વિરપુર (ભા) તબીબના અને વિછીંયામાં ગેરેજ સંચાલકના ઘરમાં મળી રૂ 9.30 લાખની મત્તાની ચોરી કર્યાની કબુલાત
એલ.સી.બી. ના પી.આઇ. ઓડેદરા અને પી.એસ.આઇ. ગોહિલ ની ટીમને મળી મહત્વની સફળતા
રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ભાડલા પંથકમાંથી વલ્લભીપુર તાલુકાના જાળીયા ગામના તસ્કર બંધુને એલ.સી.બી.એ ઉઠાવી લઇ વિરપુરના તબીબ અને વિછીંયાના ગેરેજ સંચાલકના ઘરમાં ધોળે દિવસે હાથ ફેરો કર્યાની કબુલાત આપતા પોલીસે બાઇક, મોબાઇલ, રોકડા અને ચોરીના ધરેણા મળી 80,730 નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ જિલ્લામાં આર્થિક ગુનાઓ અટકાવવા અને વણ ઉકેલ ગુનાઓનો ભેદ ઉકેલવા એસ.પી. જયપાલસિંહ રાઠોડએ આપેલી સુચનાને પગલે એલ.સી.બી.ના પી.આઇ. વી.વી. ઓડેદરા સહિતના સ્ટાફે પેટ્રોલીંગ હાથ ધર્યુ હતું.
પેટ્રોલીંગ દરમ્યાન મુળ વલ્લભીપુર તાલુકાના જાળીયા ગામના અને હાલ નવાણીયા ગામે રહેતો ભપલુ મનુ વાઘેલા અને ભરત મનુ વાઘેલા નામના શખ્સો ભાડલા વિસ્તારમાં ચોરાઉ માલ સાથે શંકાસ્પદ હાલતમાં રખડતા હોવાની પી.એસ.આઇ. એચ.સી. ગોહિલને મળેલી બાતમીના આધારે પી.એસ.આઇ. ડી.જી. બડવા, એ.એસ.આઇ. મહેશભાઇ જાની અને અમીતસિંહ જાડેજા સહીતના સ્ટાફે દરોડો પાડી બન્ને શખ્સોને ઝડપી લીધા છે.
ઝડપાયેલા બન્ને ભાઇએ તા.4 સપ્ટેમ્બરના રોજ વિછીંયાના પીંગળધાર ખાતે રહેતા ભરતભાઇ મેરામભાઇ રાજપરા નામના ગેરેજ સંચાલકના મકાનમાં ધોળે દિવસે તાળા તોડી સોના ચાંદીના ધરેણા અને રોકડા મળ રૂ. 7.50 લાખની મત્તાની અને ગત તા.31 નવેમ્બરના રોજ ભાડલા નજીક આવેલા વિરપુર ગામે મેહુલ ગેલા જોગરાણા નામના તબીબના મકાનમાં દિવસે તાળા તોડી સોના ચાંદીના ધરેણા અને રોકડ મળી રૂ. 1.81 લાખની ચોરી કર્યાની કબુલાત આપી હતી.
પોલીસે બાઇક, મોબાઇલ, રોકડ અને ચાંદીના ધરેણા મળી રૂ. 80,730 નો મુદામાલ કબ્જે કરી અન્ય મુદામાલ કબજે કરવા બન્ને શખ્સોની રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.