અંબાજી માતાજીના સાનિધ્યમાં પરંપરાગત ભાદરવી પૂનમના મહાકૂંભનો ગુરુવારે ભક્તિમય વાતાવરણમાં પ્રારંભ થયો હતો. મા ના ચાચરચોકમાં બોલ માડી અંબે…જય જય અંબેના જય નાદો સાથે ટેમ્પલ ટ્રસ્ટના ચેરમેન અને કલેક્ટર દિલીપ રાણાના હસ્તે સ્વાઇન ફ્લૂ નાથવા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ અને માતાજીના બેનમૂન રથને હંકારી ભાદરવી પૂનમના આ મેળાનો પ્રારંભ થયો હતો.
વરસાદી માહોલમાં મા અંબાના શરણે રાજ્યભરમાંથી માઇભક્તોનો પ્રવાહ યાત્રાધામ તરફ આવી રહ્યો છે ત્યારે મેળાના પ્રારંભના દિવસે ૧.૮૯ હજાર માઇભક્તોએ મા અંબાને શીશ નમાવી ધન્યતા અનુભવી હતી.
સમગ્ર ઉત્તર ગુજરાતના માર્ગો માઇભક્તોની ભક્તિથી ગુંજી ઉઠ્યા છે. માર્ગો પર સેવા કેમ્પો પણ ઉભા થયા છે.
સ્વાઇન ફ્લૂના ખૌફ વચ્ચે ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા સ્વાઇન ફ્લૂના રક્ષણ માટે મીઠાના કોગળા કરી હાથ ધોઇ ઉકાળો પી અને દર્શને આવવાનો અગત્યનો મેસેજ પણ આ યાત્રાધામમાં આપવામાં આવી રહ્યો છે.