- વિશ્વવિદ્યાલયો વિદ્યાર્થીઓના ચારિત્ર્ય ઘડતર અને મનુષ્ય નિર્માણના કેન્દ્રો છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
- જ્ઞાન – શિક્ષણ જ મનુષ્ય અને પશુ; બન્નેને અલગ પાડે છે : ઋષિ-મનીષીઓના જ્ઞાનવારસાને દેશના વિવિધ વિશ્વવિદ્યાલયો આગળ ધપાવી રહ્યા છે
- વિશ્વવિદ્યાલયોમાં મેળવેલું જ્ઞાન વિદ્યાર્થીઓ સમાજશ્રેયાર્થે વાપરે : શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયા
- 50,323વિદ્યાર્થીઓને પદવી અને 72 વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રક એનાયત
- ડૉ. મહાદેવપ્રસાદ મહેતા અને પાંચાભાઇ દમણિયાને ડી.લીટની માનદ્ પદવી અપાઈ
ગીર સોમનાથ: ભારતના ઋષિ-મનીષીઓના જ્ઞાનવારસાને આજે દેશના વિવિધ વિશ્વવિદ્યાલયો આગળ ધપાવી રહ્યા છે. આ વિશ્વવિદ્યાલયો વિદ્યાર્થીઓના ચારિત્ર્ય ઘડતર અને મનુષ્ય નિર્માણના કેન્દ્રો છે. ત્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને સોમનાથ મંદિર પાસે આવેલ રામમંદિર ઑડિટોરિયમમાં આજે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો તૃતિય પદવીદાન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજો અને અનુસ્નાતક ભવનોમાં સ્નાતક, અનુસ્નાતક અને p.hdનો અભ્યાસ પૂર્ણ કરનાર 50,323 વિદ્યાર્થીઓને ડિગ્રી, 72 વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રક અને 146 વિદ્યાર્થીઓને પીએચ.ડીની પદવી એનાયત કરવામાં આવી હતી. આ સાથે એક ડિ.લીટ. અને એક ડિ.એસસી.ની માનદ પદવી પણ એનાયત કરવામાં આવી હતી.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ દીક્ષાંત ઉદબોધનમાં પરાપૂર્વના કર્મબંધનોની વાત કરીતાં કહ્યું હતું કે, પૃથ્વી પર જ્યારે મનુષ્યરૂપે અવતાર લીધો છે ત્યારે પરભવના ઋણ ચૂકવવાનો અવસર મળ્યો છે, તેમ માનીને ધરતી પર પર્યાવરણનું પ્રદૂષણ અટકે અને ધરતી પહેલાં હતી એવી જ બની રહે તેવું દાયિત્વ દરેક મનુષ્યએ નિભાવવું જોઈએ. કોરોનાકાળમાં-એક મહિનાના લૉકડાઉન દરમિયાન વગર પ્રયત્નોએ ગંગા-જમનાના જળ શુધ્ધ થયાં હતાં, જંગલો ફરીથી પશુપક્ષીઓથી ધબકતાં થયાં હતાં. જેનો અર્થ એ છે કે, આપણે આપણાં વિચારો, સંસ્કૃતિ અને ખાન-પાનની આદતના કારણે તેને કલુષિત કર્યાં છે. યુનિવર્સિટી દ્વારા મેળવેલા જ્ઞાનના આધારે આ ગરબડને દૂર કરવાની નિતાંત આવશ્યકતા તેમણે આ પ્રસંગે વર્ણવી હતી.
રાજ્યપાલએ ભારતીય પરંપરામાં સોળ સંસ્કારોના સિંચનની વાત કરવામાં આવી છે, તેનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે, દુનિયામાં આજે જ્યારે સત્ય પર બુરાઈનું આધિપત્ય વધવા લાગ્યું છે. ભ્રષ્ટાચાર ક્યાંક ને ક્યાંક જોવા મળે છે ત્યારે આપણે મેળવેલા જ્ઞાનથી સમાજમાં ફેલાયેલી આ બદીઓને દૂર કરવાની આપણી સામૂહિક જવાબદારી છે.
પહેલાંના સમયમાં અધ્યાપકોની પ્રજ્જવલિત ચિરાગ, પવિત્રતાની મૂર્તિ અને પ્રેરણા માનીને વિદ્યાની પૂજા થતી હતી, તેવા જ્ઞાનવારસાનું પુનઃસ્થાપન કરવાની આજે જરૂર છે. યુનિવર્સિટીમાંથી નીકળેલો વિદ્યાર્થી રાષ્ટ્ર માટે એક ધરોહર બને, એક પૂંજી બની રહે અને સમાજ પ્રત્યે સમર્પિત જીવન વ્યતિત કરે તે જરૂરી છે, તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, આજે સૌના મન સંકિર્ણ થતાં જાય છે. શિક્ષણ માત્ર પૈસા કમાવવાનું માધ્યમ માનવામાં આવી રહ્યું છે. સૌ પોતાના અધિકારોની વાત કરે છે. તેવા સમયે પોતાના કર્તવ્યધર્મને નિભાવી રાષ્ટ્રનિર્માણ માટે સંકલ્પબદ્ધ થવાની શક્યતા છે.
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં મોટી સંખ્યામાં દીકરીઓએ ગોલ્ડ મેડલ મેળવ્યાં હતાં, આ જોઈને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ આજના બદલાયેલા પરિદ્રશ્ય પ્રત્યે આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે ભૂતકાળમાં વિદેશી આક્રાંતાઓના કારણે કઈ રીતે મહિલાઓનું દમન કરી શિક્ષણથી વંચિત રાખી ઘરની ચાર દિવાલોની અંદર દબાવી દેવામાં આવી હતી. તેના ઉદાહરણો સાથે ભૂતકાળ તાદ્રશ્યરૂપે રજૂ કર્યો હતો. આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી છે. ફાઈટર પ્લેન ઉડાવવા સુધીની સિદ્ધિઓ મહિલાઓએ મેળવી છે અને હવે તો નેશનલ ડિફેન્સ એકેડમીમાં પણ મહિલાઓના પ્રવેશ માટેના દ્વાર ખૂલી ગયાં છે, તેવી મોકળાશ આ દેશમા ઉભી થઈ છે. તેની પ્રસન્નતા વ્યક્ત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનાં તૃતિય પદવીદાન સમારોહમાં 72 વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રક અને 146 વિદ્યાર્થીઓને p.hd ની ડિગ્રી સહિત 50,323 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. જેમાં આર્ટસ વિભાગનાં 19,009 કોમર્સ અને મેનેજમેન્ટ વિભાગનાં 15,645 એજ્યુકેશન વિભાગનાં 4,567 લૉ વિભાગનાં 1,311 રૂરલ સ્ટડીઝ વિભાગમાં 1,404 સાયન્સ વિભાગમાં 7,343 મેડીસીન વિભાગમાં 869 અને એક્સર્નલ 10 અને p.hd નાં 146 વિદ્યાર્થી મળીને કુલ 50,323 પદવી ધારકોને પદવી એનાયત કરવામાં આવી હતી.
આ સાથે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા આ વર્ષે બે વ્યકિતને ડી.લીટ. ની પદવી એનાયત કરવામાં આવી હતી. જેમાં તાલાળા તાલુકાના ઉમરેઠી ગામના વતની અને પ્રસિદ્ધ કથાકાર મહાદેવપ્રસાદ મહેતાને સંસ્કૃત અને સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર માટે તેમજ ઉનાના પાંચા દમણિયાને આયુર્વેદ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન માટે ડી.એસસી.ની પદવી એનાયત કરવામાં આવી હતી. ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલસચિવ શ્રી ડૉ. ડી.એસ.સુખડિયાએ આભારવિધિ કરી હતી.
આ ઉપરાંત આ સમારોહમાં જિલ્લા પંચાયતના પ્રમુખ, ધારાસભ્ય, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ પ્રો. સુકાન્તકુમાર સેનાપતિ, અગ્રણી મહેન્દ્ર પીઠિયા, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સાથે જ 11 વિવિધ યુનિવર્સિટીના કુલપતિઓ, પ્રાદ્યાપકઓ, વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
જયેશ પરમાર