બુટલેગરોને ભોંભીયર કરવા પોલીસે કમ્મર કસી

ભાણવડ તાલુકાના રાણપર, મોડપર, પાસ્તરડી વગેરે ગામોમાં છેલ્લા ચારેક દિવસથી પોલીસ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં રોજેરોજ અંગ્રેજી શરાબનો જથ્થો ઝડપાઈ રહ્યો હોય, આ જથ્થો પોલીસની જાણ બહાર અહીં સુધી કેમ પહોંચ્યો? તેવો પ્રશ્ન ઉઠવા પામ્યો છે. શરાબનો ધંધો કરી ગરીબ લોકોને મદદ કરવા તત્પર રહેતા રોબીનહુડ ટાઈપના બુટલેગરોને કાયદાના સકંજામાં લેવા હવે છેક પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. પોલીસની કામગીરી સામે પણ ચર્ચાઓ ઉઠવા પામી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના રાણ, મોડપર વગેરે ગામોમાં અંગ્રેજી શરાબ જોઈએ તેટલા જથ્થામાં આસાનીથી ઉપલબ્ધ થતો હોય અને ત્યાંના બુટલેગરો પોલીસના ખૌફ વગર આરામથી પોતાની કામગીરી કરતા હોય, પોલીસની કામગીરી સામે લોકોમાં તરેહ-તરેહની ચર્ચાઓ થઈ રહી છે.

તે દરમ્યાન ગયા શનિવારે જામજોધપુરનો પોલીસ કાફલો અગાઉ જામજોધપુરમાંથી ઝડપાયેલા શરાબના જથ્થાના ગુન્હામાં વોન્ટેડ રહેલા અરજણ આલા કોડિયાતર નામના શખ્સને પકડવા માટે ભાણવડના કલ્યાણપુર ગામમાં ગયો ત્યારે પોલીસ ટૂકડી પર ટોળાએ હુમલો કરી આરોપીને પોલીસના હાથમાંથી છોડાવી લીધાના બનાવે દ્વારકા જિલ્લાના પોલીસ તંત્રને હચમચાવી નાખ્યું છે.

ત્યાર પછી હરકતમાં આવેલા પોલીસ તંત્રએ ભાણવડ પંથકમાં રોજેરોજ દરોડા પાડવાનું યથાવત રાખી બુટલેગરોની આર્થિક તાકાત ભાંગી નાખવા માટે કાર્યવાહી શરૂ કરતા રોજેરોજ રૂ.લાખ-લાખનો દારૂ ઝડપાઈ રહ્યો છે.રાણપર, પાસ્તરડી, મોડપર વગેરે ગામોમાં દારૂ છૂપાવાતો હોય તેવી જગ્યાએ હથિયારધારી પોલીસને સાથે રાખી કરાતી દરોડાની કામગીરીથી બુટલેગરો ભૂગર્ભમાં ઉતરી ગયા છે,

પરંતુ આવડો મોટો જથ્થો તે ગામો સુધી કેવી રીતે પહોંચી જાય છે? તેવો પ્રશ્ન ઉચ્ચ પોલીસ અધિકારીઓના ધ્યાનમાં આવતો નથી, લોકોમાં કટાક્ષમાં ચર્ચાતી વિગત મુજબ ભાણવડ પંથકના બુટલેગરો રોબીનહુડ ટાઈપના છે, તેઓ ટ્રક ભરીને દારૃ ભરીને મંગાવતા હોય અને સમગ્ર પંથક તેમજ સૌરાષ્ટ્રભરમાં સપ્લાય કરતા હોય ત્યારે આ વિસ્તારના ગરીબ લોકોને દવા માટે કે મુસીબતના સમયે ૨૫-પ૦ હજાર રૃપિયાની મદદ કરવામાં પણ પાછીપાની કરતા નથી એટલે જ કદાચ તેઓને મેળામાંથી ભગાડી જવામાં ટોળું ભાગ ભજવી ગયું છે

તેના પરથી એટલું ફલિત થાય છે કે સ્થાનિક લોકોને તેમના પ્રત્યે કુણી લાગણી છે. અગાઉ તથા ગઈકાલે ઝડપાયેલા અંગ્રેજી શરાબના કુલ ચોવીસ ગુન્હાઓમાં અરજણ આલા કોડિયાતરનું નામ બોલે છે, થોડા સમયથી પોતાનો ધંધો વિકસાવી ચૂકેલા આ બુટલેગરોએ પોલીસ પર હુમલો કરી પોલીસની આબરૂનું ચિરહરણ કરતા હવે તેને પકડી પાડવા માટે પોલીસ તંત્ર મક્કમ થયું છે. હાલમાં અરજણ આલાની માલિકીની ગણાતી રૂ.પચ્ચાસેક લાખની ત્રણ ગાડીઓ પોલીસના સકંજામાં છે.

પોલીસ પરના હુમલા પછી નવા-જૂનીના દેખાતા અણસાર

તાજેતરમાં એક બુટલેગરને છોડાવવા માટે પોલીસ ટૂકડી પર ટોળાએ કરેલો હુમલો સમગ્ર દ્વારકા જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે ત્યારે આ બનાવ પહેલા ભાણવડ પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફના બે પોલીસકર્મીએ આ બુટલેગરને ’માલ’ પકડતા તેઓને ઠપકો મળ્યાની વિગતો જાણવા મળી રહી છે. આ પોલીસકર્મીઓએ ન કરવા જેવું કામ કર્યું હોય તેમ તેઓને ડી-સ્ટાફમાંથી પણ તાકીદે દૂર કરી દેવાયા હતા.

તે દરમ્યાન પોલીસ પર થયેલા હુમલાના બનાવે બહુ દૂર સુધી પોલીસ તંત્રમાં પડઘા પાડયા છે ત્યારે આ મુદ્દો ફરીથી ચર્ચામાં આવ્યો છે અને તેની જાણ ઉચ્ચ અધિકારીઓને થતા તે મામલામાં નવા-જૂની જાય તેમ લાગી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.