કોકિલા બેટીજીના સ્મરણાર્થે સાત દિવસીય ધાર્મિક મહોત્સવનું આયોજન: આચાર્યપીઠેથી દર્શનકુજમાર શાસ્ત્રીજી કથાનું રસપાન કરાવશે: દરરોજ સાંજે વૃંદાવનનાં રાસધારીની રાસલીલા યોજાશે
કોકિલાબેટીજીના સ્મરણાર્થે રાજકોટનાં આંગણે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન વિઠ્ઠલનાથજી મહારાજના બેટીજી મુરલીકાબેટીજીના નિવાસ સ્થાન સાનિધ્ય હવેલી, જીવરાજ પાર્ક ખાતે ૧૬મીથી ૨૨મી સુધી કરવામાં આવ્યું છે. જેની વિગત આપવા વકતા દર્શન કુમાર શાસ્ત્રીજી, કિરીટ રોજીવાડીયા, તુલસી ગીણોયા, અરવિંદ પાટડીયા, દિપક સોની, મહેશભાઈ, શામજી વાંસજાળીયા, રમેશ ભીમાણી, જયસુખ ગોર, દામજી ડરાણીયા, જયંતી વાછાણી, દુર્લભ ભટ્ટી અને કરશન લાડાણીએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
દર્શનકુમાર શાસ્ત્રીજી (વિરપુરવાળા) વ્યાસપીઠ ઉપર બિરાજી સુબોધીનીજી આધારીત કથારસનું રસપાન દરરોજ સવારે ૯ થી ૧૨ તથા બપોરે ૩:૩૦ થી ૧૨ કલાકે કરાવશે. સાથે સાથે પ્રભુના વિવિધ મનોરથો તેમજ વૃંદાવનની પ્રખ્યાત રામકૃષ્ણગૌર ભકત લીલા મંડળ, સ્વામિ વિલપ્રકાશજીની પુષ્ટિમાર્ગીય રાસલીલા મંડળી દ્વારા દરરોજ રાત્રે વિવિધ રાસલીલા યોજાશે. શ્રીમદ્ ભાગવત સપ્તાહની શોભાયાત્રા-પોથીયાત્રા તા.૧૬ને શનિવારે બપોરે ૨:૩૦ કલાકે પ.ભ.કિરીટભાઈ રોજીવાડીયાના નિવાસ સ્થાન-૩૦૧, ચોકલેટ એવન્યુ, નરેન્દ્ર સોલંકીના બંગલા પાસે, જીવરાજ પાર્ક, અંબિકા ટાઉનશીપ પાસેથી પ્રારંભ થઈને હજારો વૈષ્ણવોની ઉપસ્થિતિમાં ઘોડા, બગી, રાસમંડળી, કેશિયો પાર્ટી, કિર્તન મંડળી સાથે વાજતે ગાજતે કથા સ્થળ સાનિધ્ય હવેલી સામે, જીવરાજ પાર્ક પાસે પધારશે.
કથા શ્રવણ દરમ્યાન વિવિધ મનોરથ તથા દર્શન સાનિધ્ય હવેલી ખાતે રાખેલ છે. શનિવારે સવારે ૧૨:૦૦ વાગ્યે કુંનવારા મનોરથો તથા સાંજે ૭:૩૦ વાગ્યે કેશરી કટામાં જડતરનો બંગલાના દર્શન યોજાશે. ૧૭મીએ સવારે ૧૨:૦૦ વાગ્યે રાજભોગ દર્શન, સાંજે ૭:૩૦ વાગ્યે લીલીઘટામાં ચાંદીના બંગલાના દર્શન, તા.૧૮ના સવારે ૧૨:૦૦ વાગ્યે દાનલીલા અને સાંજે ૭:૩૦ વાગ્યે સફેદ ઘટામાં શીશ મહેલ, તા.૧૯ના સવારે ૧૨:૦૦ વાગ્યે છાકનો મનોરથ તથા સાંજે ૭:૩૦ વાગ્યે, ગુલાબી ઘટામાં રાસનો મનોરથ, તા.૨૦ના સવારે ૧૨:૦૦ વાગ્યે રાજભોગ દર્શન સાંજે ૭:૩૦ વાગ્યે લાલ ઘટામાં શ્યામસગાઈ, તા.૨૧એ સવારે ૧૨:૦૦ વાગ્યે નંદગોપ ભોજન દર્શન સાંજે પીલી ઘટામાં વિવાહ ખેલ, તા.૨૨ના સવારે ૧૨:૦૦ વાગ્યે કુંનવારા દર્શન અને સાંજે ૭:૩૦ વાગ્યે-તુઈના બંગલાના દર્શન યોજાશે. વિશેષમાં દરરોજ રાત્રે ૮ વાગ્યે વૃંદાવનના રાસધારીની રાસલીલા યોજાશે. જેમાં તા.૧૬ના શ્રીનાથજીની પ્રાગટય લીલા, તા.૧૭ના અષ્ટશખા ગોવિંદ સ્વામીની લીલા, તા.૧૮ના માધુરી માખન ચોરી લીલા, તા.૧૯ના જન્મોત્સવ નંદમહોત્સવ લીલા, તા.૨૦ના હોળી ખેલ કુલ ફાગ લીલા, તા.૨૧ના રાત્રે હરીપરવાળા વલ્લભભાઈની ઢાઢીલીલા તથા તા.૨૨ને રાત્રે વૈષ્વણ ભાઈ-બહેનોના રાસ-બાંગા, ભલસાડની મંડળી દ્વારા મહારાસ થશે.
કથા શ્રવણ દરમ્યાન સહવિશેષ કૃપા વિચારી નિત્ય સાંજે સ્થાનિક તેમજ બહારગામના ગોસ્વામિ આચાર્યો પધારી વચનામૃતનો લાભ આપશે. જૂનાગઢથી વિઠ્ઠલનાથજી મહારાજ તેમજ ઉત્સવરાયજી મહોદય, જામનગરથી હરિરાયજી મહારાજ દ્વારીકાથી કાલીન્દીવહુજી મહારાજ તેમજ વેરાવળ સોમનાથથી માધવરાયજી મહારાજ, જેતપુરથી બાલકૃષ્ણલાલજી મહારાજ, પોરબંદરથી ચંદ્રગોપાલજી મહારાજ, શરદકુમારલાલજી મહારાજ, રાજકોટ રોયલ પાર્ક હવેલીના અભિષેકલાલજી મહારાજ, નિલેષલાલાજી તથા મીઠાબેટીજી પધારશે. કોકીલાબેટીજીના સ્મરાણાર્થે દિવ્ય સ્મૃતિમાં તેમજ પુષ્ટિ માર્ગીય જીવોની જીજ્ઞાસા અને પોષણઅર્થે બ્રિજેશલાલજીનું શુભ આશિર્વાદ સહ મુરલીકાબેટીજી, નિતેશલાલાજીના મનોરથ સ્વ‚પે આ ભાગવદ સપ્તાહ પ્રસંગે ભાવિક, ધર્માનુરાગીઓને સહપરિવાર પધારવા આયોજન સમિતિએ જાહેર નિમંત્રણ પાઠવ્યું છે. બહારગામથી પધારેલ વૈષ્વણ માટે ઉતારાની તેમજ પ્રસાદની વ્યવસ્થા રાખેલ છે. કથા સ્થળ નજીક જીવરાજ પાર્ક સુધી આવવા માટે સીટી બસ રૂટ નં.૩,૨૫,૨૮ તથા ૪૨ નં.ની બસ મળશે.