ઋષિકેશમાં પવિત્ર પાવની ભાગીરથી ગંગાજીના કિનારે, પરમાર્થ નિકેતનમાં, જામનગરના ભીખુભા વાઢેર પરિવારના યજમાન પદે હિન્દુ ધર્મના શીરમોડ ગ્રંથ શ્રીમદ્ ભાગવત સપ્તાહ પારાયણ એસજીવીપી ગુરુકુળના અધ્યક્ષ શાસ્ત્રી માધવપ્રિયદાસજીના વ્યાસપદે તા.૩-૧૧ દરમિયાન યોજવામાં આવી છે.
કથાની પૂર્વે ગીતા ભવનથી પરમાર્થ નિકેતન-કથા સ્થાન સુધી ભવ્ય પોથીયાત્રા-શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં કથાના યજમાનના આગ્રહને માન આપી જામનગર વિસ્તારના વાઢેર પરિવારના પંદરસો જેટલા ભાઈ-બહેનો તેમજ શ્રીમદ્ ભાગવત ગ્રંથને મસ્તકે ધારણ કરી રહેલા બહેનો, મેમનગર ગુરૂકુળની રાસ મંડળી, બેન્ડ પાર્ટી, વાઢેર યુવક મંડળ ધુન મંડળે વગેરે જોડાયા હતા જેમાં પરમાર્થ નિકેતન વડા મુનિજી મહારાજ, માધવપ્રિયદાસજી સ્વામી તેમજ વાઢેર પરિવારના વડીલોના હસ્તે દિપ પ્રાગટય કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ મુનીજી પ્રવચનમાં જણાવ્યું હતું કે, આ ગંગાજીનો કિનારો અત્યંત પવિત્ર છે. સર્વે દૂરથી અહિં ગંગાસ્નાન અને ભાગવત કથા સાંભળવા આવ્યા છો. માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, આ ગંગાજીનો દિવ્યપ્રવાહ અને વાઢેર પરિવારનો અનહદ પ્રેમ અહિં ગંગાજીને કિનારે પરમાર્થ નિકેતનમાં ખેંચી લાવેલ છે. આ તો હરિહરની તપોભૂમિ છે. આ ભૂમિ પર ભરતજી અને લક્ષ્મણજીએ તપ કરેલ છે.
શ્રીમદ્ ભાગવત હિન્દુશાસ્ત્રનો શીરમોડ ગ્રંથ છે. આ પ્રસંગે વાઢેર પરિવારના મોભી ભીખુભાએ સંતો અને મહેમાનોનો આભાર માન્યો હતો. કથાના મુખ્ય જયમાન ભીખુભા વાઢેર, ઘનશ્યામસિંહ વાઢેર, ભરતસિંહ વાઢેર અને બહાદુરસિંહ વાઢેર વગેરે ચારે ભાઈઓને તથા એમના પરિવારજનોને હાર પહેરાવી પૂ.માધવપ્રિયદાસજી સ્વામી તથા મુનિજી મહારાજે આશીર્વાદ આપ્યા હતા.