પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે દેશભરના ભાવિકો ઉમટ્યા: હકડેઠઠ માનવ મેદની
શિવાલયોમાં સવારથી શિવભક્તોની ભીડ: હર હર મહાદેવ….બમ બમ ભોલેના ગગનભેદી નાદ
ભોળાનાથને અતિપ્રિય એવા પવિત્ર પાવનકારી શ્રાવણ માસના પ્રથમ સોમવારે આજે શિવાલયોમાં શિવભક્તોની ભીડ ઉમટી પડતી હતી. પ્રથમ જ્યોતિર્લીંગ એવા સોમનાથ મહાદેવ મંદિર વહેલી સવારે 4 કલાકે ખૂલ્લી ગયું હતું. દેશભરમાંથી શિવભક્તો સોમનાથ દાદાના દર્શન કરી ધન્ય-ધન્ય બન્યા હતા. સૌરાષ્ટ્રના તમામ પ્રાચિન શિવ મંદિરોમાં સવારથી ભક્તોના ઘોડાપુર ઉમટ્યા હતા. હર…હર મહાદેવ, બમ બમ ભોલેના નાથ સાથે શિવાલયો ગુંજી ઠ્યા હતા.
શ્રાવણના પ્રથમ સોમવારે ઇન્દ્રદેવે પણ ભોળીયા નાથનો જલાભિષેક કર્યો હોય તેમ આજે સવારથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં મેઘાવી માહોલ છવાયો હતો. સોમનાથ મહાદેવ મંદિર આજે વહેલી સવારે 4 વાગ્યે ખૂલ્લી ગયું હતું. શિવભક્તો અડધી રાતથી જ ભોળાનાથના દર્શન માટે લાઇનમાં ઉભા રહી ગયા હતા. ઘેલા સોમનાથ, જડેશ્ર્વર, તરણેતર, ભૂતનાથ, પ્રગટેશ્ર્વર, જરિયા મહાદેવ સહિતના સૌરાષ્ટ્રના ગામે ગામે શિવાલયોમાં સવારથી શિવભક્તોની ભીડ જામી હતી. જલાભિષેક અને લઘુરૂદ્રી કરી શિવભક્તો પાવન થયા હતા. આ વર્ષ શ્રાવણ માસમાં ચાર સોમવાર આવે છે. શિવ મંદિરોમાં ભક્તિનો અનેરો દરિયો ઘુઘવ્યો હતો.
શ્રાવણ માસના પહેલા સોમવારે શ્રી સોમનાથ પ્રાત:શ્રૃંગાર શ્ર્વેત, પીળા પીતાંબર વિવિધ પુષ્પો તેમજ ભસ્મનો અલૌકિક શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. દર્શનની ઝાંખી કરી ભકતોએ ધન્યતા અનુભવી હતી.