મામલતદારની તપાસમાં ઘટ્ટસ્ફોટ: રેશનકાર્ડમાં 2046 લોકોના નામ ઉમેરી અનાજનો જથ્થો બારોબાર વેચાતો

ભાણવડ પંથકમાં સસ્તા અનાજના જથ્થાની બારોબાર હેરાફેરી બહાર આવતા મામલતદાર અને પોલીસે કડક કાર્યવાહી હાથધરી છે. જેમાં ભાણવડના શેઢાખાઇ ગામે પરિવારજનો સિવાયના લોકોના નામ રેશનકાર્ડમાં ઉમેરી સસ્તા અનાજનો જથ્થો બારોબાર સગેવગે કરવાની તપાસમાં ફૂલ 12 શખ્સો સામે પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભાણવડ પંથકમાં સસ્તા અનાજની દુકાનોમાં મોટા પાયે ગેરકાયદે હેરાફેરી થતું હોવાનુ ભાણવડના મામલતદાર દક્ષાબેન એમ. રિંડાણીના ધ્યાને આવ્યું હતું. જેની તપાસ કરતા શેઢાખાઇ ગામની વ્યાજબી અનાજની દુકાનમાં તપાસ કરતા તેમાં રેશનકાર્ડમાં પરિવારજનો સિવાયના વ્યક્તિના નામ ઉમેરી હેરાફેરી થતું હોવાનુ ધ્યાને આવ્યું હતું. જેથી મામલતદારે ઊંડાણમાં તપાસમાં હાથધરી હતી.

જેમાં ભાણવડના રૂપામોરા ગામના બાબુ જગા કારેણા અને કલ્યાણપુરના પરબત ખીમા કરમુર દ્વારા રેશનકાર્ડમાં ઘાલમેલ કરી કુલ 2046 લોકોના ખોટા નામ ચડાવી સસ્તા અનાજનો જથ્થો મેળવી બારોબાર વેચી નાખવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો.પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ થયેલી તપાસમાં બાબુ અને પરબત સાથે રમણીક ગોવિંદ રાઠોડ, ભાણવડ મહિલા ગ્રાહક સરકારી ભંડારના પોપટ સિંહ ઉર્ફે નરેન્દ્રસિંહ જાડેજા, સૌરાષ્ટ્ર અનુસૂચિત જન જાતિ ઉત્કર્ષ મંડળીના મેહુલ ભીખુ ગોસ્વામી, વેરાડ ગામના હિરેન આત્મારામ ગોંડલિયા, ભેનકવડના જ્યોતિબા હકુમસિંહ જાડેજા, મનસુખ કારેણા, રામ ડાડું કરમૂર, નગીન અરજણ બરાઈ, પ્રકાશ રતિલાલ કુંડલિયા અને કેતન રાઠોડ સામે પોલીસમાં ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.