અફઘાનિસ્તાનને રેઢુપડ બનાવી દેવા માટે નાટો
દેશોમાં હોડ, યુરોપ ઉચાળા ભરવા ઉતાવળુ
અફઘાનિસ્તાનની ભૂમિ પરથી અમેરિકાના દળો ચાલ્યા ગયા બાદ હવે એક બાદ એક દેશોના દળો ભાગે ઈ ભાયડાની જેમ અફઘાન ભૂમિ પરથી પીછેહટ કરી રહ્યાં છે. નાટો દેશોના દળો પણ અફઘાન ભૂમિ પરથી રવાના થઈ રહ્યાં હોવાથી રાજદ્વારી રીતે ભારત માટે ચિંતાના વાદળ વધુ ઘેરાઈ શકે છે તેવું રાજકીય નિરીક્ષકોનું માનવું છે. અત્યારે અફઘાનિસ્તાનમાંથી નાટો દેશોના દળો ખાલી થઈ રહ્યાં છે અને યુરોપને પણ ઉચાળા ભરવાની ઉતાવળ જાગી છે.
આ રીતે હવે અફઘાનિસ્તાન રેઢુપડ બની જાય તો ચોક્કસપણે ભારત માટે ચિંતાની બાબત છે, એ સંભાવનાને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા રોડમેપ અને નકશા મુજબ ભારતે અફઘાનિસ્તાનમાં પોતાની વગ વધારવા માટે ખાસ રોડમેપ અમલમાં મુકી દીધો છે. કેમ કે અફઘાનિસ્તાન જેવી યુદ્ધ ભૂમિ સાવ રેઢુપડ બની જાય તો તાલીબાનો માથુ ઉંચકી શકે છે. તાલીબાનોની વગને ઉગતી ડામી દેવા માટે ભારતે એક ખાસ ભૂમિકા ભજવવાનું શરૂ કરી દીધું છે કેમ કે યુરોપ અને નાટોના દળો જે જગ્યા ખાલી કરી જાય તે કોઈપણ ભોગે ભારતે ભરવી જ પડે, નહીંતર અફઘાનિસ્તાન તાલીબાનોના હાથમાં જઈ શકે છે.
ભારત સરકાર તમામ સંભાવનાઓને અગાઉથી સમજીને તે દિશામાં લાંબા સમયથી પ્રયાસો કરી રહી છે. અફઘાની પ્રજા મુળભૂત રીતે ભારત પ્રત્યે વધુ લાગણી ધરાવે છે અને ભારત સાથે પોતાની જાતને વધુ સંકળાયેલી અનુભવે છે તે કારણે ભારતે પણ અફઘાનિસ્તાનમાં પોતાનો પગદંડો મજબૂત કરવા માટે ત્યાંની ભૂમિ પર ઢગલાબંધ વિકાસ કામોની યોજનાઓ શરૂ કરી છે અને ઘણી યોજનાઓને પરિપૂર્ણ કરીને અફઘાનીઓ માટે પાયાની માળખાકીય સુવિધાઓ ઉભી કરી દીધી છે જેની ધારી અસરો જોવા મળી શકે છે.
અત્યારે પરિસ્થિતિ એવી છે કે, મોટાભાગના યુરોપીય દળો પણ ઉચાળા ભરી ગયા છે. જર્મની અને ઈટાલીએ તેમનું અફઘાન મિશન પૂરું થયાની જાહેરાત કરી દીધુ છે. પોલેન્ડના દળો પણ પાછા ફર્યા છે. 20 વર્ષ બાદ યુરોપ અને અમેરિકાના દળો અફઘાન ભૂમિ પરથી પાછા જઈ રહ્યાં છે. જે દબદબા અને તાકાત સાથે 2001માં વિદેશી દળોએ અફઘાનમાં પ્રવેશ કર્યો હતો તેનાથી વિપરીત તમામ વિદેશી દળો ગુપચુપ આ ભૂમિ છોડી ગયા છે. જ્યારે અમેરિકાએ અફઘાનિસ્તાન ના તાલીબાનોની સફાઈ માટે આક્રમણ ર્ક્યું ત્યારે અમેરિકાને ટેકો આપવા માટે યુરોપના દળો અફઘાનિસ્તાન પહોંચ્યા હતા પરંતુ વખત જતાં નાટોએ પણ પોતાની ભૂમિકા સીમીત કરી દીધી હતી. એક તબક્કે અફઘાન ભૂમિ પર અમેરિકા અને નાટોના 1.5 લાખ જેટલા સૈનિકોનો જમાવડો થઈ ગયો હતો.
પરંતુ નાટોના દળો હવે માત્ર 7000 જેટલી સંખ્યામાં બાકી રહી ગયા હતા તે પણ પાછા ખેંચી લેવાયા છે. હજુ કેટલાંક દેશોના દળો અફઘાન ભૂમિ પર છે તેનો કોઈ આકડો નાટોએ આપ્યો નથી. પોલેન્ડના 33000 સૈનિકો અત્યાર સુધી અફઘાન ભૂમિ પર હતા એ તમામને પાછા ખેંચી લેવાયા હતા. ઈટાલીયન દળો પણ હેરાત એરપોર્ટ પરથી વતન પરત ફર્યા હતા. અફઘાનિસ્તાનના યુદ્ધમાં 53 ઈટાલીયન સૈનિકો માર્યા ગયા હતા અને 723થી વધુ ઘાયલ થયા હતા.
જ્યોર્જિયા, રોમાનીયા, ડેનમાર્ક, મોર્વે, ઈસ્ટોનીયા, નેધરલેન્ડના દળો પણ ગયા સપ્તાહે અફઘાન ભૂમિ પરથી ઉચાળા ભરી ગયા હતા. સ્પેન, સ્વીડન અને બેલ્જીયમે પણ ગત 2 મહિના દરમિયાન પોતાના તમામ દળો પાછા ખેંચી લીધા હતા. એ જ રીતે થોડી સંખ્યામાં જે દેશોએ સૈનિકો મોકલ્યા હતા તેવા પોર્ટુગલ, જેક રિપબ્લીક, ફિનલેન્ડ, આલ્મેનીયા, નોર્થ મેશીડેનીયા વગેરેના સૈનિકો પણ પીછે હટ કરી ગયા છે.
દરમિયાન રેઢુપડ બની ગયેલા અફઘાનિસ્તાનમાં તાલીબાનો ધીમે ધીમે એક બાદ એક જિલ્લા પર ફરીથી કાબુ મેળવી રહ્યાંના અહેવાલો વિશ્ર્વ માટે ખતરાના ઘંટડી સમાન બની ગયા છે. અફઘાની દળોઅનેક સ્થળે તાલીબાનોનો મુકાબલો કરવાના બદલે શરણે થઈ ગયા હોવાનો અહેવાલો વધુ ચિંતાજનક સ્થિતિ તરફ નિર્દેશ કરી રહ્યાં છે. આ દિશામાં ચિંતા વ્યકત કરતા અફઘાનિસ્તાન ખાતે એક સમયે અમેરિકાના મીલીટરી કમાન્ડર રહી ચૂકેલા જનરલ વોસ્ટીન વિલરે જણાવ્યું હતું કે, તાલીબાની દળો વ્યાપક કતલેઆમ કરવાની કુખ્યાતિ ધરાવે છે એટલે અફઘાનિ દળો માટે કપરી પરિસ્થિતિ ઉભી થઈ છે. સરવાળે અફઘાનિસ્તાનમાં ફરીથી આંતર યુદ્ધ શરૂ થઈ જાય તેવું દેખાઈ રહ્યું છે. કેમ કે, તાલીબાનોનો પ્રભાવ ધે એટલે વધુને વધુ હિંસાની આગમાં અફઘાનિસ્તાન ઘેરાતું જશે.