તા.10થી14 એપ્રિલ સુધી યુનિવર્સિટી બંધ રહેશે
વૈશ્વિક મહામારી કોરોનાએ તાજેતરમાં ગુજરાત સહીત સમગ્ર ભારતમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે રોજેરોજ હજ્જારો લોકો કોરોના સંક્રમિત બની રહ્યા છે અને ઘણા લોકો મૃત્યુ પણ પામી રહ્યા છે. ત્યારે જૂનાગઢ શહેર તથા જીલ્લામાં પણ કોરોના કેસોમાં મોટો ઉછાળો આવતા ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢના કુલપતિ ડો. ચેતનભાઈ ત્રિવેદીએ ગઇકાલે સત્તાધીસોની તથા ટીચીંગ હેડની તાકીદની બેઠક બોલાવી હતી. જેમાં કોરોના વધુ ન ફેલાય અને તેની સતત ચેઈન વચ્ચેથી બ્રેક થાય તે માટે શનિવાર તા.10 એપ્રિલથી 14 એપ્રિલ, 2021 સુધી યુનિવર્સિટીના શૈક્ષણિક તથા વહીવટી એમ તમામ વિભાગો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
તા.10/04/2021 ના રોજ બીજો શનિવાર, તા.11/04/2021 રવિવાર, 13/04/2021 ના રોજ ચેટીચાંદ અને 14/04/2021 ના રોજ ડો.બાબાસાહેબ આંબેડકર જન્મજયંતીની જાહેર રજા આવી રહી છે. ત્યારે પોતાને મળેલી સત્તાની રૂએ કુલપતિ ત્રિવેદીએ તા.12/04/2021 સોમવારના રોજ યુનિવર્સિટી ખાતે સ્થાનિક રજા જાહેર કરેલ છે.