3 મોબાઈલ, રોકડ, એટીએમ સહિતની વસ્તુઓ તસ્કર લોકરમાંથી સેરવી ગયો
બાર જ્યોતર્લિંગમાંના એક એવા પવિત્રધામ સોમનાથ મહાદેવ મંદિર પર આવતા દર્શનાર્થીઓ માટે અમુક વસ્તુઓ મંદિરમાં લઈ જવા પર પ્રતિબંધ લદાવવમાં આવ્યો છે. જેથી શ્રદ્ધાળુઓ પોતાનો કિંમતી સામાન બહાર લોકર વાનમાં રાખીને જતા હોય છે. પરંતુ તસ્કરોએ લોકર વાનમાં પણ હાથફેરો કરી સુરતના શ્રદ્ધાળુની કિંમતી ચીજ વસ્તુઓ તસ્કર તફડાવી ગયાનું પોલીસ ચોપડે નોંધાયું છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સોમનાથ મહાદેવ મંદિર પર સુરતથી દર્શન કરવા આવેલા રાહુલ બંસલ નામના શ્રદ્ધાળુ મંદિરમાં દર્શન કરવા ગયા તે પહેલા પોતાનો કિંમતી સામાન લોકર વાનમાં રાખ્યો હતો અને ટોકન લઈ મહાદેવના દર્શન કરવા ગયા હતા. મહાદેવના દર્શન કરી રાહુલ બંસલ પરત આવ્યા અને લોકર બારીએ ટોકન આપતા તેઓએ લોકરમાં રાખેલા 3 એટીએમ કાર્ડ, રૂ.12,000 રોકડા, 3 મોબાઈલ અને આઇ. ડી. પ્રૂફ સહિતની મત્તા ચોરાઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે.
મહાદેવના શરણે આવેલા શ્રદ્ધાળુઓને તસ્કરોએ શિકાર બનાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સોમનાથ મંદિરે આવતા હજારો શ્રદ્ધાળુઓ મહદેવના દર્શન માટે લોકર વાનમાં પોતાના કિંમતી સામાનને ભરોસા પર રાખી જતા હોય છે. તેમાં પણ દૂરથી આવતા શ્રદ્ધાળુઓના સામાનની ચોરીથી યાત્રિકોના પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.