‘અબતક’ દ્વારા વિશ્ર્વમાં સૌપ્રથમ વખત સ્ટુડિયોમાંથી લાઈવ પ્રસારિત શ્રીમદ્ ભાગવત સપ્તાહના પાંચમા દિવસે સંગીત શૈલીમાં કોરોના વોરિયર્સને સલામી: કૃષ્ણલીલાથી માંડી ગીરીરાજ ઉત્સવના પ્રસંગોમાં શ્રાવકો તરબોળ
કોરોના વાયરસથી મોતને ભેટેલા લાખો મૃતકોના મોક્ષાર્થે ‘અબતક’ દ્વારા વિશ્ર્વ સૌપ્રથમ વખત સ્ટુડિયોમાંથી લાઈવ શ્રીમદ્ ભાગવત સપ્તાહનું પ્રસારણ થઈ રહ્યું છે. આજે પાંચમા દિવસે વ્યાસપીઠેથી શાસ્ત્રી રાકેશ અદા (ભટ્ટજી)એ કહ્યું હતું કે, શ્રીમદ્ ભાગવત સપ્તાહ એ દર્પણ છે જે મનુષ્યને પોતાના ગુણ અવગુણના દર્શન કરાવે છે. આજે ભાગવત સપ્તાહ દરમિયાન કોરોના વોરિયર્સને સંગીતમય શૈલીમાં સલામી અપાઈ હતી. ભાગવત સપ્તાહના પ્રારંભે જ શાસ્ત્રી રાકેશ અદાએ મધુરકંઠે ગણેશ સ્તૃતિનું ગાન કર્યું હતું. અજ્ઞાનરૂપી અંધકારમાંથી આપણે સૌને ભાગવત જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જાય છે. ભગવાનની કથા આપણને શિખવે છે કે, જીવનમાં શું કરાય અને શું ન કરાય.
વધુમાં કહ્યું હતું કે, કથામાં કંશની કથા આવે, કૃષ્ણની કથા આવે, દુર્યોધનની કથા આવે અને અર્જૂનની કથા પણ આવે, આપણે એમાંથી એ શિખવાનું છે કે આમાંથી ક્યાં પાત્રમાં આપણો સ્વભાવ ફીટ થાય છે. આપણે કઈ જગ્યાએ છીએ. બસ જ્યારે આ વાતની મનુષ્યને જાણ થઈ જાય તો સમજવું કે કથા કરવી અને સાંભળવી સાર્થક બની જાય છે. કથા દર્પણનું કામ કરે છે.
ગઈકાલે આપણે કૃષ્ણ જન્મ કથા સુધીનું રસપાન કર્યું ભગવાન દ્વારા પૃથ્વીને આશ્ર્વાસન મળ્યું જગતમાં પાપ વધ્યા એટલે પૃથ્વી ભગવાન પાસે જાય છે. અધર્મનો નાશ કરવા અને ધર્મનો વિજય કરવા ભગવાન હંમેશા કોઈને કોઈ સ્વરૂપે પૃથ્વીઉપર જન્મધારણ કરે છે. પૃથ્વી ભગવાનને કહે છે કે પૃથ્વીને કોઈનો ભાર નથી લાગતો માત્રને માત્ર આ પાપનો ભાર લાગે છે ત્યારે ભગવાને ફરરી એક વખત દેવકી અને વસુદેવને ત્યાં પૂર્ણ પુરૂષોતમ થઈને અવતર્યા કૃષ્ણજન્મમાં ભગવાન લીલા પુરૂષોતમના રૂપમાં આવે છે. વસુદેવ અને દેવકીના વિવાહની કથા ત્યારબાદ દેવકીના આઠમાં સંતાન રૂપે ભગવાન કૃષ્ણની જન્મ થાય છે. ઠાકોરજીને પધરાવી મેઘલી રાતે વસુદેવ ચાલી નીકળે છે. વ્રજવાસીઓ કૃષ્ણ જન્મના વધામણા કરે છે. વ્રજમાં જાણે ઉત્સવ ઉજવાયો નંદ ઘેર આનંદ ભર્યો જય કનૈયા લાલ કી… નાદ સાથે વ્રજવાસીઓએ કૃષ્ણ જન્મને ભાવભેર વધાવ્યો.
અબતકના આંગણે આયોજીત ભાગવત સપ્તાહમાં પૂણ્યનું ભાથુ બાંધવા આરપીજે હોટેલના માલિક અજયરાજસિંહ જાડેજા તેમજ વિંગ્સ આઇવીએફ હોસ્પિટલ અને પાયલ મેટરનિટી હોસ્પિટલના એમડી ડો. સંજય દેસાઇ પણ હાજર રહ્યા હતા.
કહેવાય છે કે કૃષ્ણ જન્મ થતા વ્રજવાસીઓએ એટલું છાશ, માખણ અને દુધ ઉડાડયું હતુ કે ગોઠણ સુધી માખણ નંદભવનમાં ભર્યું હતુ શાસ્ત્રીજએ ફોરેનનું ઉદાહરણ આપતા જણાવ્યું હતુ કે ફોરેનમાં એક બહેનને સાત માસે બાળક જન્મ્યુ હતુ અને એને ડોકટરે મૃત જાહેર કરી દીધું હતુ. ત્યારે એ બાળકની માએ એના બાળકને બે કલાક સુધી છાતીએ વળગાડી રહી હતી. ત્યારબાદ અઢી કલાક પછી બાળક પણ રડવાનું ચાલુ કરે છે. ત્યારે ડોકટરો માટે એ ચમત્કાર રૂપ સાબિત થયું હતુ માના પ્રેમ અને હુંફે જ બાળકને ફરી સજીવન કર્યું હતુ. માના પ્રેમની તાકાત જોઈ યમરાજને પણ એમ થયું કે બાળકને જીવતું કરી દવ. કહેવાનો અર્થ એટલો કે માતા પિતાને સંતાનો ઉપર જે પ્રેમ છે. એ અદભૂત છે. સમગ્ર વ્રજવાસીઓએ એક વર્ષ સુધી અગિયારશ કરી હતી માત્ર માણસો પણ નહી ગાયો પણ અગિયારસના દિવસે ખાતી નથી. વ્રજના પશુપક્ષીઓ પણ અગિયારસનું વ્રત ક્રતા હતા એ સમગ્ર પુણ્ય યશોદાજીને અર્પણ કરવાથી નંદલાલાનો જન્મ થયો હતો. એટલે જ વાસીઓ કહેતા હતા. કે લાલો માત્ર યશોદાનો નથી અમારા સહુનો છે. શાસ્ત્રીએ વિશેષમાં અગિયારસના વ્રતનું મહત્વ સમજાવતા કહ્યું હતુ કે નીતિ-નિયમોનું પાલન કરીને જો કોઈ વ્યકિત અગિયારશનું વ્રત કરે તો આજેય તેનું ફળ મળે છે. વ્રતને વ્રતના નિયમ પ્રમાણે જો કરવામાં આવે તો વ્રત આજે પણ ફળ આપવા તૈયાર છે. આજકાલ વ્રતમાં માત્ર ફળાહાર કરવાનું મહત્વ વધ્યું છે. ખરેખરતો અગિયારસમાં નિરાહાર રહેવું બહુ ભુખ લાગે તો એક ગ્લાસ દૂધ અથવા એક ફળ લઈ શકાય આજના સમયમાં વ્રતનું મહત્વ બદલાય રહ્યું છે. આખી અગિયારસમાં ભગવાનનું સ્મરણ કરવાનું હોય છે. ભગવાનનું નામ નિરાતે લઈ શકાય એટલે જ વ્રતમાં નિરાહારનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે.
જેને એકવાર રામનામનો રસ ચાખી લીધો સંસારમાં એને બીજા કોઈ જ રસની જરૂર રહેતી નથી એનું પ્રમાણ શબરી છે. સૌથી મોટુ પ્રમાણ છે હનુમાનજી મહારાજ હનુમાનજી રામના પ્રિય ભકત હતા. જતા જતા રામે પણ હનુમાનજીને કહ્યું હતુ કે હું જગતના તમામ ઋણમાંથી મૂકત થઈ શકીશ પણ તારા ઋણમાંથી હું કયારેય મૂકત નહી થાવ. રામની એવી ઈચ્છા હતી કે હનુમાનથી ચારે યુગમાં રહે. આજેય હનુમાન છે ત્યાં રામ છે ને જયાં રામ છે ત્યાં હનુમાન છે.
ભગવાનનું સ્મરણ અને વ્રત ભાવની સાથે થોડા નીતિ નિયમોથી કરવામાં આવે ત્યારે એ સો ટકા ફળદાયી બને છે. વર્તમાન સમયમાં માણસ ખૂબજ પ્રેકટીકલ બની ગયો છે. માણસોને નિયમો સાથે કંઈ લેવા દેવા જ નથી આજે થોડીક છૂટછાટ મળતા લોકો નિકળી પડયા છે. જાણે કોરોના જેવું કાઈ છે જ નહી માણસોને પોતાના પરિવારની પણ ચિંતા નથી લોકો એવું માને છે કે ખૂલી ગયું એટલે કોરોના જતો રહ્યો વૈશ્ર્વિક મહામારી જાહેર કરવા છતા લોકો આ બિમારીની ગંભીરતા લેતા નથી. હવે જ સાચી ગંભીરતા લેવાની જરૂર છે. ટીવીના માધ્યમથી શાસ્ત્રીજીએ લોકોને સમજાવતા કહ્યું હતુ કે હવે જ સાચું લોકડાઉન પાળવાનું છે. અદાએ પોતાનું વ્યકિતગત મંતવ્ય દર્શાવતા જણાવ્યું હતુ કે સપ્ટેમ્બર મહિના સુધીમાં કોરોનાની રસી અવશ્ય શોધાય જશે. માટે લોકોએ શાંતિ રાખવી અને સરકારના નીતિ નિયમોનું પાલન કરવું.
માણસનું મોટામાં મોટું સુખ પોતાના પરિવાર સાથે હોય છે. આ જગતમાં વિધિના લેખમાં કોઈ મેખ ન મારી શકે. કથાને આગળ વધારતા શાસ્ત્રીજી કૃષ્ણની બાળ લીલાઓનું અદ્ભૂત વર્ણન કરે છે. ત્યારબાદ રાક્ષસોના કૃષ્ણના હાથે ઉધ્ધાર થયાના પ્રસંગોનું તાદ્રશ્ય વર્ણન કરવામાં આવે છે. નામકરણ સંસ્કાર પ્રસંગનું પણ અદભૂત વર્ણન થયું હતુ. બાળ ક્રિશ્ર્નાએ મા યશોદાને મુખમાં આખા બ્રહ્માંડના દર્શન કરાવ્યા તેનું પણ અહી સુંદર વર્ણન કરવામાં આવ્યું હતુ. માખણ ચોરીની અદભૂત લીલાનું વર્ણન કરી પંચમ દિવસની કથાને વિરામ અપાયો.
આ કથામાં સિંગર-નિરવ રાયચુરા, કીબોર્ડ-દિપક વાઢેર, તબલા-હાર્દિક કાનાણી, ઢોલક-યશ પંડ્યા, ઓક્ટોપેડ-કેયુર બુદ્ધદેવ અને સાઉન્ડ-ઉમંગી સાઉન્ડના કારણે અવિસ્મરણીય બની રહી છે.
શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં આવતીકાલના પ્રસંગો
આવતીકાલે ગીરીરાજ ઉત્સવ અને રૂક્ષ્મણી વિવાહના પ્રસંગોનો લ્હાવો ‘અબતક’ પરિવાર આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં શ્રાવકોને મળશે. આ ઉપરાંત ભગવાન શ્રીકૃષ્ણની ગોકુળથી દ્વારકા સુધીની કથાના રસપાનનો લાભ પણ આવતીકાલે શ્રાવકોને મળશે.
ચાલ ને જીવી લઈએ: આજે પુનમબેન ગોંડલીયાના સુમધુર કંઠે ભજનોનો રસથાળ
‘અબતક’ના ચાલ ને જીવી લઈએ કાર્યક્રમ અંતર્ગત આજે શ્રીમદ્ ભાગવત સપ્તાહને અનુરૂપ ભજનો માણવાનો અવસર લોકોને મળશે. ખ્યાતનામ ગાયક પુનમબેન ગોંડલીયાના સુમધુર કંઠે ગવાયેલા ભજનોનો રસથાળ લોકોને પીરસાશે. એન્કર પ્રિત ગૌસ્વામી, સંકલનમાં મયુરભાઈ બુધદેવની જમાવટ લોકોને રસતરબોળ કરશે. સાઉન્ડમાં ઉમંગી સાઉન્ડ અને રાજેશભાઈ ઉભડીયા ભજનનો ભાવ જાળવી રાખશે.