જામનગરના બોક્સાઈટના એક વ્યવસાયીને એક શખ્સે રૂ.૪૦ લાખની ઉઘરાવી કરી ફોન પર ધમકાવ્યા પછી તેમની ઓફિસે જઈ છરી બતાવી ભાંગતોડ કરતા રૂ.એકાદ લાખની નુકસાની થઈ છે. થોડા દિવસ પહેલા એક આસામીની કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવા માટે બોગસ વેચાણ કરાર કરાયાની ફરિયાદ થયા પછી વેપારી પાસેથી રૂ.૪૦ લાખ પડાવવા ભયનો માહોલ સર્જનાર શખ્સ સામે પોલીસ કડક કાર્યવાહી કરે તેવી માગણી ઉઠી છે.
જામનગરના પી.એન. માર્ગ પર આવેલા મોટર હાઉસ નજીકના અંકુર એપાર્ટમેન્ટમાં રહેતા અને બોક્સાઈટના વ્યવસાય સાથે સંકળાયેલા હરેન્દ્રભાઈ ચમનલાલ મહેતા (ઉ.વ.૬૭) નામના વેપારીને થોડા દિવસો પહેલા મોબાઈલ પર ધર્મેન્દ્ર મયુરભાઈ માડમ નામના શખ્સે કોલ કરી મારા મિત્રના તમારે રૂ.૪૦ લાખ આપવાના બાકી છે તે પૈસા આપી દો તેમ કહી ધમકી આપી હતી. આથી પોતાને કોઈ રકમ આપવાની બાકી ન હોવા છતાં આવી રીતે ઉઘરાણી કરાતા ગભરાયેલા હરેન્દ્રભાઈએ આ શખ્સના ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું.
તે દરમ્યાન ધર્મેન્દ્ર માડમે પૈસાની ઉઘરાણી કરવા માટે હરેન્દ્રભાઈએ મિત્ર અને જામનગરના જાણીતા બિલ્ડર નિલેશભાઈ ટોલિયાને ફોન કરી પોતે રૂ.૪૦ લાખ હરેન્દ્રભાઈ પાસે માગતો હોવાનું જણાવતા નિલેશભાઈએ પોતાના મિત્ર હરેન્દ્રભાઈને પૂછયું હતું, પરંતુ હરેન્દ્રભાઈએ કોઈ પૈસા માગતું નથી તેમ જણાવ્યું હતું.
પૈસા પડાવી લેવા માટે ઉગ્ર બનેલા ધર્મેન્દ્ર માડમે હરેન્દ્રભાઈ ફોન ઉપાડતા ન હોય, બીભત્સ ભાષામાં હરેન્દ્રભાઈને મેસેજ કરી પૈસા આપી દેવા માટે ધમકાવ્યા પછી ગયા બુધવારે રાત્રે આઠેક વાગ્યે જ્યારે હરેન્દ્રભાઈ ત્રણ દરવાજા સામે આવેલી પોટરીવાળી ગલી સ્થિત પોતાની ઓફિસે અન્ય લોકો સાથે હાજર હતા ત્યારે ત્યાં ધસી આવેલા ધર્મેન્દ્ર અને તેની સાથેના શખ્સે છરી બતાવી હરેન્દ્રભાઈને ગાળો ભાંડી મારી નાખવાની ધમકી આપ્યા પછી તેમની ઓફિસમાં પડેલા કોમ્પ્યુટરના મોનીટર, ટીવી અને કાચના દરવાજા ફોડી નાખી રૃા.એકાદ લાખનું નુકસાન કર્યું હતું. આ વેળાએ ઓફિસમાં હાજર શ્રેયાંસભાઈ નામના વ્યક્તિ વચ્ચે પડતા તેઓને માર મારી ધમકી આપવામાં આવી હતી. આ બાબતની ગઈકાલે હરેન્દ્રભાઈએ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઈ બી.એસ. વાળાએ ગુન્હો નોંધી આરોપીની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે. થોડા દિવસો પહેલા જ એક આસામીની કરોડો રૃપિયાની જમીન પચાવી પાડવા માટે બોગસ વેચાણ કરાર ઉભા કરાયાની પોલીસમાં ફરિયાદ થયા પછી એક વેપારી પાસે રૃા.૪૦ લાખ પડાવી લેવા એક શખ્સે ભયનો માહોલ ઉભો કરતા વેપારીઓમાં ફફડાટ જાગ્યોછે. આવા તત્ત્વોને જેર કરવા પોલીસ ચાંપતા પગલા ભરે તેવી માગણી ઉઠી છે.