પુજારા પ્લોટમાં વોંકળાની રીટાઇનિંગ વોલ તથા બોક્સ ગટર અને લેંગ લાઇબ્રેરીની રીનોવેશનની કામગીરીની સમીક્ષા કરતા મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા
શહેરમાં ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થાય તેવા આશય સાથે મહાપાલિકા દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે. મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ અધિકારી ઓ સાથે પુજારા પ્લોટમાં વોંકળાની રીટાઇનિંગ વોલ તથા બોક્સ ગટર અને લેંગ લાઇબ્રેરી ખાતે કામગીરીની સમીક્ષા કરી હતી.
વોર્ડ નં. 14 પુજારા પ્લોટમાં વોંકળા રીટાઇનિંગ વોલ તથા બોક્સ ગટર બનાવવાની કામગીરી હાલ ચાલી રહી છે જે પૂર્ણ થવાના આરે છે. 108 રનીંગ મીટર લંબાઈની રીટાઇનિંગ વોલ આશરે રૂ. 57.75 લાખના ખર્ચે બનાવવામાં આવી રહી છે. આ કામગીરી પૂર્ણ થયે ભક્તિનગર સોસાયટી વિસ્તાર તથા ઉપરના વિસ્તારમાંથી આવતા વરસાદી પાણીનો નિકાલ વ્યવસ્થિત રીતે થઇ શકશે. રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા ફાળવવામાં આવેલ જૂની રૂ. 50 લાખ અને નવી રૂ. 54 લાખની ગ્રાંટમાંથી લેંગ લાઈબ્રેરી ટ્રસ્ટ દ્વારા ચાલતા કામની અને નવા કામ અંગેની મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ માહિતી મેળવી સ્થળ મુલાકાત કરી હતી. વિઝિટ દરમ્યાન મ્યુનિ. કમિશનર અમિત અરોરા સાથે નાયબ મ્યુનિ. કમિશનર ચેતન નંદાણી, સિટી એન્જી. એચ. એમ. કોટક, પી.એ. (ટેક.)ટુ કમિશનર રસિક રૈયાણી, વિ. સી. રાજદેવ અને રાજેશ મકવાણા હાજર રહ્યા હતા.
મ્યુનિ.કમિશનર અમિત અરોરા દ્વારા સમયાંતરે શહેરમાં કોર્પોરેશનના ચાલતા વિવિધ પ્રોજેક્ટોની મુલાકાત લેવામાં આવે છે અને જરૂરી સૂચનાઓ આપવામાં આવે છે.