શિક્ષણ થકી તમે લોકોના જીવનમાં જડમૂળથી પરિવર્તન લાવી શકો છો. જ્ઞાનની આ જ્યોત થકી મુન્દ્રા પાસે આવેલ ભદ્રેશ્વર અદાણી વિદ્યા મંદિર અનેક માછીમાર બાળકોના જીવનમાં પરિવર્તન લાવી રહ્યું છે. અને હવે શાળાની આ મહેનત વિદ્યાર્થીઓના પરિણામોમાં પણ દેખાઇ રહી છે. આ વખતે, ભદ્રેશ્વર અદાણી વિદ્યા મંદિરના ધોરણ-10ના વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓએ વિક્રમજનક પરિણામ લાવીને નવો ઇતિહાસ રચ્યો છે. કોવિડ મહામારી કારણે ઊભી થયેલી શૈક્ષણિક સમસ્યા વચ્ચે પણ ધોરણ-10ના તમામ 31 વિદ્યાર્થીઓએ આ વખતે 100 ટકા પરિણામ લાવ્યું છે.

શાળાના કુલ 31 વિદ્યાર્થીઓમાંથી, ત્રણ વિદ્યાર્થીઓએ 80% થી વધુ ગુણ મળ્યા છે, 18 વિદ્યાર્થીઓએ 60 થી 80% ની વચ્ચે અને 10 વિદ્યાર્થીઓએ 40 થી 60% ની વચ્ચે ગુણ મેળવ્યા છે. આ પરિણામ અટખ ભદ્રેશ્વર માટે પણ સીમાચિહ્નરૂપ છે.

શાળાના આચાર્ય મોહન વાઘેલાનું માનવું છે કે આ 100 ટકા પરિણામ મેળવવા માટે જો કોઇ વાત નિર્ણાયક સાબિત થઇ હોય તો તે અહીં શાળા પછી ચાલી રહેલા એકસ્ટ્રા ક્લાસિસ છે.

ઉલ્લેખનીય છે કે અદાણી વિદ્યામંદિર, ભદ્રેશ્ર્વરએ મેક-શિફ્ટ રહેણાંક કેમ્પસનો અભિગમ અપનાવ્યો. આ માટે ધોરણ-10ના વિદ્યાર્થીઓના માતા-પિતાનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેમની સંમતિથી વિદ્યાર્થીઓ (છોકરાઓ)ને તેમની પરીક્ષાના એક મહિના પહેલા શાળામાં રહેવાની સગવડ આપવામાં આવી હતી. સાથે જ છોકરીઓને પણ સવારે 7 થી સાંજે 6 વાગ્યે શાળામાં રહી શિક્ષણ આપવામાં આવતું હતું. રહેણાંક વર્ગો દરમિયાન વિષય શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને વ્યક્તિગત સૂચનો, ધ્યાન, ભોજન, મૂલ્યાંકન, પરામર્શ, પ્રેરક મનોરંજન, અને દરેક બાળક માટે શૈક્ષણિક લક્ષ્યને નક્કી કરવામાં આવ્યું હતું. અહીં બાળકોનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હતું. અને ભણતર માટે સમયપત્રક પણ બનાવવામાં આવતું હતું, જેથી તે અન્ય પ્રવૃત્તિઓમાં મન પોરવવા કરતાં ભણવા પર વધુ ભાર આપી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.