કલર ઉડાડવા પ્રશ્ર્ને આહિર બોડિંગના છાત્ર અને વિજય પ્લોટના યુવાનો વચ્ચે બઘડાટી બોલી’તી
શહેરના ભકિતનગર સ્ટેશન પ્લોટ વિસ્તારમાં આવેલી આહિર બોર્ડિંગના વિદ્યાર્થી અને વિજય પ્લોટના રહીશો વચ્ચે હોળી રમવાના પ્રશ્ર્ને ખેલાયેલા ધિંગાણામાં બંને પક્ષોની સમજુતી તરફ હાઈકોર્ટ દ્વારા ફરિયાદ રદ કરવાનો હુકમ કર્યો છે.
વધુ વિગત મુજબ શહેરના ભકિતનગર સ્ટેશન પ્લોટમાં આવેલી આહિર બોર્ડિંગના છાત્રો ધુળેટીના પર્વમાં કલર ઉડાડતા હતા ત્યારે વિજય પ્લોટ વિસ્તારના યુવાન સાથે થયેલી બોલાચાલીમાં બંને જુથ વચ્ચે શસ્ત્ર ધિંગાણામાં એ ડિવીઝન પોલીસ મથકના ૨૩ શખ્સ સામે ગુનો નોંધાયો હતો.
આ કામમાં ફરિયાદી અને આરોપીઓ વચ્ચે બંને જ્ઞાતિના વડીલો દ્વારા કાયમી ધોરણે અંત લાવવા માટે લોક અદાલતના અભિગમને ધ્યાને લઈને અને પક્ષકારોની કુમળી વયને લક્ષમાં લઈને અને અભ્યાસ કરતા બાળકોની ભાવી કારકિર્દીને લક્ષમાં લઈને ત્વરીત કાર્યવાહીઓ કરવાનું નકકી કરવામાં આવેલું હતું. આરોપીઓએ હાઈકોર્ટમાં ફરિયાદ રદ કરવા માટેની કાર્યવાહી કરેલી જેમાં ફરિયાદી તથા ઈજા પામનાર સાહેદો હાજર રહીને પક્ષકારો વચ્ચે સુખદ નિવેડો આવેલા હોવાની રજુઆત કરેલી. આ કામમાં પક્ષકારોની રજુઆતો ધ્યાને લઈને તેમજ આરોપીઓ તરફે એડવોકેટ કૃણાલ શાહીએ સુપ્રીમ કોર્ટના ચુકાદાની કાયદાકીય પરિસ્થિતી રજુ કરીને ફરિયાદ રદ કરવા માટે વિનંતી કરી હતી.
આ કામમાં પક્ષકારોની રજુઆત રેકર્ડને લક્ષમાં લઈ હાઈકોર્ટના ન્યાયમૂર્તિ એસ.એચ.વોરા એવા મંત્વય પર આવેલા કે જયારે ફરિયાદી પ્રોસીકયુશનના કેસને સમર્થન આપતા નથી અને જેઓએ સમાધાન અંગેનું સોગંદનામું શ્રજુ કરેલ છે.જેથી ફરિયાદ સફળ થવાના સંજોગો ન હોય જેથી સમય, નાણાનો વ્યય કેસ ચલાવવા પાછળ થાય તેમ હોય જેથી ફરિયાદ રદ કરવાનો હુકમ ફરમાવેલો છે. આ કામમાં આરોપીવતી એડવોકેટ તરીકે કૃણાલ એલ.શાહી રોકાયા હતા.