દર્શનકુમાર શાસ્ત્રીજીના વ્યાસાસને નૃસિંહ અવતાર, વામન અવતાર અને કૃષ્ણલીલાનું આયોજન
સાનિધ્ય હવેલી, જીવરાજ પાર્ક ખાતે વૈષ્ણવ મંડળ દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે જે ૨૨ ડિસેમ્બર સુધી ચાલશે. જેમાં દર્શનકુમાર શાસ્ત્રીજી મુખ્ય વ્યાસપીઠ સ્થાને છે. આ સપ્તાહમાં શ્રીમદ્ ભાગવત ગીતાના પ્રસંગોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં મુખ્ય નૃસિંહ અવતાર, વામન અવતાર, નંદોત્સવ અને કૃષ્ણલીલાનો સમાવેશ કરાયો છે. આ સપ્તાહમાં ભાવિકો શ્રધ્ધાભેર હજારોની સંખ્યામાં જોડાઈને લાભ લઈ રહ્યાં છે અને સપ્તાહ ખૂબ જ ઉત્સાહભેર ચાલી રહી છે.
સુરતથી પધારેલા સ્વામી ચંદ્રગોપાલ મહારાજે કથા વિશે જણાવતાં કહ્યું હતું કે, ભાગવત સપ્તાહનું આયોજન શ્રી કોકીલા બેટીજીના મંગલ સ્મરણાર્થે તેમજ પુષ્ટિજીવોના પોષણ અર્થે રાખવામાં આવ્યું છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને શ્રી ઠાકોરજી તથા શ્રીમદ્ ભાગવત ગીતા વિશે પરિચિતી કરવા માટેનો છે.
કેમ કે આજના વ્યસ્ત યુગમાં લોકો પાસે ઈશ્ર્વરને યાદ કરવાનો સમય જ નથી તેથી લોકો ભાગવત સપ્તાહમાં આવી સાચા હૃદયથી ઈશ્ર્વરને યાદ કરે તે મુખ્ય ઉદ્દેશ્ય છે. આ સિવાય સપ્તાહમાં સમાવેશ કરાયેલા પ્રસંગો વિશે ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે, નૃસિંહ અવતાર, પૃથુરાજાનું ચરિત્ર, ઉપરાંત પ્રભુની લીલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તથા અવતાર લીલા અને કલાલીલાનો સમાવેશ કરવામાં આવ્યો છે તે સિવાય તેમણે જણાવ્યું હતું કે આજે ખાસ નંદોત્સવ એટલે કે ઠાકોરજીના અવતારનો પ્રસંગ રાખવામાં આવ્યો છે.
જેમાં ઠાકોરજીનો અવતાર કઈ રીતે થયો અને તેઓ મથુરાથી ગોકુલ કેવી રીતે પહોંચ્યા તેનો મુખ્ય સમાવેશ કરવામાં આવ્યો છે. જેનો ભાવિકો શ્રદ્ધાભેર લાભ લઈ રહ્યાં છે. ચંદ્રગોપાલ મહારાજે વૈષ્ણવ સંપ્રદાયનું મહત્વ જણાવતા કહ્યું હતું કે, સ્નેહયુક્ત ભક્તિ એ વલ્લભ સંપ્રદાયનું મુખ્ય હેતુ છે જે વૈષ્ણવ સંપ્રદાયની ખાસિયત છે તે ઉપરાંત તેમણે વૈષ્ણવ સંપ્રદાયના લોકોને સંદેશો આપતા કહ્યું હતું કે, વૈષ્ણવોને મારો એટલો જ સંદેશો છે કે આ સુંદર અને સહજ માર્ગમાં આવીને સાથે સાથનો ઉદ્ધાર તો નક્કી કર્યું પરંતુ જો આપ ભગવત સેવા કે નામ સેવા નહીં કરો તો આ સંપ્રદાયમાં આપનું આવવું નિષ્ફળ છે.