34 ફૂટે ઓવરફલો થતાં ભાદરની સપાટી 33.40 ફૂટે પહોંચી: ગોંડલ પંથકમાં બે ઈંચ જેટલો વરસાદ પડશે તો ભાદર ગમે ત્યારે છલકાય જશે: હેઠવાસના ગામોને સાવચેત કરાયા
સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મહાકાય ભાદર ડેમ હવે ઓવરફલો થવામાં માત્ર હાથવેંત છેટુ છે. 34 ફૂટે છલકાતા ભાદરની સપાટી આજે સવારે 33.40 ફૂટે પહોંચી જવા પામી છે. હાલ પાણીની આવક થોડી ધીમી પડી જવા પામી છે. જો ગોંડલ પંથકમાં દોઢથી બે ઈંચ જેટલો વરસાદ વરસી જશે તો ભાદર ગમે ત્યારે છલકાય જશે. હાલ જે રીતે આવક ચાલુ છે તે જોતા રવિવાર સાંજ સુધીમાં ભાદર છલકાય જાય તેવી સંભાવના મહાપાલિકાના ઈજનેરો દ્વારા વ્યકત કરવામાં આવી રહી છે.
રાજકોટ સિંચાઈ વર્તુળ પુર એકમના સુત્રોના જણાવ્યાનુસાર આજે સવારે પુરા થતાં છેલ્લા 24 કલાક દરમિયાન ભાદર ડેમમાં નવુ 0.23 ફૂટ પાણીની આવક થવા પામી છે. 34 ફૂટે ચલકાતા ભાદર ડેમની સપાટી હાલ 33.40 ફૂટે પહોંચી જવા પામી છે. 6644 એમસીએફટીની સંગ્રહ શક્તિ ધરાવતા ભાદર ડેમમાં હાલ 6362 એમસીએફટી પાણી સંગ્રહિત છે. ડેમ નિયત સંગ્રહશક્તિના 95.76 ટકા જેટલો ભરાઈ ગયો છે.
પાણીની આવક ધીમી પડી જવા પામી છે. પરંતુ જે રીતે હાલ આવક ચાલુ છે અને તે સતત ચાલુ રહેશે તો આગામી રવિવારે સાંજ સુધીમાં ભાદર ડેમ ઓવરફલો થઈ જાય તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. બીજી તરફ ડેમ 90 ટકાથી વધુ ભરાય જતાં બે દિવસ પૂર્વે જ ધોરાજી, જેતપુર, ગોંડલ સહિતના તાલુકાઓના 22 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા પણ તાકીદ કરી દેવામાં આવી છે.
આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્રમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આવામાં જો ગોંડલ પંથકમાં દોઢથી બે ઈંચ જેટલો વરસાદ પડશે તો ભાદર ડેમ ગમે તે ઘડીએ ઓવરફલો થઈ જશે. ભાદર ડેમ છલોછલ હોવાના કારણે રાજકોટ, જેતપુર, ગોંડલ, ધોરાજી સહિતના શહેરોને પાણી અને સિંચાઈની શાંતિ થઈ જવા પામી છે.
છેલ્લા 24 કલાક દરમિયાન ભાદર ઉપરાંત રાજકોટ જિલ્લાના ઈશ્ર્વરીયા ડેમમાં 0.66 ફૂટ, કરમાળમાં 0.98 ફૂટ, મોરબી જિલ્લાના 0.20 ફૂટ, ડેમી-2માં 0.16 ફૂટ, ઘોડાધ્રોઈ 0.16 ફૂટ, દ્વારકા જિલ્લાના ધી 0.79 ફૂટ, શેઢા ભાડથરીમાં 0.82 ફૂટ, વેરાડી-1માં 0.75 ફૂટ, સિંધણીમાં 0.33 ફૂટ, વેરાડી-2 0.16 ફૂટ, મીણસારમાં 0.16 ફૂટ અને અમરેલી જિલ્લાના સાકરોલીમાં 0.03 ફૂટ પાણીની આવક થવા પામી છે.