- મહિલા સાથે આડા સબંધ મુદ્દે વણોઇ વાંઢના યુવાનની હત્યા
- ફરિયાદી હરેશ અરજણ કોળીને પણ માર મારી ધમકી અપાઈ
ભચાઉ ન્યુઝ : ચોબારી ગામમાં બે દિવસ પહેલાં પ્રેમિકા સાથે સંબંધ રાખવા અને મળવા મુદ્દે યુવાનની હત્યા બાદ આજે વધુ એક હત્યાનો બનાવ આ ગામમાં બનતાં ભારે ચકચાર પ્રસરી હતી. મહિલા સાથે આડા સબંધ મુદ્દે વણોઇ વાંઢના અશોક હરજી કોળી (ઉ.વ. 25)ને ત્રણ શખ્સોએ લીમડાનાં ઝાડમાં બાંધી લાકડી વડે આડેધડ માર મારી, ગળું દબાવી તેની હત્યા નીપજાવી હતી. વણોઇ વાંઢમાં રહેનાર બે સંતાનના પિતા એવા અશોક કોળીની ગત રાતથી આજે સવાર દરમ્યાન હત્યા નીપજાવવામાં આવી હતી.
વણોઇ વાઢમાં રહેનાર આ યુવાન તથા બનાવના ફરિયાદી હરેશ અરજણ કોળી ગઇકાલે બાઇકથી ચોબારી વાડી વિસ્તારમાં આવ્યા હતા. જ્યાં રસ્તામાં બાઇકમાં ખરાબી થતાં એક આરોપી ત્યાં આવી ચા-પાણી કરવાના બહાને બંનેને લઇ ગયો હતો. મહિલા સાથે આડા સબંધ મુદ્દે અશોક કોળી તથા આરોપીઓ વચ્ચે એકાદ વર્ષ પહેલાં પણ માથાકૂટ થઇ હતી જેમાં પરિવારોએ અબોલા કર્યા હતા, તેમ છતાં અશોક એક મહિલાને મળવા વારંવાર આવતો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
ચોબારી વાડીવિસ્તારમાં રહેતા આરોપી મોહન કાથડ કોળી, કિશોર ઉર્ફે ઇશ્વર મેહન કોળી તથા હરેશ મોહન કોળીએ અશોકને માર માર્યો હતો. બાદમાં તેને લીમડાનાં ઝાડમાં બાંધી તેના ઉપર લાકડી, ધોકા વડે આડેધડ પ્રહાર કરવામાં આવ્યા હતા. તેમજ યુવાનનું ગળું દબાવવામાં આવ્યું હતું. આ યુવાનની હત્યા નીપજાવી તેને દૂર ફેંકી દેવામાં આવ્યો હતો, જ્યારે તેની સાથે રહેલા બનાવના ફરિયાદી હરેશ અરજણ કોળીને પણ માર મારી ધમકી આપવામાં આવી હતી.
હત્યાનો આ બનાવ બહાર આવતાં પોલીસ બનાવસ્થળે દોડી ગઇ હતી અને ગુનો દર્જ કર્યો હતો. હત્યાના આ પ્રકરણમાં આરોપીઓ રાઉન્ડઅપ કરાયા હોવાનું પી.આઇ. એસ.વી. ગોજિયાએ જણાવ્યું હતું. ચોબારી ગામમાં બે દિવસ પહેલાં વિષ્ણુ ઉર્ફે વિશન મણવર નામના યુવાનની હત્યા બાદ આજે વધુ એક યુવાનની હત્યાનો બનાવ બહાર આવતાં ભારે ચકચાર પ્રસરી હતી.
ગની કુંભાર