5 બ્રિજ માટે 230 કરોડ મંજૂર કરાયા છે, પ્રથમ હપ્તામાં 23 કરોડ ફાળવાયા બાદ બીજા હપ્તાપેટે માત્ર 12 કરોડની જ ફાળવણી
બ્રિજનું નિર્માણ કામ જેમ-જેમ આગળ વધશે, તેમ કોન્ટ્રાક્ટરને પૈસા ચૂકવવા સરકાર પાસે ભીખ માંગવી પડશે: મુખ્યમંત્રી અને ફાયનાન્સ બોર્ડ ચેરમેનનો પરાણે આભાર માનતા પદાધિકારીઓ
અબતક, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા હાલ જબ્બરી આર્થિક કટોકટી વેઠી રહ્યુ છે. કોન્ટ્રાક્ટરોને સમયસર પેમેન્ટ ચુકવાતું ન હોવાના કારણે હાલ બ્રિજ અને આવાસના કામોની ગતિ મંદ પડી જવા પામી છે. એવી સ્થિતિનું નિર્માણ સર્જાય ગયું છે કે હવે જો જમીન વેંચવામાં નહીં આવે તો પગારના પણ ફાંફાં પડશે. બીજી તરફ પદાધિકારીઓએ ભાઇશા’બ બાપા કરતા રાજ્ય સરકારે 5 બ્રિજના નિર્માણ કામ માટે બીજા હપ્તા પેટે માત્ર 12 કરોડ રૂપિયાનું બટકુ ફેંક્યુ છે.
શહેરના હોસ્પિટલ ચોક બ્રિજ, કેકેવી ચોક બ્રિજ, જડુસ ચોક બ્રિજ, નાનામવ સર્કલ બ્રિજ અને રામાપીર ચોકડી ખાતે બની રહેલા બ્રિજ માટે રાજ્ય સરકાર દ્વારા 230 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. પ્રથમ હપ્તા પેટે 10 ટકા લેખે મહાપાલિકાને 23 કરોડ રૂપિયાની ચુકવણું કરી દેવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી બ્રિજના નિર્માણ માટેની ગ્રાન્ટની ફાળવણી કરવામાં ન હોવાના કારણે કોન્ટ્રાક્ટરને સમયસર પેમેન્ટ ચુકવી શકાયું નથી. જેના કારણે નિર્માણ કાર્ય પર બ્રેક લાગી જવા પામી છે. મંદ ગતિએ નિર્માણ કામ ચાલી રહ્યુ છે. દરમિયાન ગઇકાલે ગાંધીનગર ગયેલા કોર્પોરેશનના પદાધિકારીઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સમક્ષ સમગ્ર પરિસ્થિતિનું ચિત્તાર રજૂ કરતા તેઓએ તાત્કાલીક અસરથી બ્રિજના નિર્માણ માટે બીજા પેટે રૂા.12 કરોડની ફાળવણી કરી દેવામાં આવી છે. જેમાંથી હવે કોન્ટ્રાક્ટરને ચુકવણું કરી શકાશે.
હોસ્પિટલ ચોકમાં રૂા.84.71 કરોડના ખર્ચે, કેકેવી ચોકમાં રૂા.129.53 કરોડના ખર્ચે, જડુસ ચોકમાં રૂા.28.52 કરોડના ખર્ચે, નાનામવા સર્કલ ખાતે રૂા.40.21 કરોડના ખર્ચે અને રામાપીર ચોકડી રૂા.41.21 કરોડના ખર્ચે એમ કુલ 239 કરોડના ખર્ચે શહેરમાં પાંચ બ્રિજનું નિર્માણ ચાલી રહ્યું છે. જેના માટે સરકારે 230 કરોડ મંજૂર કર્યા છે. બાકીની રકમ હવે આગલા વર્ષે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી યોજના અંતર્ગત મળતી ગ્રાન્ટમાંથી લેવામાં આવશે. મુખ્યમંત્રી તરીકે જ્યારે વિજયભાઇ સત્તારૂઢ હતા ત્યારે રાજકોટના પડ્યા બોલ ઝીંલાતા હતા પરંતુ રાજ્યમાં નેતૃત્વ પરિવર્તન બાદ સરકારમાં રાજકોટનું વજન ઘટ્યુ છે. સમયસર ગ્રાન્ટની ફાળવણી કરવામાં ન આવતી હોવાના કારણે વિકાસ કામો ખોરંભે પડ્યા છે. બ્રિજના નિર્માણ માટે બીજા હપ્તા પેટે વારંવાર રજૂઆત બાદ 12 કરોડ ચોક્કસ ફાળવાયા છે.
પરંતુ બ્રિજનું કામ જેમ-જેમ આગળ ચાલશે, તેમ-તેમ ખર્ચ પણ વધતો જશે અને કોન્ટ્રાક્ટરને ચુકવણાં કરવા માટે દર વખતે સરકાર પાસે રજૂઆતના સ્વરૂપે ભીખ માંગવી પડશે. માંડ કરીને 12 કરોડ મંજૂર થતા નાછૂટકે મેયર ડો.પ્રદિપ ડવ, ડેપ્યુટી મેયર દર્શિતાબેન, સ્ટેન્ડિગ કમિટિના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષના નેતા વિનુભાઇ ઘવા અને દંડક સુરેન્દ્રસિંહ વાળાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને ગુજરાત મ્યુનિ. ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરીનો આભાર માન્યો હતો.