મૃતકોના બોગસ આધારકાર્ડને આધાર બનાવી ખોટુ સોંગદનામું રજૂ કરી હક્ક કમી કરવાનો કર્યો પ્રયાસ
જસદણ તાલુકાના ભાડલા ગામના પટેલ પરિવારની વડીલો પાર્જિત 19॥ વિઘા જમીનમાં હક્ક ડુબાડવા મૃતકોના નામના બોગસ દસ્તાવેજ બનાવી ખરા તરીકે ઉપયોગ કરી મામલતદાર કચેરી ખાતે રજૂ કરી હક્ક કમી કરવાના ગુનામાં ત્રણ ભાઇ સહિત છ શખ્સો સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.
વધુ વિગત મુજબ ભાડલા ઝાપા ચોક ખાતે રહેતા પ્રભાબેન જીણાભાઇ કાકડીયા નામના વૃધ્ધાએ પોતાના કુંટુંબીજન ભરત કાનજી કાકડીયા, દિલીપ કાનજી કાકડીયા, દલસુખ કાનજી કાકડીયા, તેજા મેટાળીયા અને બે અજાણ્યા શખ્સોએ જમીન પચાવી પાડવા બોગસ દસ્તાવેજ બનાવી અને તેનો ખરા તરીકે ઉપયોગ કરી જમીનમાંથી હક્ક કમી કર્યાનો જસદણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી પ્રભાબેનના સસરા નરશીભાઇ મોટા સસરા ભીખાભાઇ અને પોપટભાઇના સંયુક્ત નામે ભાડલા સર્વે નં.291 અને 274ની 19॥ વિઘા જમીન આવેલી છે. ઉપરોક્ત ત્રણેયના અવસાન બાદ ભરત કાનજી કાકડીયા સહિત ત્રણેય ભાઇઓએ મૃતક ભીખાભાઇ અને પોપટભાઇના બોગસ આધારકાર્ડ બનાવી અને જસદણ ખાતેના નોટરી એન.જે.રાઠોડ સમક્ષ મૃતક ભીખાભાઇ અને પોપટભાઇના સ્થાને અન્ય વ્યક્તિઓને ઉભા રાખી ખોટી ઓળખ આપી જેના આધારે ખોટુ સોગંદનામું અને બોગસ આધાર કાર્ડ ખરા તરીકે ઉપયોગ કરી મામલતદાર કચેરીમાં રજૂ કરી મૃતક ભીખાભાઇ અને પોપટભાઇની જમીનનો હક્ક કમી કરાવાનું બહાર આવતા પોલીસે ત્રણ ભાઇ સહિત છ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાશ પી.આઇ.ટી.બી.જાની અને રાઇટર અરૂણભાઇ સહિતના સ્ટાફ ચલાવી રહ્યાં છે.