પિતરાઇ ભાઇ સાથે દરવાજા મુકવા બાબતે થયેલી માથાકુટમાં બનેવીએ ઢીમઢાળી દીધું
કચ્છ પૂર્વના ભચાઉ તાલુકાના આધોઇ ગામે મકાનનો દરવાજો મુકવા બાબતે થયેલી બોલાચાલીનો ખાર રાખી પિતરાઇ ભાઇના બનેવીએ બોથડ પદાર્થના ઘા ઝીંકી સાળાની કરપીણ હત્યા નિપજાવ્યાની પોલીસ ચોંપડે ફરિયાદ નોંધાવી છે.
વધુ વિગત મુજબ ભચાઉ તાલુકાના આધોઇ-શાહુનગરમાં રહેતા દિનેશ માંડણભાઇ વાઘેલા નામના યુવકની ભચાઉ તાલુકાના જંગી ગામનો અને હાલ આધોઇ ગામે રહેતો કમલેશ પાલા શામળીયા નામના શખ્સે બોથડ પદાર્થના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યાની આણંદભાઇ આલાભાઇ વાઘેલાએ ફરિયાદ નોંધાવી છે. પોલીસમાંથી પ્રાથમિક તપાશમાં મૃતક દિનેશ માંડણભાઇ વાઘેલાને પિતરાઇભાઇ પેથાભાઇ ખેંગારભાઇ વાઘેલા સાથે મકાનમાં દરવાજો મુકવા બાબતે અગાઉ થયેલી માથાકૂટનો ખાર રાખી પેથાભાઇ વાઘેલાના બનેવી કમલેશ પાલા શામળીયાએ બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા કર્યાનું બહાર આવતા પોલીસે કમલેશ શામળીયા સામે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી પી.આઇ. વી.કે.ગોહિલ અને જે.બી.વાઘેલા સહિતના સ્ટાફે તપાશનો ધમધમાટ આદર્યો છે.