ચોમાસાની સીઝનમાં વરસાદ માટે ધોરી ગણાતો અષાઢ માસ ભલે કોરો ધાકોડ ગયો હોય, શ્રાવણ માસમાં પણ સરવડા વરસ્યા હતા. પરંતુ ભાદરવો ભરપુર રહે તેવા સંકેતો મળી રહ્યાં છે. ભાદરવા માસમાં છેલ્લા 50 વર્ષ દરમિયાન ન પડ્યો હોય તેવો અનરાધાર વરસાદ ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પડે તેવું લાગી રહ્યું છે. ભાદરવાના પ્રથમ એક સપ્તાહમાં જ વરૂણ દેવે અનરાધાર વહાલ વરસાવી પાક અને પાણીનું ચિત્ર સંપૂર્ણપણે ફેરવી નાખ્યું છે. હવે જળાશયો છલકાઈ રહ્યાં છે. ગત મધરાતથી સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું જોર વધ્યું છે. આજે સવારથી સૌરાષ્ટ્રમાં
અનરાધાર વરસાદ વરસી રહ્યો છે અને હજુ એક સપ્તાહ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી રહી છે. એક બાદ એક વરસાદી સીસ્ટમ બની રહી હોવાના કારણે આખો ભાદરવો સતત વરસાદ ચાલુ રહેશે. છેલ્લા 50 વર્ષમાં ભાદરવા માસમાં સૌરાષ્ટ્રમાં ન પડ્યો હોય તેટલો રેકોર્ડબ્રેક વરસાદ પડે તેવું લાગી રહ્યું છે. આમ પણ ભાદરવાનું પાણી ટકાવ હોય છે જેનાથી જમીનના સ્તર ઉંચા આવે અને રવિ પાક માટે પણ તે આશિર્વાદરૂપ રહે છે. ભાદરવો ભરપુર રહેતા જગતનો તાત પણ ખુશખુશાલ થઈ ગયો છે.