બારડની ધારાસભ્યપદેથી બરતરફી સ્પીકરે સુપ્રીમ કોર્ટના નિયમોનુસાર કરી હોય તથા ચૂંટણી પંચે પણ નિયમોને ચકાસીને જ તાલાળા બેઠક પર પેટા ચૂંટણી યોજવાનો નિર્ણય કર્યો હોય બારડને હાઈકોર્ટમાંથી નિષ્ફળતા મળવાનો રાજકીય નિરીક્ષકોનો મત
ગુજરાત વિધાનસભા દ્વારા ધારાસભ્ય પદેથી બરતરફ કરાયેલા તાલાળાના પૂર્વ કોગ્રેસી ધારાસભ્ય ભગવાનભાઈ બારડે તેમની બરતરફી સામે ગુજરાત હાઈકોર્ટનાં દ્વાર ખખડાવ્યા હતા. ચૂંટણી પંચ દ્વારા રવિવારે જાહેર કરાયેલા લોકસભાના ચૂંટણી કાર્યક્રમની સાથે ઉંઝા અને તાલાળા વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી યોજવાની જાહેરાત કરતા બારડે આ બાબતની તાત્કાલીક સુનાવણી યોજવાની માંગ કરી છે. જો કે, ગઈકાલે હાઈકોર્ટની બેંચ સમક્ષ મુકાયેલી આ અરજીને બેંચે ‘નોટ બી ફોરમી’ કરતા આજે બીજી બેંચ સમક્ષ સુનાવણી યોજાનારી છે.
તાલાળાના કોંગ્રેસી ધારાસભ્ય ભગાભાઈ બારડને ૧૯૯૫ના ખનીજચોરીના કેસમાં અદાલતે દોષિત ઠેરવીને બે વર્ષ નવ માસની કેદની સજા ફટકારી હતી. જેથી ગુજરાત વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ ૧૦મી જુલાઈ ૨૦૧૩ના સુપ્રીમ કોર્ટના બે વર્ષથી વધારે જેલની સજા ધરાવતા ધારાસભ્ય કે સાંસદને તેમના પદથી બરતરફ કરવાનાં હુકમ મુજબ બારડને ધારાસભ્યપદે બરતરફ કર્યા હતા જે બાદ ભગાભાઈ બારડે આ સજા સામે ઉપલી કોર્ટમાં અપીલ કરતા ઉપલી કોર્ટે તેની સજા પર સ્ટે આપલો છે.
દરમ્યાન, ચૂંટણી પંચે રવિવારે જાહેર કરેલા લોકસભાની ચૂંટણીના કાર્યક્રમ સાથે રાજય વિધાનસભાની ઉંઝા અને તાલાળાની બેઠક પર પેટા ચૂંટણી પણ યોજવાની જાહેરાત કરી હતી. જેથી ભગાભાઈ બારડે પોતાને ધારાસભ્ય પદેથી બરતરફ કરવા સામે તથા ચૂંટણી પંચે તાલાળાની બેઠક પર પેટા ચૂંટણી યોજવા કરેલા નિર્ણયને ગુજરાત હાઈકોર્ટમાં ગઈકાલે પડકાર્યો હતો.
બારડના વકીલ હાર્દી બુચે આ અરજીમાં એવો દાવો કર્યો હતો કે બારડને ધારાસભ્યપદેથી ઠેરવવાનો નિર્ણય રાજકીય મહેચ્છાથી કરવામાં આવ્યો છે.બુચે, તેમની અરજીમાં ચૂંટણી પંચે તાત્કાલીક પેટા ચૂંટણી યોજવાનો નિર્ણય પણ ઉતાવળો ગણાવ્યો હતો તેમને આ નિર્ણય સામે કરેલી અરજીની તાત્કાલીક સુનાવણી યોજવા માંગ કરી છે. પરંતુ, હાઈકોર્ટની ગઈકાલની બેંચે આ કેસ ‘નોટ બી ફોર મી’ કરતા તેની સુનાવણી આજ પર ઠેલાઈ હતીજે હાઈકોર્ટની બેંચ દ્વારા આ અરજી પર સુનાવણી યોજાનારી છે.
પરંતુ રાજકીય નિરીક્ષકોના મત મુજબ ચૂંટણી પંચે નિયમોને ચકાસીને તાલાળા બેઠક પર પેટા ચૂંટણી યોજવાનો નિર્ણય કર્યો હોત તથા તેને ધારાસભ્ય પદેથી બરતરફીનો નિર્ણય પણ નિયમોનુંસાર હોય બારડને હાઈકોર્ટમાંથી લપડાક મળે તેવી વધારે સંભાવના છે.