ભાણવડ: સૌરાષ્ટ્રના પર્યટન કોરિડોર તરીકે સોમનાથથી લઈને દ્વારકા સુધીનો દરિયાઈ માર્ગ અને જૂનાગઢથી સાસણ અને પોરબંદર તરફના આ વિસ્તારમાં પ્રવાસીઓની સતત વધતી સંખ્યાને ધ્યાને રાખીને વન વિભાગ દ્વારા પોરબંદર નજીક બરડા ઓપન જંગલ સફારી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી 16 મી ઓક્ટોબરથી સંભવત સૌરાષ્ટ્રમાં વધુ એક ઓપન જંગલ સફારી શરૂ થઈ રહી છે. જે પર્યટન કોરિડોરમાં આવતા પ્રવાસીઓ માટે પ્રવાસનના એક નવા વિકલ્પ તરીકે પણ બનાવવામાં આવી રહ્યું છે. જેમાં ગુજરાત વન વિભાગ દ્વારા નાગરીકોને જીવસૃષ્ટિ, પર્યાવરણ અને કુદરતી દ્રશ્યોને જાણવા અને માણવાના હેતુસર બરડા જંગલ સફારીનો શુભારંભ થવા જઇ રહયો છે.

જે મુજબ બરડા જંગલ સફારી અંગેની મુખ્યત્વે બાબતો નીચે મુજબ છે.

● સફારી શિયાળાની સીઝન દરમ્યાન સવારના 6-45 થી 9-45 અને બપોરનાં 3 થી 6 એમ કુલ બે ભાગમાં કરી શકાશે.

● સફારી ઉનાળાની સીઝન દરમ્યાન સવારના 6 કલાક થી 9 કલાક અને બપોરનાં 3-00 કલાકથી 6 કલાક એમ કુલ બે ભાગમાં કરી શકાશે.

● સફારી દર વર્ષે 16 જુનથી 15 ઓકટોબર સુધી બંધ રહેશે.

● ટીકીટ બુકીંગ કપુરડી નાકાથી ઓફલાઇન મોડ મારફતે શરૂ કરવામાં આવશે.

●સફારી દરમ્યાન પ્રવાસીઓને બરડાની પ્રાકૃતિક સુંદરતા,કિલગંગા નદીના રમણીય દ્રશ્યો.પહાડી/ડુંગરાળ ભુપ્રદેશ ઉપરાંત વન્યજીવોને તેઓનાં કુદરતી નિવાસ સ્થાનેથી જોવાની તક મળી શકશે.

● બરડા સફારીનો રૂટ અંદાજે 27 કિ.મી.રહેશે,જેની શરૂઆત કપુરડી નાકાથી કરવામાં આવશે અને ત્યાર બાદ ચારણુઆઇ બેરીયરથી અજમાપાટથી ભુખબરા સુધીનો વિસ્તાર આવરી લેવામાં આવશે.

● આ સફારી દર્શન માટે 6 પેસેન્જરોની કેપેસીટી ધરાવતી ઓપન જીપ્સી મુકવામાં આવશે. જેમાં ગાઇડની વ્યવસ્થા પણ રાખવામાં આવશે.

● સફારી માટેની પરમીટ ફી રૂ. 400, ગાઇડ ફી રૂ. 400 તેમજ જીપ્સી ફી રૂ. 2000 રાખવામાં આવશે.જે પરમીટ ટીકીટ બુકીંગ કાઉન્ટર ખાતેથી ઉપલબ્ધ થઇ શકશે.

●પ્રવાસીઓની સલામતી અને જાગૃતતા માટે ગાઇડની સગવડતા ઉપલબ્ધ કરાવવામાં આવશે.આ ઉપરાંત સફારીનાં રૂટ વિસ્તારમાં અલગ-અલગ જગ્યાએ વિવિધ સુચનાઓ દર્શાવતા બોર્ડ મુકવામાં આવશે.જેનો દરેક પ્રવાસીઓએ અમલ કરવાનો રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.