ભડભાદરવાએ સૌરાષ્ટ્રમાં નદી, નાળા, સરોવર અને ડેમો છલકાવી દીધા છે. જોકે શ્રાવણ સુધી પણ વરસાદની ખોટ વર્તાતી હતી. પણ ભાદરવો ચાલુ થયો અને મેઘરાજા ઓળઘોળ થતા સર્વત્ર પાણી પાણી કરી દીધું છે.
સૌરાષ્ટ્રભરમાં ચોમાસાની સિઝન નબળી રહી હોય અતિવૃષ્ટિના ડાકલા વાગી રહ્યા હતા. પણ રહી રહીને અંતમાં વરુણદેવ રિઝાતા ભાદરવા મહિનામાં ધમાકેદાર વરસાદ રહ્યો હતો. માત્ર 24 જ કલાકમાં સમગ્ર સૌરાષ્ટ્રનું ચિત્ર બદલાઈ ગયું હતું. ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી-પાણી થઈ ગયું છે.
નદી- નાળા- ડેમો- સરોવરો છલકાઈ ગયા છે. જેથી હવે શિયાળુ પાકને ઘણો ફાયદો થવાનો છે. ઉપરાંત આવતા ચોમાસા સુધી પીવાના પાણીની સમસ્યા નહિ રહે. સૌરાષ્ટ્રના ડેમોમાં પાણીનો સારો એવો સંગ્રહ થઈ જતા હવે આખું વર્ષ કોઈ ચિંતા રહેશે નહીં. સૌરાષ્ટ્ર માટે ભાદરવો શુકનિયાળ સાબિત થયો છે.
જેમાં સૌથી વધુ રાજકોટને ભાદરવો ફળ્યો છે. અહીં જામનગર કરતા ઓછું નુકસાન થયું છે. સામે પાણીનો પણ સારો સંગ્રહ થયો છે. રાજકોટની જીવાદોરી સમાન આજીડેમ પણ ઓવરફ્લો થયો છે. જેને પગલે રાજકોટવાસીઓને આજીએ રાજી કરી દીધા છે.