૩૪ ફૂટની ઉંડાઈ ધરાવતા ભાદર ડેમની સપાટી ૩૩.૫૫ ફૂટે પહોંચતા ઓગસ્ટ માસમાં રૂલ લેવલ જાળવવા ડેમના ૨૯ પૈકી ૨ દરવાજા ૧ ફૂટ ખોલાયા: ૧૩૫૮ ક્યુસેક પાણીની આવક સામે ૯૧૦ ક્યુસેક પાણીની જાવક
આજી-૧, ન્યારી-૧, ન્યારી-૨ અને લાલપરી બાદ ભાદર પણ છલકાતા રાજકોટને પાણીની શાંતિ
રાજકોટની જળ જરૂરિયાત સંતોષતા મુખ્ય પાંચ જળાશયો પૈકી આજી-૧, ન્યારી-૧, ન્યારી-૨ અને લાલપરી તળાવ ઓવરફલો થઈ ગયા બાદ આજે સવારે સૌરાષ્ટ્રનો દરિયો ગણાતા બીજા નંબરના સૌથી મોટો ડેમ ઓવર ભાદર ડેમ છલોછલ ભરાઈ જતાં ઓગસ્ટ માસમાં ૩૩.૫૫ ફૂટનું રૂર લેવલ જાળવવા માટે સવારે ૧૦:૩૦ કલાકે ડેમના ૨૯ પૈકી ૨ દરવાજાઓ ૧ ફૂટ ખોલવામાં આવ્યા હતા. હાલ ૧૩૫૮ ક્યુસેક પાણીની આવક સામે ૯૧૦ ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે. રાજકોટ, જેતપુર અને ગોંડલને પીવાનું તથા સિંચાઈનું પાણી પૂરું પાડતા ભાદર ડેમ ૨૨મી વખત છલકાઈ જતાં લોકોના હૈયા હરખાયા છે.
આ અંગે રાજકોટ સિચાઈ વિભાગ અને મહાપાલિકાના સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ રાજકોટ જિલ્લાના રાજકોટ, જેતપુર અને ગોંડલને સિંચાઈ તથા પીવાનું પાણી પુરું પાડવા માટે ગોંડલના લીલાખા નજીક ભાદર ડેમનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ઉંડાઈની દ્રષ્ટિએ ભાદર ડેમ સૌરાષ્ટ્રના બીજા નંબરનો જ્યારે જળ સંગ્રહ શક્તિની દ્રષ્ટિ સૌરાષ્ટ્રના પ્રથમ નંબરનો ડેમ છે.
છેલ્લા એક સપ્તાહથી સૌરાષ્ટ્રમાં અવિરત વરસી રહેલા વરસાદના કારણે ડેમમાં માતબર પાણીની આવક થતાં આજે સવારે ૧૦:૩૦ કલાકે ડેમની સપાટી ૩૩.૫૫ ફૂટે પહોંચી જવા પામી હતી.
ભાદર ડેમની કુલ ઉંડાઈ ૪૩ ફૂટની છે અને ડેમમાં કુલ ૬૬૪૪ એમસીએફટી પાણી સંગ્રહિત થઈ શકે છે. સિંચાઈના નિયમ મુજબ ઓગસ્ટ માસમાં ડેમ ૩૩.૫૫ ફૂટ જ ભરી શકાય છે. આજે નિર્ધારીત સપાટીએ ડેમ ભરાઈ જવાના કારણે રૂલ લેવલ જાળવવા ભાદર ડેમના ૨૯ પૈકી ૨ દરવાજા ૧ ફૂટ ખોલી નાખવામાં આવ્યા હતા.
ડેમના દરવાજા ખોલવાના કારણે ગોંડલ તાલુકાના હેઠવાસના ગામો લીલાખા, મસીતાળા, ભંડેરીયા, ખંભાલીડા, જેતપુર તાલુકાના મોણપર, ખીરસરા, દેરડી, જેતપુર, નવાગઢ, રબારીકા, સરધારપુર, પાંચ પીપળા, ખેરાડી, લુણાગરી, વાડાથડા, જામકંડોરણા તાલુકાના તરવડ અને ઈશ્ર્વરીયા, જ્યારે ધોરાજી તાલુકાના વેગડી, ભુખી અને ઉમરકોટ ગામના લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા અને સાવચેત રહેવા ડેમ સાઈટના સેકશન ઓફિસર હિરેન પી.જોશી દ્વારા તાકીદ કરવામાં આવી હતી.
૧૯૬૪માં બનેલા ભાદર ડેમ ૫૬ વર્ષમાં ૨૨મી વખત ઓવરફલો થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરની જળ જરૂરીયાત સંતોષવા માટે ભાદર ડેમમાંથી પ્રતિદિન ૪૫ એમએલડી પાણી ઉપાડવામાં આવી રહ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર આજે રૂર લેવલ જાળવવા માટે ડેમના ૨ દરવાજા ખોલવામાં આવ્યા છે. જેથી ડેમ ઓવરફલો થયો તેવું કહી ન શકાય પરંતુ છલોછલ ભરાઈ ગયો હોવાનું ચોકકસ કહી શકાય. દરવાજા બંધ કરી દેતાની સાથે જ ૨૪ કલાકમાં ડેમ ભરાઈ જશે.
ગત વર્ષે પણ રાજકોટની જળ જરૂરીયાત સંતોષતા તમામ જળાશયો છલકાઈ ગયા હતા.ભાદર ડેમને રાજ્ય સરકારની મહત્વકાંક્ષી સૌની યોજના સાથે લીંક કરવામાં આવ્યો હોય તે વર્ષમાં ગમે ત્યારે નર્મદાના નીરથી ભરવા સક્ષમ થઈ ગયો છે. તમામ જળાશયો ઓવરફલો થઈ જતાં રાજકોટ શહેર અને જિલ્લામાં એકંદરે પાણીની શાંતિ થઈ જવા પામી છે.