હળવદ તાલુકા પંચાયત કોગ્રેસ શાસિત છે ત્યારે નવા ધનશ્યામગઢ ગામની પેટા ચૂંટણી માટે ગત તા.૨૧ના પાંચ ગામમાં મતદાન થયું હતું. જેની આજે હળવદની મોડલ સ્કૂલ ખાતે મત ગણતરી યોજાઈ હતી. જેમાં ભાજપના ઉમેદવારનું ૩૩૨ મતે વિજય થતાં ભાજપના આગેવાનોએ ફટાકડા ફોડી જીતને ઉજવણી કરી હતી જ્યારે કોંગ્રેસના ઉમેદવારની હાર થતાં પક્ષમાં સોપો પડી ગયો હતો.
હળવદ તાલુકાના નવા ધનશ્યામગઢ ગામના વતની પંકજભાઈ ગોપાણીનું અવસાન થતા ઘણા સમયથી તાલુકા પંચાયતની નવા ધનશ્યામગઢની બેઠક-૧૪ ખાલી હતી ત્યારે તંત્ર દ્વારા નવા ધનશ્યામગઢની પેટા ચૂંટણીની જાહેરાત કરાઈ હતી. ભાજપ પક્ષમાંથી નવા ધનશ્યામગઢ ગામના કાનજીભાઈ પ્રેમજીભાઈ ગોપાણીએ ઉમેદવારી નોંધાવી હતી તેમની સામે કોંગ્રેસમાંથી ઈગોરાળા ગામના જીતેન્દ્રભાઈ ધરમશીભાઇ કાવટએ ઉમેદવાર નોંધાવી હતી. આમ બને પક્ષમાં કુલ બે ઉમેદવારોની બુધવારે ચૂટણી માટે મતદાન થયું હતું અને આજરોજ પરિણામો જાહેર થયા હતા.
હળવદ તાલુકા પંચાયતની નવા ધનશ્યામગઢ ગામની પેટા ચૂટણી યોજાઈ હતી જેમાં નવા ધનશ્યામગઢ, નવા અમરાપર, જુના અમરાપર, ઈગોરાળા, ચાડધ્રા સહીતના પાંચ ગામના મતદારોએ મતદાન કર્યુ હતું. ઘનશ્યામગઢ-૧માં સૌથી વધુ ૭૧૫ મત પડયા હતા જયારે ચાડધ્રામાં ૧૬૮ મતના આંકડા નોંધાયા હતા. આ તકે હળવદ તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી સહિત ચૂંટણી કર્મચારીઓએ મત ગણતરી દરમિયાન કામગીરી ચલાવી હતી.
હળવદની મોડલ સ્કૂલ ખાતે આજે મત ગણતરી થઈ હતી જેનું પરિણામ જાહેર થતાં કોંગ્રેસના ઉમેદવાર જીતેન્દ્રભાઈ કાવટને ૧૨૬૯ મત મળ્યા હતા અને
જયારે નોટામાં ૮૫ મત પડયા હતા અને ભાજપના કાનજીભાઈ ગોપાણીને ૧૬૦૧ મત મળ્યાં હતાં જેમાં ભાજપના ઉમેદવારે ૩૩૨ મતેથી વિજય થતાં ભાજપના આગેવાનો અને કાર્યકરોએ ફટાકડાની આતશબાજી સાથે જીતની ઉજવણી કરી હતી. હળવદ ભાજપ તાલુકા પ્રમુખ રજનીભાઈ સંઘાણીએ જણાવ્યું હતું કે, કાર્યકરોના અથાગ મહેનતથી
તાલુકા પંચાયતની બેઠક ભાજપે કબજે કરી છે. તેમજ હળવદ તાલુકા પ્રભારી વલ્લભભાઈ પટેલએ તાલુકાના કાર્યકરો તેમજ મતદારોનો આભાર વ્યકત કર્યો હતો.