છેલ્લાં ઘણાં વર્ષોથી ગુજરાતમાં પાછોતરો વરસાદ જ જળ સુખ આપતો હોવાનું આંકડાં બોલી રહ્યા છે: વરસાદની ઘટ સપ્ટેમ્બર-ઓક્ટોબર માસમાં પુરાય જશે: પાક માટે હાલ ચિત્ર સાનુકુળ પણ પાણી માટે ભાદરવામાં મેઘરાજા મનમુકી વરશે તેવી સંભાવના
ચાલુ સાલ નૈઋત્યના ચોમાસાના આગોતરા આગમન બાદ મેઘરાજાએ મોઢુ ફેરવી લેતા હવે ચિંતાના વાદળો ઘેરાવા લાગ્યા છે. પાકનું ચિત્ર હજુ સાનુકુળ છે પરંતુ રાજ્યમાં પાણીનો પ્રશ્ર્ન હજી યથાવત જ છે. બીજી તરફ ભારતીય હવામાન વિભાગ દ્વારા હૈયે ટાઢક આપતી સાનુકુળ આગાહી વ્યકત કરવામાં આવી છે. હાલ ભલે મન મુકીને વરસવામાં મેઘરાજા કરકસર દાખવી રહ્યાં હોય પરંતુ સપ્ટેમ્બર અને ઓકટોબર માસ એટલે કે ભાદરવામાં વરૂણદેવ ભરપુર કૃપા વરસાવશે અને આવતા ચોમાસા સુધી પાણીની તકલીફ ન પડે તેટલું જળસુખ આપી દેશે.
આ વર્ષે ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં નૈઋત્યના ચોમાસાનું વહેલુ આગમન થયું હતું. દરમિયાન મોન્સુન બ્રેક પીરીયડ લાંબો ચાલવાના કારણે ગુજરાતમાં વરસાદની ઘટ વર્તાઈ રહી છે. વરસાદ માટે ધોરી ગણાતો અષાઢ માસ હવે પૂર્ણ થવા પર છે. છતાં હજુ ક્યાંય સંતોષકારક વરસાદ પડ્યો નથી. પાક માટે મેઘરાજાએ માંગ્યા મેઘ વરસાવ્યા છે પરંતુ પાણીનું ચિત્ર હજુ પણ ચિંતાજનક છે. જો કે, છેલ્લા કેટલાંક સમયથી દેશમાં પાછોતરો વરસાદ જ રંગ રાખે છે. આમ પણ આપણા વડવાઓ કહેતા હતા કે ભાદરવામાં જે વરસાદ પડે તે પાણી જ આખુ વર્ષ તમારી જરૂરીયાત સંતોષે છે. હવામાન વિભાગ દ્વારા સોમવારે એક આગાહી અપડેટ કરવામાં આવી હતી જેમાં જણાવવામાં આવ્યું છે કે, સપ્ટેમ્બર અને ઓકટોબર માસમાં મેઘરાજા મન મુકી વરસશે. આટલું જ નહીં ચોમાસુ પૂર્ણ થયા બાદ પણ વરસાદ પડવાનું ચાલુ રહેશે.
હવામાન વિભાગના ડાયરેકટર જનરલ એમ.મહાપાત્રાએ જણાવ્યું છે કે, આગામી 2 મહિનામાં એકંદરે વરસાદ લાંબાગાળાની સરેરાશના 95 થી 105 ટકા થવાની સંભાવના છે. 1961 થી 2010 દરમિયાન સમગ્ર દેશમાં ઓગસ્ટથી સપ્ટેમ્બર સુધીમાં 428.3 મીમી વરસાદ પડ્યો છે. આ વર્ષે આ પ્રમાણ વધે તેવું લાગી ર્હયું છે. ઓગસ્ટમાં વરસાદ 94 થી 106 ટકા સુધી સામાન્ય રહે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કેટલાંક જિલ્લામાં આ વર્ષે ભાદરવા મહિનામાં સામાન્ય કરતા વધુ વરસાદ પડે તેવી સંભાવના રહેલી છે.
જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં સામાન્ય કે સામાન્યથી ઓછો વરસાદ વરસશે. ટૂંકમાં હાલ ભલે વરસાદની ખેંચ વર્તાઈ રહી હોય પરંતુ આ ઘટ મેઘરાજા સપ્ટેમ્બર અને ઓકટોબર માસમાં પૂર્ણ કરી દેશે તેવું લાગી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી દેશમાં ચોમાસાનો સિનારીયો ચેન્જ થયો છે. જૂનમાં ચોમાસાનુ આગમન થયા બાદ જુલાઈ માસમાં મેઘરાજા મન મુકીને વરસતા નથી. ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ધાર્યા બહારનો વરસાદ પડે છે. આ વખતે પણ આ જ ટ્રેન્ડ યથાવત રહે તેવી સંભાવના જણાય રહી છે. વરસાદની હાલ જે ઘટ વર્તાઈ રહી છે તે ભાદરવા માસમાં પૂર્ણ થઈ જશે અને આવતા વર્ષે ચોમાસા સુધી રાજ્યમાં એકપણ પ્રદેશમાં પાણીની તંગી ન સર્જાય તેટલી હદે વરસાદ વરસશે.
ગુજરાતમાં પાણીની જમીની હકીકત જાણો
ગુજરાતમાં ભૂગર્ભ જળમાં ખારાશ, ફલોરાઈડ, નાઈટ્રેડ, આર્સેનિક અને આયર્નનું પ્રમાણ મળી આવ્યું
અમદાવાદમાં નર્મદાના પાણીનું આગમન થયા બાદ ભૂગર્ભ જળની સ્થિતિમાં થોડો સુધારો આવ્યો છે. તાજેતરમાં રાજ્યસભામાં રજૂ કરાયેલા એક ડેટામાં જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદમાં ભુગર્ભ જળ સ્તરનું મર્યાદિત જળચર વિસ્તાર 67 મીટર એટલે કે, 222 ફૂટ જેટલું છે. જ્યારે વડોદરામાં 12.3 મીટર, રાજકોટમાં 5.5 મીટર અને સુરતમાં 4.6 મીટર છે જે રાજ્યના અન્ય શહેરો કરતા ખુબજ સારૂ છે. ગુજરાતના ભુગર્ભ જળની જમીની હકીકત પર નજર કરવામાં આવે તો રાજ્યમાં ભુગર્ભ જળમાં પણ ખારાશ, ફલોરાઈડ, નાઈટ્રેડ, આર્સેનિક અને આયર્નનું પ્રમાણ મળી આવ્યું છે.
રાજ્યસભાના ડેટા મુજબ અમદાવાદમાં ભુગર્ભ જળનું સ્તર મર્યાદિત જળ વિસ્તારમાં 67 મીટર, જયપુરમાં 84.7 મીટર અને દેહરાદુનમાં 79.2 મીટર છે. ગુજરાતના અન્ય શહેરોમાં ભુગર્ભ જળનું સારૂ પ્રદર્શન રહેવા પામ્યું છે. વડોદરામાં આ પ્રમાણ 12.3 મીટર અને રાજકોટમાં 5.5 મીટર છે. જ્યારે સુરતમાં માત્ર 4.6 મીટર જ રહેવા પામ્યું છે. અમદાવાદ અને વડોદરામાં 4 જ્યારે રાજકોટ અને સુરતમાં 1-1 કુવામાંથી ડેટા એકત્રીત કરવામાં આવ્યા હતા. અમદાવાદમાં જ્યાં પાણી મળતું હતું તે લઘુતમ સ્તર જમીનના સ્તરથી 7 ફૂટ નીચે અને મહત્તમ સ્તર 81 ફૂટ જોવા મળ્યું હતું. નવેમ્બર 2020માં સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના નિષ્ણાંતો દ્વારા ખોદવામાં આવેલા કુવા બાદ ભુગર્ભ જળની ગુણવતા સંબંધીત
અન્ય પ્રશ્ર્નો અંગે સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં ગુજરાતના 33 જિલ્લામાંથી 21 જિલ્લાના કેટલાંક ભાગોમાં ભુગર્ભ જળમાં ખારાશનું પ્રમાણ મળી આવ્યું હતું. જ્યારે 22 જિલ્લાના અમુક ભાગોમાં ફલોરાઈડ, 24 જિલ્લાના અમુક ભાગોમાં નાઈટ્રેડ, 12 જિલ્લામાં આર્સેનિક અને 10 જિલ્લાઓમાં પાણીના નમુનામાંથી આયર્નનું પ્રમાણ મળી આવ્યું હતું.
ડેવલોપમેન્ટ સપોટ સેન્ટરના એક્ઝિક્યુટીવ ડિરેકટર મોહન શર્માના જણાવ્યાનુસાર લગભગ બધા જિલ્લામાં પાકની તિવ્રતા વધી છે જે ભુગર્ભ જળના સ્ત્રોત પર ભારે દબાણ તરફ દોરી જાય છે. નાઈટ્રેડનું પ્રમાણ પણ વધ્યું છે. વિવિધ સરકારી અને સહકારી પહેલના કારણે સૌરાષ્ટ્ર, દ.ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં પાણીના સ્તરમાં સુધારો થયો છે. આ સકારાત્મક પરિણામ માત્ર સુજલામ, સુફલામ જેવી નજીકની નહેરો પુરતી જ મર્યાદિત છે. ખારાસ અને નાઈટ્રેડ મેટલ સાથે મોટાભાગના દરિયાકાંઠાના જિલ્લાઓમાં એક મુખ્ય મુદ્દો છે કે, ભુગર્ભ જળ ઉંડા છે અને સતત તેના ઉપયોગના કારણે જમીનની ગુણવત્તા પણ કથળી રહી છે.
અમદાવાદમાં નર્મદા મૈયાના આગમનથી ભુગર્ભ જળની સ્થિતિમાં સુધારો થયો છે. દરિયાકાંઠા જિલ્લામાં દરિયાનો વ્યાપ વધી રહ્યો છે અને તે એક ગંભીર બાબત છે જેને ઘટાડવા માટે સહિયારા પ્રયાસ હાથ ધરવાની જરૂર છે. આગાખાન રૂરલ સપોર્ટ પ્રોગ્રામ (ઈન્ડિયા)ના સીઈઓ અપૂર્વ ઓઝાએ જણાવ્યું હતું કે, શહેરી વિસ્તારમાં મોટાભાગની રહેણાંક સોસાયટીમાં નળના પાણીનો ઉપયોગ થતો હોય છે. પાણીનું ટેબલ પુરતું રિચાર્જ નથી. ખુલ્લી જગ્યાઓ હતી જ્યાં જમીન પાણી સોસી લે છે પરંતુ વિકાસ સાથો સાથ હવે ખુલી જગ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે જેના કારણે વરસાદનું પાણી જમીનમાં ઉતરતું નથી. જેના કારણે પણ સમસ્યામાં વધારો થયો છે.
ખેતીમાં “વુમન એમ્પાવરમેન્ટ” ક્યારે?
ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં મહિલા ખેડૂતો માટે “ફૂટી કોડી” પણ નથી ખર્ચાણી!!
કેન્દ્ર સરકાર દ્વારા મહિલા ખેડૂતોના સશક્તિકરણ માટે મુકવામાં આવેલી યોજનાનો લાભ છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાત સરકારે લીધો ન હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ યોજના અંતર્ગત રાજ્ય સરકારે ત્રણ વર્ષમાં એક રૂપિયો પણ ઉપાડ્યો નથી. કેન્દ્ર સરકારે મહિલા કિશાન સશક્તિકરણ પરિયોજના અમલમાં મુકી છે જે અંતર્ગત કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા 2011થી રાજ્ય સરકારની માંગના આધારે ભંડોળ ફાળવવામાં આવે છે. રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે એક
સવાલ ઉઠાવ્યો હતો કે, મહિલા ખેડૂતોને સશક્ત બનાવવા માટે સરકાર શું પગલા લઈ રહી છે. કૃષિ કાર્યબળમાં મહિલા ખેડૂતોની ભાગીદારી વધારવા માટે સરકાર શું પગલા લઈ રહી છે તેની વિગતો માંગી હતી. જેના જવાબમાં કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે, એમકેએસપી હેઠળ રાજ્યોને છેલ્લા ત્રણ વર્ષમાં નાણાની ફાળવણી કરવામાં આવી છે. ગુજરાત સહિત દેશના 11 રાજ્યોએ છેલ્લા ત્રણ વર્ષમાં આ યોજના અંતર્ગત એકપણ રૂપિયો ઉપાડ્યો નથી. રાજ્ય સરકાર ખેડૂતોના વિકાસની વાતો ચોક્કસ કરી રહી છે પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા મહિલા ખેડૂતો માટે ફાળવવામાં આવતા ફંડનો ઉપાડ કરવામાં પણ સરકાર આળસ દાખવી રહી હોય તેવું મહેસુસ થઈ રહ્યું છે.