- ભવનાથ પરિસરમાં પ્રાચીન ભજન-ધુન સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોથી મેળો બન્યો ધર્મ સાંસ્કૃતિક અવસર
શિવરાત્રિ ભગવાન ભોળાનાથની અલૌકિક સાધનાના અવસર સમા જૂનાગઢના શિવરાત્રીના મેળામાં મહાવદ નૌમની ધ્વજારોહણથી જ ભાવિકોનુ કીડીયારૂ જૂનાગઢભણી અવિરત આવી રહ્યું છે. ગઈકાલે રવિવારે શહેરની પરંપરા મુજબ રજાના દિવસે જૂનાગઢવાસીઓએ મેળો માણ્યો હતો, પ્રવાસી મહેમાનો કરતા જૂનાગઢવાસીઓની ભીડ સવિશેષ જોવા મળી હતી. મેળો હવે ધીરે ધીરે અસ્સલ રંગમાં આવતો જાય છે.
વહેલી સવારથી મોડીરાત સુધી નાના મોટા અન્ન ક્ષેત્રોમાં ફરાળી પ્રસાદથી લઈ જાતજાતના પકવાન સાથે ફુલ ભાણાના પ્રસાદનો ભાવિકો લાભ લઈ રહ્યા છે.
26મીએ શિવરાત્રીની મધ્યરાત્રીના અવધુત સાધુઓની રવાડીના દર્શન સુધી ભવનાથમા પડાવના ઈરાદે ભાવિકો ભવનાથમાં ઉમટી રહ્યા છે. મેળો તેના અસ્સલ રંગમાં આવતો જાય છે.
ભાવિકો બસ સ્ટેશનથી ભવનાથ તળેટી સુધી સામાન્ય ભાડું ચૂકવીને કરે છે મુસાફરી
સ્વંયભૂ ભવનાથ મહાદેવ મંદિર, ભવનાથ તળેટી જૂનાગઢ ખાતે તા.22 થી ભવ્ય અને દિવ્ય સુપ્રસિદ્ધ અને પૌરાણિક મહાશિવરાત્રી મેળો-2025નો ધ્વજારોહણ સાથે વિધિવત રીતે શુભારંભ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આજે પ્રથમ દિવસે સવારના 10 વાગ્યાથી બપોરના 04 વાગ્યા સુધીમાં કુલ 1200 થી વધુ ભાવિક ભકતોએ એસ.ટી.તંત્રની વિશેષ સેવાનો લાભ લીધો હતો. એસ.ટી તંત્ર ભાવિક ભક્તોને કોઈ અગવડતા ન પડે તેની વિશેષ કાળજી લઈ રહયું છે. મહાશિવરાત્રી મેળામાં એસ.ટી તંત્ર દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. એસ.ટી. બસ સ્ટેશન થી ભવનાથ તળેટી જૂનાગઢ સુધી આવન જાવન માટે ભાવિક ભક્તોને કોઈ અગવડતા ન પડે અને વધુ ભાડું ન ચૂકવવું પડે તે માટે વિશેષ નિર્ણય કરવામાં આવ્યો છે. 200 થી વધુ વધારાની એસ.ટી. બસ મુકવામાં આવી છે જેમાં ભાવિક ભક્તો આરામદાયક મુસાફરી કરી શકશે. ભાવિક ભક્તોને માત્ર રૂ. 25માં સ્થાનિક મુસાફરીનો લાભ પ્રાપ્ત થશે. ભાવિક ભક્તો સુવિધાયુકત મુસાફરીનો આનંદ માણીને એસ.ટી તંત્રનો ધન્યવાદ વ્યક્ત કરી રહયા છે.
- પદ્મશ્રી દાદ બાપુએ 90ના દાયકામાં ગિરનારની ગોદમાં શિવરાત્રીએ કૈલાશ કે નિવાસી… સ્તુતિની અમર રચના કરી હતી
- પદ્મશ્રી દાદબાપુના પુત્ર જીતુભાઈ દાદે પિતાના સમર્થ લોક સાહિત્ય અને કવિતા સર્જનના સંસ્મરણો વાગોળ્યા
ભવનાથ તીર્થક્ષેત્રમાં, મહાશિવરાત્રી મેળામાં સંત મહંતો, દિગંબર સંન્યાસીઓ અને ભાવિક ભક્તો શિવમય બન્યા છે. ભક્તજનો ભવ તારનાર ભવેશ્વરની ભક્તિ તન મન અને ધનથી કરી રહ્યા છે. ભવનાથ તીર્થમાં ભક્તિમય વાતાવરણ બન્યું છે. ગિરનારની તપોભૂમિમાં ચારેકોર કૈલાશ કે નિવાસી, નમું બાર બાર હું. સ્તુતિ ગૂંજી રહી છે. પદ્મ શ્રી કવિ રતન સ્વ. દાદ બાપુ એટલે શ્રી દાદુદાન પ્રતાપદાન ગઢવી. તેમણે ગુજરાતના લોકસમાજને સમર્થ સાહિત્ય સર્જન ભેટમાં આપ્યું છે. તેમણે અનેક અમર કવિતાઓ, ગીત, સ્તુતી ભજનની રચનાઓ કરી હતી. જે આજે પણ ડાયરાઓમાં જીવંત રહી છે. સ્વ. કવિ દાદબાપુના પુત્ર લોકગાયક, યુવા કલાકાર શ્રી જીતુભાઇ દાદે પોતાના પિતાશ્રીએ કરેલ લોકસાહિત્ય સર્જન, કવિતાના સંસ્મરણો વાગોળ્યા હતા.
સોરઠ ધરાના સંતો મહંતોએ શરૂ કરેલા ‘હરિ હરિના સાદ’ સાથેની ભોજન પરંપરા આજે પણ જીવંત
ગોરખનાથ આશ્રમ, આપા ગીગાનો ઓટલો, શ્રી આઈ ખોડિયાર રાસમંડળ સહિત 100થી વધુ સ્થળોએ 24 કલાક નાના મોટા અન્નશ્રેત્રો શરૂ ભવનાથ તળેટી, જૂનાગઢ ખાતે મહાશિવરાત્રીના ભવ્ય અને દિવ્ય મેળાના બીજા દિવસે શિવ ભક્તિ આરાધના આગળ વધી હતી.સાધુ સંત મહંતો અને દિગંબર સંન્યાસીઓએ અલખની ધૂણી ધખાવી છે. દૂર દૂરથી ભાવિક ભક્તજનોનો પ્રવાહ સતત વધી રહ્યો છે. ગિરનાર અને ભવેશ્વર મહાદેવનો જયઘોષ થઈ રહ્યો છે. ગિરનાર તળેટી ખાતે માનવ મહેરામણ ઉમટ્યો છે, ગિરનાર તીર્થક્ષેત્રમાં ભક્તિમય વાતાવરણ બન્યું છે. મહાશિવરાત્રી મેળાનું સુંદર રીતે સરકારી સેવાઓની બાબતમાં વ્યવસ્થાપન થઈ શકે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેક પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર-પોલીસ તંત્ર સુંદર રીતે મેળાનું ટ્રાફિક સહિતનું સંચાલન કરી રહ્યું છે. સામાન્યમાં સામાન્ય ભાવિક ભક્તજનથી લઈને સાધુ-સંત મહંતો સહિત કોઈને પણ કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તેની વિશેષ કાળજી રાખવામાં આવી રહી છે.
શિવરાત્રી મેળા પર પીએચડી વિદ્યાર્થીઓ રિચર્સ કરશે
શિવરાત્રીના મેળા પર સૌ. યુનિ. ની અર્થશાસ્ત્રના 1પ અને ભકતકવિ નરસિંહ મહેતા યુનિ.ના સોશ્યોલોજી વિભાગના 1પ વિદ્યાર્થીઓ સર્વે સાથે રિચર્સ કરશે.