ભચાઉની જૂની મામલતદાર કચેરી ખાતે કાર્યરત પેટા તિજોરી કચેરી અને સિટી સર્વે કચેરીમાં GB ધોળે દહાડે તસ્કરોએ ત્રાટકીને બન્ને કચેરીમાં તોડાફોડ કરી ૮૭ હજારનું નુકશાન કર્યું હતું. તેમજ રેકોર્ડ વેરવિખેર કરી નાખ્યા હતા. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ આ બનાવ ગત રવિવારે સવારે ૧૧.૩૦ વાગ્યાથી સાંજે ૬.૩૦ વાગ્યાના અરસામાં કોઈ પણ સમયે બન્યો હતો.
તસ્કરોએ પેટા તિજોરી કચેરીમાં ગેરકાયદેસર પ્રવેશી ૫૪ હજારની કિંમતના ત્રણ નંગ સરકારી કોમ્પ્યુટર, ૩૦ હજારની કિંમતના ત્રણ સરકારી પ્રીન્ટર તોડી નાખ્યા હતા. તેમજ ગાર્ડ રૂમમાં રાખેલા સેટીપલંગ અને ગાદલું સળગાવી નાખ્યું હતું. તેમજ કબાટ ખોલીને કચેરીનું રેકોર્ડ અસ્તવ્યસ્ત કરી નાખ્યું હતું અને પાણીના નળ પણ તોડી નાખ્યા હતા. બિલ્ડિંગમાં અન્યત્ર તપાસ કરતા પ્રથમ માળે આવેલી સિટી સર્વે કચેરીમાં તાળાની ડુપ્લિકેટ ચાવી બનાવી અંદર પ્રવેશ્યા રેકોર્ડ રૂમમાં ચાવી રાખી હતી તે શોધી કબાટમાં રાખેલા સરકારી નાણાં રૂા. ૩,૨૮૦ની ચોરી કરી હતી.
તેમજ બારીમાંથી અમુક રેકોર્ડ નીચે ઘા કરી દીધા હતા. સવારે ૧૧.૩૦ વાગ્યા સુધી પટ્ટાવાળા કચેરીમાં હાજર હતા. ત્યાર બાદ સાંજના અરસામાં આ બનાવ બન્યો હતો. સરકારી કચેરીમાં આ પ્રકારનો બનાવ બનતા ભારે ચકચાર પ્રસરી છે. પોલીસે જગતસિંહ કનકસિંહ જાડેજાની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બનાવની જાણ થતા ભચાઉ પોલીસની ટુકડીએ ઘટના સ્થળે જઈ ભેદ ઉકેલવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા હતા. કોઈ જાણભેદુનો હાથ હોવાની આશંકા સૂત્રો વ્યકત કરી રહ્યા છે. મામલતદાર કચેરી પ્રાંતકચેરીમાં લઈ જવાયા બાદ અહીં ૩ કચેરી બે-બે રૂમમાં કાર્યરત છે. મોડી સાંજે કચેરી ખાતે ગંધપારખું શ્વાન ટુકડીની મદદ લઈ તસ્કરને શોધવાની દિશામાં પોલીસે પ્રયાસ કર્યા હતા