સાત દિવસ ઉજવાશે વિવિધ મનોરથ: ગીતા જ્ઞાનયજ્ઞ શ્રવણનો લાભ લેવા ધર્મપ્રેમીઓને અનુરોધ
પોરબંદરના સંસદ સભ્ય રમેશભાઇ ધડુકના પરિવારની સેવા ભાવના અને રાજકોટની બે વૈષ્ણવ સંસ્થાઓ દાસી જીવણ સત્સંગ મંડળ અને રાજકોટ વૈષ્ણવ સંઘના સંયુકત સેવા ઉપક્રમે રાજકોટના રેસકોર્સ મેદાનમાં વિશાળ ડોમ કથા પરિસરમાં આવતીકાલ રવિવાર તા.૧પ ડીસેમ્બરથી શનિવાર તા.ર૧ ડીસેમ્બરના સાત દિવસ સુધી ભગવાન કૃષ્ણના શ્રીમુખેથી કહેવાયેલી શ્રીમદ્દ ભગવદ્દ ગીતા ઉપદેશ કથા જ્ઞાનયજ્ઞનું વિશાળ ફલક પર આયોજન થયું છે. આ જ્ઞાનયજ્ઞમાં આચાર્યપીઠથી કડી અમદાવાદના વૈષ્ણવ ધર્મ સંસ્થાનના યુવા વૈષ્ણવાચાર્ય પૂ. દ્વારકેશલાલજી મહોદય ભગવાન કૃષ્ણએ ઉ૫દેશેલ ભગવદ્દ ગીતા જ્ઞાનામૃતનું દરરોજ બપોરે ૩ થી સાંજના ૭ સુધી રસપાન કરાવશે.
માનવ માત્રને સુખીજીવનની પ્રેરણા આપતાં આ ધર્મા યોજનના પ્રચાર ઇન્ચાર્જ ગુણવંતભાઇ ડેલાવાળા, સરગમ કલબ રાજકોટના પ્રમુખ સાત દિવસ દરમ્યાનની વિશેષ વિગતો આપતાં જણાવે છે કે, આવતીકાલ ગીતા જ્ઞાનયજ્ઞના મંગલ પ્રારંભ પૂર્વે બપોરે ર વાગ્યે કથા સ્થાનેથી વિશાળ શોભાયાત્રાનું પ્રસ્થાન થશે. જે શહેરના મુખ્ય રાજમાર્ગો પર વાજતે ગાજતે ફરીને કથાસ્થાને પરત આવશે. કડી અમદાવાદના વૈષ્ણવાચાર્ય પૂ. વ્રજેશકુમારજી મહારાજના કર કમળો દ્વારા ગીતા જ્ઞાનયજ્ઞનું દિપ પ્રાગટય કરીને તેઓ વચનામૃતનો લાભ આપશે. અને ત્યારબાદ આચાર્યપીઠેથી ભગવદ્દ ગીતા ઉપદેશ કથાનું મંગલાચરણ થશે. આજે શનિવારે સાંજે પાંચ વાગ્યે કથા સ્થળે પૂ. દ્વારકેશલાલના હસ્તે ગૌ પુજન થશે અને સાંજે ૬ વાગ્યે દરબારગઢ ખાતેની બાલ કૃષ્ણલાલજી હવેલીમાં પૂ. દ્વારકેશલાલજી વચનામૃતનો લાભ આપશે.
રાજકોટના આંગણે પ્રથમ વખત યોજાઇ રહેલ અનોખા અને પ્રેરણાદાયી જ્ઞાનયજ્ઞનો લાભ લેવા રમેશભાઇ ધડુક, નૈસિષભાઇ ધડુક, અરવિંદભાઇ ગજજર, ગુણવંતભાઇ ડેલાવાળા, સૂર્યકાન્તભાઇ વડગામા, અલ્પેશભાઇ ખંભાયતા, વિઠ્ઠલભાઇ ધડુક, પોપટભાઇ ભાલાળા સહીત વૈષ્ણવ સેવાને મહાજનો દ્વારા જણાવાયું છે.
વિઠ્ઠલભાઇ ધડુકએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગીતા જ્ઞાન ઉપદેશના વલ્લભકુળના મહારાજ પધારવાના છે. પુષ્ટી સંપ્રદાયના આ મંડપમાં ૧ લાખ વૈષ્ણવ બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. વ્રજદર્શનની ઝાંખી બહારની તૈયારીઓ પરિપૂર્ણતાને આરે છે. કાલે ર વાગ્યે ભાગવદજીની પોથીયાત્રા નીકળશે એમાં વલ્લભકુળના બાળકી સાથે કિર્તન મંડળ ગોપી મંડળી હાથી ઘોડા નાસીકથી ઢોલ વગેરે શોભાયાત્રામાં આવશે. રેસકોર્ષ રીંગ રોડ ફરતે આ શોભાયાત્રા ફરશે.
વ્રજના ચારધામ, બરસાના, વૃઁદાવન, જતીપુરા અને મથુરા ગોકુલ તથા ગીરીરાજ પર્વતની લાઇવ ઝાંખી ના ફલેટ રાખેલ છે. ગીતા જ્ઞાન ઉપદેશ કાર્યક્રમ ગુજરાતમાં પ્રથમ વખત થવા જઇ રહ્યો છે. રાત્રીના સમયે રાસ ગરબાનો કાર્યક્રમ થશે ટેમ્પરરી અહીં હવેલી બનાવવામાં આવી છે જેમાં રોજ મહોત્સવ યોજાશે.