વિજ્ઞાનએ લગાતાર ચાલતી યાત્રા છે ભૂલો દ્વારા વૈજ્ઞાનિક શીખે છે ચંદ્રયાન બીજું મોકલીશું ફેલ્યુઅર જેવી કોઈ વાત નથી
ગોંડલના શ્રી રામજી મંદિરે ચાલી રહેલ અષ્ટોતર શ્રીમદ ભાગવત સપ્તાહના ચતુર્થ દિને પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ ઔષધિ, યોગીજીવન, વિજ્ઞાન, ભગવાન અવતાર તેમજ ધર્મ અંગે શ્રોતાઓને કથાનું રસપાન કરાવ્યું હતું.
વ્યાસાસનેથી પૂજ્ય ભાઇએ શ્રોતાઓને જણાવ્યું હતું કે વ્યાસજીએ કહ્યું છે કે ભાગવત ભવ રોગને દૂર કરનારી ઔષધી છે, આ દવા કડવી નથી મીઠી છે, કાન અને મનને આનંદ આપવાવાળી છે, આ દવા મોઢેથી પીવાની નથી કાનથી પીવાની છે. શુકદેવજીએ પરીક્ષિત રાજાની ટ્રીટમેન્ટ કરી હતી આવી જ રીતે ગોંડલ ની શ્રીરામ હોસ્પિટલે દર્દી નારાયણની સેવાઓ થઈ રહી છે જેના માટે હોસ્પિટલ ને સમર્પિત તબીબો સેવામાં લાગ્યા છે.
જીવન એવું જીવવું કે બને ત્યાં સુધી માંદા પડવું નહીં અને યોગી માટે તો માંદા પડવું મોટી નવાઇની વાત છે, યોગી દુ:ખનું હરણ કરનાર છે, જેનો આહાર-વિહાર યુક્ત છે, જેનું પ્રત્યેક કર્મ વ્યવહાર યુક્ત છે, જેનું સૂવું અને જાગવું યુક્ત છે, તેને યોગી કહેવાય, અતિ જાગરણ કરે તે યોગી ન થઇ શકે, બહુ સૂતો રહે તે યોગી ન થઇ શકે, બહુ ખાય તે પણ યોગી ના થઈ શકે અને અતિ ભૂખ્યો રહે તે પણ યોગી ન થઇ શકે, “યોગી ઇઝ એ બેલેન્સ પર્સનાલિટી” જે સુખ દુખ બધામાં સમાન રહી શકે, લાભ હોય કે નુકસાન મનનું સંતુલન જાળવી રાખે તે યોગી છે.
ગતરાત્રીના ચંદ્રયાન ૨ ને ચંદ્ર પર લેન્ડ થતાં નિહાળવા અને આ ઐતિહાસિક ઘટનાનો સાક્ષી બનવા હું પણ જાગ્યો હતો, પરંતુ થોડા માટે થી ચૂક્યા, સાયન્સ એક લગાતાર ચાલતી યાત્રા છે, ભૂલ દ્વારા વૈજ્ઞાનિકો શીખે છે, જે ભૂલ ને સુધારે તે માનવ છે, વિજ્ઞાનના ક્ષેત્રમાં અંતિમ સત્ય હોતું નથી, આધ્યાત્મમાં પરમ સત્ય હોય છે જેને આપણે પરમાત્મા કહીએ છીએ, વૈજ્ઞાનિકોની વિકાસ યાત્રા ચાલુ જ છે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ વૈજ્ઞાનિકોને દિલાસો આપ્યો છે, ચંદ્રયાન બીજું મોકલીશું ફેલ્યુઅર જેવી કોઈ વાત નથી, આપણા વૈજ્ઞાનિકો ચંદ્ર અને મંગળ સુધી પહોંચ્યા તે બહુ મોટી વાત છે.
ભગવાનના કોઈપણ અવતારને શરૂઆતમાં અવતાર તરીકે સ્વીકારાતો નથી, કૃષ્ણને તે સમયે બધાએ ક્યાં સ્વીકાર્યા હતા, કંસ તો મારવા પાછળ પડયો હતો, શિશુપાલને દ્વેષ હતો, જરાસંઘને વિરોધ હતો, હાલ તો ઘણા પોતાની જાતને અવતાર ડિકલેર કરી દે છે, આ ભયસ્થાન છે, હું અને તમે પણ અવતાર છીએ, ખાટલે મોટી ખોટ એકે પરમતત્વને પિછાણી શકતા નથી, જીવ ભાવમાં જકડાયેલા છીએ, ઘાંચીના બળદની જેમ જીવન પૂરું થઈ જાય છે, કરણી કરે તો નર નારાયણ બને તેવું આપણે ત્યાં છે જ.
માનવે ધર્મનો સ્વીકાર કરવો જ જોઈએ ધર્મના સ્વીકાર વિના નહીં ચાલે આ સંસાર ધર્મસત્તા, સમાજ સત્તા અને શાસન સત્તા ના નિયમોથી ચાલે છે, ધર્મને માનનારો પાપના માર્ગે જતો નથી, સમાજને માનનારો રીતિ-રિવાજ અને નીતિ નિયમોનું પાલન કરે છે અને ઘણા આ બન્ને ને સીધી રીતે ન માનનારાઓ માટે રાજા, ગવર્મેન્ટ, શાસન સત્તાનું કાયદા કાનુન છે.