પવિત્ર ધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો રદ કરવામાં આવ્યો છે. આ અંગેનો આદેશ ગૃહ વિભાગે કર્યો છે. જેમાં ગૃહ વિભાગના આદેશમાં જણાવવામાં આવ્યું છે કે પદયાત્રીઓ અને સંઘને મંજૂરી આપવામાં આવી નથી. તેમજ માત્ર બાધા, આખડી, માન્યતા હોય તેઓને જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે.
અહીં નોંધનીય છે કે કોરોના વાયરસની ત્રીજી લહેર ના આવે તેની અગમચેતીના પગલે આ વર્ષે પણ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો રદ કરવામાં આવ્યો છે. પવિત્ર ધામ અંબાજી મંદિરે ભક્તોની ભારે ભીડ જામતી હોવાથી મંદિર બંધ રાખવા અંગેનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ પગપાળા સંઘોને પણ મંજૂરી નહીં આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પવિત્ર ધામ અંબાજીનો ભાદરવી પૂનમનો મેળો છેલ્લી ઘડીએ ગૃહવિભાગે રદ કરી દીધો છે.
નોંધનીય છે કે કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા હાલ અંબાજીનો ભાદરવી પૂનમનો મેળો રદ કરાયો છે તેમજ તારીખ 13 સપ્ટેમ્બરથી લઇને તારીખ 25 સપ્ટેમ્બર સુધી અંબાજી મંદિર બંધ રાખવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ પગપાળા સંઘોને પણ મંજૂરી નહીં આપવાનો નિર્ણય લેવાયો છે. જેઓને બાધા કે માન્યતા હોય તેમના પૂરતી જ મર્યાદિત સંખ્યામાં વ્યક્તિઓને મંદિરમાં પ્રવેશ આપવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે.
ગુજરાતની ઉત્તર દિશામાં રાજસ્થાનની સરહદ પાસે અને અરવલ્લીના પહાડોની વચ્ચે આવેલું અંબાજી ખૂબ જ મશહૂર યાત્રાધામ ગણાય છે. પુરાણોમાં લખ્યું છે કે અહીં અંબિકાવન હતું. અંબાજી એ સમુદ્ર સપાટીથી 1580 ફૂટની ઊંચાઇ ઉપર અરવલ્લીના પહાડોની વચ્ચે વસેલું છે. અંબાજી મંદિરમાં કોઇ દેવીની મૂર્તિની પૂજા થતી નથી. પરંતુ વીસાયંત્રની પૂજા કરાય છે. આ યંત્ર માન્યતા અનુસાર શ્રીયંત્ર છે જે ઉજ્જૈન તેમ જ નેપાળના શક્તિપીઠોના મૂળ યંત્ર સાથે સંકળાયેલું હોવાનું અને યંત્રમાં એકાવન અક્ષર હોવાનું પ્રમાણ છે. આ યંત્રની દર મહિનાની આઠમે પૂજા થાય છે. આ તીર્થક્ષેત્રમાં બારે માસ યાત્રીઓ દર્શન માટે આવતાં હોય છે. દર માસની પૂનમે બહુ મોટી સંખ્યામાં યાત્રિકો અહીં આવે છે અને મંદિરના શિખર ઉપર ધજા ચઢાવે છે. ધાર્મિક રીતે અંબાજી ભારતની શક્તિપીઠમાં મહત્વનું સ્થાન ધરાવે છે.
સિદસર ઉમિયા માતાજી મંદિરે ભાદરવી પૂનમે 11 કુંડી યજ્ઞ તથા પદયાત્રાનો કાર્યક્રમ મોકૂફ
ફેસબુક પર ઓનલાઈન દર્શન કરી શકાશે
કડવા પાટીદારોના આસ્થાના કેન્દ્ર સમાન ઉમિયાધામ સિદસર ખાતે દર વર્ષે ભાદરવી સુદ પુનમના રોજ 11 કુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. આ યજ્ઞમાં જોડવાવા માટે સૌરાષ્ટ્રભરમાંથી પદયાત્રીકોનો સંઘ સિદસર દર્શનાર્થે આવે છે. પરંતુ હાલ વિશ્ર્વભરમાં કોરોના વાયરસને કારણે ફેલાયેલ મહામારીને ધ્યાનમાં રાખી લોકોના સ્વાસ્થયને હાની ન પહોચે તે હેતુથી જનહીતમાં ઉમિયા માતાજી મંદિર સિદસર દ્વારા ભાદરવા સુદ પૂનમ તા. 20-9ને સોમવારના રોજ યોજાનાર 11 કુંડી યજ્ઞ તથા પદયાત્રાના કાર્યક્રમ મોકુફ રાખવામાં આવેલ છે. પ્રતી વર્ષ સિદસર મંદિર દ્વારા આયોજીત દરેક કાર્યક્રમો રદ કરવામાં આવેલ છે. માતાજીના ઓન લાઈન દર્શન મંદિરના ઓફીશ્યલ ફેસબુક પર થઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જેની તમામ ભકતજનોએ નોંધલેવા સિદસર મંદિરના સહમંત્રી કૌશિકભાઈ રાબડીયાની યાદીમાં જણાવાયું છે.