રાજકોટવાસીઓ કાયમી ધોરણે તેઓના ઋણી રહે તેવું મહાન કાર્ય કર્યું છે. રાજકોટની જળ જરૂરિયાત સંતોષતા આજી ડેમ અને ન્યારી-1 ડેમને સૌની યોજના સાથે જોડી દેવામાં આવ્યા છે. આ બંને જળાશયો હવે આખા વર્ષમાં ગમે ત્યારે નર્મદાના નીરથી ભરવા માટે સક્ષમ બન્યા છે.
રાજકોટની જનતાએ ચોમાસાની સિઝન સુધી પાણીની હાલાકી વેઠવી ન પડે તે માટે કોર્પોરેશન દ્વારા રાજય સરકાર પાસે સૌની યોજના અંતર્ગત આજી ડેમ પાસે 1800 એમ.સી.એફ.ટી અને ન્યારી ડેમમાં 600 એમ.સી.એફ.ટી. પાણી ઠાલવવાની માંગણી કરી હતી. જે અંતર્ગત બે તબકકામાં આજી ડેમમાં 1500 એમ.સી.એફ.ટી. અને ન્યારી-1 ડમેમાં 295 એમસીએટી પાણી ઠાલવી દેવામાં આવ્યું છે. હાલ આજી ડેમમાં નર્મદાનાનીર ઠાલવવામાં આવી રહ્યા છે. 29 ફૂટે ઓવરફલો થતા આજીની સપાટી હાલ 27 ફૂટે પહોચી જવા પામી છે. ડેમમાં 797 એમસીએફટી પાણી સંગ્રહીત છે. દૈનિક વિતરણ વ્યવસ્થા મુજબ 30 જૂન સુધી ચાલે તેટલો જથ્થો આજીમાં ઉપલબ્ધ છે.
જયારે ન્યુ રાજકોટની જળ જરૂરિયાત સંતોષતા ન્યારી-1 ડેમની સપાટી હાલ 16.90 ફૂટે પહોચી છે. ડેમ 25.10 ફૂટે ઓવરફલો થાય છે. 30 જુન સુધી ચાલે તેટલું પાણી ન્યારીમાં સંગ્રહિત છે.
ઉનાળામાં ક્રિકેટના મેદાનમાં ફેરવાય જતા આજી અને ન્યારી ડેમમાં હાલ જળ વૈભવ હિલોળા લઈ રહ્યો છે. જે શહેરીજનોના હૈયા અને આંખને ટાઢક આપી રહ્યા છે.