કલ્યાણપુર: ચંદ્રાવાડા ગામે મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો, સગા ભાઈ સહિત બેની ધરપકડ
કલ્યાણપુર તાલુકાના ચંદ્રાવાડા ગામે મહિલાની હત્યાનો ભેદ પોલીસે ગણતરીની કલાકોમાં ઉકેલ્યો છે. જેમાં આરોપી તરીકે મૃતક મહિલાના સગાભાઇ અને જેઠને પોલીસે દબોચી લીધા છે. મહિલાના ચારિત્ર પર શંકા કરી ભાઈ અને જેઠે સાથે મળી મહિલાનું ઢીમ ઢાળી દીધું હતું. ત્યાર બાદ મૃતદેહને પણ સગેવગે કરી નાખતા પુત્રીએ પોલીસમાં શંકા વ્યક્ત કરી હતી. જેના પગલે પોલીસે ગણતરીની કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી બે આરોપીઓને દબોચી લીધા હતા.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ચંદ્રાવાડા ગામે રહેતા સુમરીબેન સામતભાઈ મોઢવાડીયાનું ગત તા.20મી જુલાઈના રોજ મોત થયું હતું. મૃત્યુ બાદ તેમના પરિવારજનોએ ગામને બદલે પોરબંદર ખાતે બારોબાર અંતિમ વિધિ પણ કરી નાખી હતી. જે અંગે મૃતકના પુત્રી ભૂમીબેનને શંકા જતા તેઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
તપાસ દરમિયાન પોલીસે ચોક્કસ ખાનગી રાહે હકીકત મળેલ કે મૃતક સુમરીબેનના ખૂનમાં તેના સગાભાઇ રામદે જીવણ ગોરાણીયા તથા જેઠ કાના નાગા મોઢવાડીયાની સંડોવણી હોવાની હકીકત મળતા અલગ અલગ દિશામાં ઉંડાણપૂર્વક તપાસ કરી આ ગુન્હામાં સંડોવાયેલા આરોપી રામદે ગોરાણીયા તથા કાના મોઢવાડીયાને દબોચી લઈ આગવી ઢબે પૂછપરછ કરી હતી.
જે દરમિયાન મૃતક સુમરીબેનના ચારિત્ર ઉપર શંકા થતા મૃતકના સગાભાઈ રામદેએ સુમરીબેન નિદ્રાધીન અવસ્થામાં હોય ત્યારે માથામાં લોખંડના સળિયાથી જીવલેણ ઘા મારી ખૂન નિપજાવી નાશી ગયેલ અને મૃતકના આરોપી જેઠ કાના મોઢવાડીયાએ ખૂનની કોઈને જાણ ના થાય તે સારું ઘટના સ્થળેથી મરણજનારનું પથારી, ગોદળા, ગાદલું સગેવગે કરી પુરાવાઓને નાશ કરી નાખ્યા હતા અને મરણજનારનું મોત હૃદય રોગના હુમલાથી થયેલનું જણાવી લાશની અંતિમવિધિ જલ્દી કરાવી નાખી હોવાનું તપાસ દરમ્યાન ખુલવા પામ્યું હતું. આમ પોલીસે બંનેને દબોચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.