જુનાગઢ જિલ્લામાં આગામી 3 ફેબ્રુઆરીએ ભારે રાજકીય ઉથલપાથલ સર્જાય તેવા સમાચારો મળી રહ્યા છે. જુનાગઢ જિલ્લાના 2 જિલ્લા પંચાયત સદસ્યો તેમજ 10 તાલુકા પંચાયતના સદસ્યો સહિત લગભગ 500 થી વધુ કોંગ્રેસ અને આપના લોકો ભાજપનો કેસરિયો ધારણ કરી પક્ષ પલટો કરશે તેવું જિલ્લા ભાજપ પ્રમુખની એક સત્તાવાર યાદીમાં જણાવાઈ રહ્યું છે.
3 ફેબ્રુઆરીના કોંગ્રેસ-આપના આગેવાનોને ભાજપમાં પ્રવેશ માટે જીલ્લા ભાજપ પ્રમુખ કીરીટ પટેલની જાહેરાતથી સોરઠના રાજકારણમાં હલચલ
લોકસભાની ચૂંટણી પૂર્વે ભાજપ દ્વારા ભાજપ જોડો અભિયાન યોજાઈ રહ્યો છે. ત્યારે આગામી 3 ફેબ્રુઆરી એ જુનાગઢ જિલ્લા ભાજપ દ્વારા એક મોટો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અને તેમાં તાલુકા પંચાયતના 10 તેમજ જિલ્લા પંચાયતના 2 સદસ્યોની સાથે પૂર્વ નગરપાલિકાના પ્રમુખો, પૂર્વ ધારાસભ્યો સહિતના કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીના રાજકીય આગેવાનો અને હોદ્દેદારો સહિત 500 થી વધુ કાર્યકર્તાઓ કોંગ્રેસ અને આપ સાથેનો છેડો ફાડી, પ્રદેશ નેતાઓની ઉપસ્થિતિમાં ભાજપનો ખેસ ધારણ કરશે તેવું જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલની એક યાદીમાં જણાવાયું છે.
જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલના વધુમાં જણાવ્યા અનુસાર, બે ટ્રમથી લોકસભાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થઈ રહ્યો છે, અને આ વખતની ચૂંટણીમાં ફરી એક વખત ભાજપનો ઐતિહાસિક વિજય થાય અને નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બને તે માટે ભાજપ દ્વારા ભાજપ જોડો અભિયાન શરૂ કરવામાં આવેલ છે. જે અંતર્ગત આગામી 3 ફેબ્રુઆરીના રોજ પ્રદેશ ભાજપના અગ્રણીઓની ઉપસ્થિતિમાં એક મોટો કાર્યક્રમ યોજાશે. જેમાં જિલ્લાના 500 થી વધુ કોંગ્રેસ અને આપના રાજકીય અગ્રણીઓ, પદાધિકારીઓ અને કાર્યકરો ભાજપનો કેસરિયો ધારણ કરશે. અત્રે નોંધનીય છે કે, ગત વિધાનસભાની ચૂંટણી વખતે પણ જિલ્લા પંચાયતના સભ્ય કાંતિભાઈ ગજેરા સહિતના 12 જિલ્લા તથા તાલુકા પંચાયતના સદસ્યો ભાજપમાં જોડાયા હતા અને વિસાવદર ખાતે ગત તા. 6 જાન્યુઆરીના રોજ યોજાયેલા એક કાર્યક્રમમાં તાલુકાના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના અનેક સરપંચો અને ગ્રામ પંચાયતના સદસ્યો સહિતના કાર્યકર્તાઓ પોતાના પક્ષને બાય બાય કરી કેસરિયો કેસ પહેરી ભાજપમાં જોડાય ચૂકયા છે.
ભેસાણ – વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભુપત ભાયાણી એ તાજેતરમાં ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યાની સાથે પોતાના પક્ષ આમ આદમી પાર્ટીને બાય બાય કરી લીધું છે. ત્યારે આગામી ત્રીજી ફેબ્રુઆરીના રોજ ભુપત ભાયાણી ફરી પોતાની માતૃ સંસ્થા ભાજપમાં જોડાય તેવા અણસરો મળી રહ્યા છે.
ભુપત ભાયાણી વર્ષોથી ભાજપમાં જોડાયેલા રહ્યા હતા, અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં સદસ્ય તરીકે ચૂંટાયાની સાથે ભેસાણ ગ્રામ પંચાયતના સરપંચ પણ રહી ચૂક્યા હતા. ત્યારબાદ કોઈ કારણોસર તેઓ ભાજપ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને આમ આદમીના સિમ્બોલ સાથે ધારાસભાની ચૂંટણી લડી જવલંત વિજય પ્રાપ્ત કર્યો હતો. જો કે, પરિણામના બીજા ત્રીજા દિવસથી જ તેઓ ભાજપમાં જોડાશે તેવા સંકેતો સર્જાયા હતા, પરંતુ લોકોનો આક્રોશ સામે આવતા જે તે વખતે તેમણે પોતાની ઈચ્છાઓને દબાવી દીધી હતી. અને તાજેતરમાં તેમણે આપ સાથે છેડો ફાડવાની સાથે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું.