ભ્રષ્ટ અધિકારીઓના મોરલ તૂટયા? વીજીલન્સ ઇન્સ્પેક્ટર પર વજનીયા ફેંકયા, છરી મારી, તરબુચના ઘા કર્યા
વીજીલન્સની ટિમ સામે ઈસમની હીરોગિરી :
રાજકોટ શહેરના શાસ્ત્રીનગર મેઈન રોડ પર મહાનગર પાલિકાના દબાણ હટાવ શાખાના ઇન્સ્પેક્ટર પર ફ્રુટની રેકડી ધારક શખ્સે છરા વડે ખૂની હુમલો કરતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.૩૦ મિનિટ સુધી આ શખ્સે સમગ્ર વિસ્તારને બાનમાં લઈ અધિકારીઓને રીતસર ધ્રુજાવ્યા હતા.અંતે વિઝીલન્સની વધુ ટીમ આવ્યા બાદ આ શખ્સને ઝડપીને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું. ગઈકાલે બપોર બાદ શાસ્ત્રીનગર મેઈન રોડ પર ફરિયાદના આધારે મનપાના દબાણ હટાવ શાખાના અધિકારીઓ ચેકીંગમાં ગયા હતા.મેઈન રોડ પર ઉભેલા ફ્રુટની લારીના સંચાલકો સાથે સ્ટાફને બોલાચાલી થયા બાદ નવાઝ નામનો શખ્સ ઉશ્કેરાઇને દબાણ હટાવ શાખાના ઇન્સ્પેક્ટર રાજવીરસિંહ રાણા ને જાહેરમાં હાથમાં છરીના ઘા ઝીકતાં ભારે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.ઇન્સ્પેક્ટર રાણા, જાડેજા સહિતનો કાફલો ઉપસ્થિત હોવા છતાં નવાઝે બેખોફ બની ને ૩૦ મીનીટ સુધી તમામ અધિકારીઓને મચક આપી ન હતી, અને રીતસરના તમામને બેફામ ગાળો ભાંડી ધ્રુજાવ્યા હતા.અબતક મીડિયા ટીમ ત્યાંથી પસાર થતા આ સમગ્ર ઘટના મીડિયા ટીમે તેના કેમેરામાં કેદ કરી હતી.
મારી રેકડીને હાથ તો અડાડી જુઓ
વિઝીલન્સ ટીમનો અન્ય સ્ટાફ આવી ગયા બાદ પણ નવાઝે ફરીથી છરી કાઢી ને સ્ટાફ પર હુમલાનો પ્રયત્ન કર્યો હતો, અને ઉપસ્થિત લોકો પાછળ પણ છરી લઈ ને દોટ મુક્તા અફરાતફરી સર્જાઈ હતી. નવાઝ ભાગીને નજીકના પાર્ટી પ્લોટના બાથરૂમમાં છુપાઈ ગયો હતો .ત્યાંથી ટીમે તેને બહાર કાઢી કાયદાનું ભાન કરાવ્યું હતું.સમગ્ર ઘટના પર નજર કરીયે તો નવાઝ નામનો રેકડી ધારક દબાણ હટાવ ટીમ પર પોતાનો આક્રોશ ઠાલવતા આક્ષેપ કરી ને જણાવી રહ્યો હતો કે મારી રેકડી ૪ વાર કબ્જે કરી દીધી હતી.૨ રેકડીના હું ૧૦૦ રૂપિયા આપવા સહમત થયો પણ અધિકારીઓ ન માન્યા અને મારી રેકડી લઇ જવાનો પ્રયત્ન કરતા હતા.
છરી કાઢી પોલીસ સામે ખુલ્લેઆમ દાદાગીરી
આજની બોણી પણ થઈ ન હતી માટે મેં અધિકારીઓ પર હુમલો કર્યો.તમામ ઘટનાનો ચિતાર કાઢતા દબાણ હટાવ શાખાની કામગીરી પર સવાલો ઉભા થાય છે . ભ્રષ્ટ અધિકારીઓના પાપે આ પ્રકારના કૃત્ય કરતા કોઈ અચકાતું નથી.નાના રેકડી ધારકો વિરુદ્ધ કાર્યવાહી કરવા ગયેલ “સુરા” બનેલ અધિકારીઓ સામે મસમોટા દબાણો નજરે છે ,તેને હટાવવા જતા કેમ સંકોચ અનુભવે છે ? ભ્રષ્ટાચારની ભૂખ નડે છે કે પછી કોઈ રાજકારણીઓ નું પ્રેસર ?મ્યુનિસિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલ સ્ટાફ ને સુધારવામાં અથાગ પ્રયત્નો કરે પરંતુ સ્ટાફ તેમના જ કહ્યામાં ન હોઈ તેવો આભાસ જણાઈ રહ્યો છે.
પબ્લિક દ્વારા ધોલાઇ
વિજીલન્સ સ્ટાફે કરી ધોલાઇ
શખ્શને કાર્યવાહી માટે પોલિસ સ્ટેશને ઢસેડી જતી વીજીલન્સ ટિમ
વર્ષ ૨૦૧૧થી સૂચિત બાંધકામોની મનાઈ છે છતાં છેલ્લા ૯ વર્ષમાં અનેક સૂચિત બાંધકામો ખડકાઈ ગયા છે . મસમોટા ડીમોલેશન કરવા પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે ગેરકાયદેસર બાંધકામ ખડકાઈ જાય તો જવાબદાર કોણ ? કોર્પોરેશનનું લીગલ સેલ જ ઇનલીગલની ભૂમિકામાં તો નથી ને ? તે પણ એક પ્રશ્ન લોકોને થઈ રહ્યો છે.સોશિયલ મીડિયા પર પણ આ સમગ્ર ઘટનામાં લારી વાળા ને હીરો તરીકેની ઓળખ લોકો પ્રસ્થાપિત કરી રહ્યા છે. ઘટનાની જાણ બાદ શુ કોર્પોરેશન કમિશ્નર ઉદિત અગ્રવાલ વિઝીલન્સ ટીમ તેમજ જગ્યા રોકાણ શાખાના અધિકારીઓ પર તપાસ કરશે ? તે જોવું રહ્યું.