કારોબારી સમિતિના સભ્યો સ્કૂલોને મંજૂરી આપવામાં ભ્રષ્ટાચાર કરતા હોવાના આક્ષેપથી શિક્ષણબોર્ડની સામાન્ય સભામાં ગરમાગરમી: શાળાઓને આડેધડ મંજૂરી અપાતી હોવાનો આક્ષેપ
રાજ્યમાં બોગસ પુરાવાના આધારે સ્કૂલોને મંજૂરીનું કૌભાંડ ચાલતું હોવાના આક્ષેપ સાથે બોર્ડના સભ્ય દ્વારા ચાલુ વર્ષે બોર્ડ દ્વારા મંજૂર કરાયેલી ૪૧૪ સ્કૂલોના પુરાવા માંગ્યા છે. સ્કૂલો દ્વારા બોગસ ડોક્યુમેન્ટ રજૂ કરી મંજૂરી માંગવામાં આવે છે અને કારોબારી સમિતિના કેટલાક સભ્યો ભ્રષ્ટાચાર કરી આવી સ્કૂલોને મંજૂરી આપી છે આવો આક્ષેપ શુક્રવારની બોર્ડની સામાન્ય સભામાં થતાં સભામાં ગરમાવો આવી ગયો હતો. શુક્રવારે મળેલી સામાન્ય સભાની બેઠકમાં સ્કૂલોની મંજૂરીનો મુદ્દો કેન્દ્રમાં રહ્યો હતો. આ ઉપરાંત અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા કરાઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય સભા શુક્રવારે ગાંધીનગર ખાતે મળી હતી. આ સામાન્ય સભામાં બોર્ડના મોટાભાગના સભ્યો હાજર રહી ચર્ચામાં ભાગ લીધો હતો. સામાન્ય સભામાં મહત્વના કહી શકાય તેવા કોઈ નિર્ણયો લેવામાં આવ્યા ન હતા. પરંતુ સભ્યોની ચર્ચાએ સમગ્ર બેઠકને જીવંત બનાવી દીધી હતી. બોર્ડની સામાન્ય સભામાં તાજેતરમાં રાજ્યમાં મંજૂર કરાયેલી ૪૧૪ સ્કૂલોનો મુદ્દો ઉછળ્યો હતો. બોર્ડના સભ્ય પ્રવિણ કાછડિયા દ્વારા આ મુદ્દો ઉપસ્થિત કરી રજૂઆત કરી હતી. જેમાં રાજ્યમાં ચાલુ વર્ષે ૪૧૪ સ્કૂલોને મંજૂરી આપવામાં આવી છે જેમાં ગોટાળા થયા હોવાનો આક્ષેપ કરાયો હતો. સ્કૂલોની મંજૂરી માટે ઈરાદાપૂર્વક ખોટા દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરી તેની વિગતો રજૂ કરી હતી. જેમાં એનએ ન હોય તેવી સ્કૂલોને મંજૂરી મળી હોવાનું જણાવ્યું હતું.
ઉપરાંત કોમ્પલેક્સમાં પણ ચાલતી હોય તેવી સ્કૂલોને પણ મંજૂરી અપાઈ હતી. આમ, ખોટા દસ્તાવેજોના આધારે સ્કૂલોને મંજૂરી આપવામાં આવી હોવાથી સ્કૂલોએ મંજૂરી વખતે જે પાંચ ડોક્યુમેન્ટ રજૂ કર્યા છે તેની વિગતો આપવા બોર્ડ સમક્ષ જણાવ્યું હતું. જેથી બોર્ડ દ્વારા આ સ્કૂલોની વિગતો રજૂ કરવા માટે સૂચના આપી હતી.તેમણે બોર્ડ સમક્ષ એક દાખલો ટાંક્યો હતો, જેમાં એક સ્કૂલને પહેલી વખત મંજૂરી અપાઈ ન હતી અને બીજીવાર તેણે અરજી કરી ત્યારે મંજૂરી આપી દેવાઈ હતી. આમ સ્કૂલોને મંજૂરી માટે પણ યોગ્ય સિસ્ટમ હોવી જોઈએ તેવી તેમણે માંગણી કરી હતી. ઉપરાંત ખોટા ડોક્યુમેન્ટના આધારે સ્કૂલોએ મંજૂરી લીધી હોવાથી તેની સામે તપાસ કરી જો બોગસ ડોક્યુમેન્ટ હોય તો તેની સામે કાર્યવાહી કરવા માટે પણ માગણી કરી હતી. બોર્ડની સામાન્ય સભામાં એક સભ્ય દ્વારા કોરાબારી સમિતિ સામે આક્ષેપ કરતા અમુક સભ્યો દ્વારા વહીવટ કરી સ્કૂલોને મંજૂરી આપવામાં આવતી હોવાનું જણાવતા વાતાવરણ ગરમાયું હતું.
ફી નિયમન વિધેયક પસાર થયા બાદ રાજ્યમાં ડમી સ્કૂલોનો રાફડો ફાટશે તેવો ભય પણ બોર્ડના સભ્યએ વ્યક્ત કર્યો હતો. જેમાં સરકાર દ્વારા હાલમાં માધ્યમિકની રૂ. ૨૫ હજાર અને ઉચ્ચતર માધ્યમિકની રૂ. ૨૭ હજાર ફી નક્કી કરવામાં આવી છે. જેથી આ ડમી સ્કૂલો એટલે કે બોર્ડ પાસેથી સ્કૂલની મંજૂરી લીધા બાદ શૈક્ષણિક કાર્ય કરાવવાના બદલે કોચિંગ ક્લાસ સાથે સેટિંગ કરી લેશે. જેથી વિદ્યાર્થીઓ પાસેથી સ્કૂલો નિયમ મુજબની રૂ. ૨૫ હજાર અથવા રૂ. ૨૭ હજારની ફી ઉઘરાવશે. પરંતુ સ્કૂલમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કાર્ય કરાવશે નહીં. શૈક્ષણિક કાર્ય માટે વિદ્યાર્થીઓએ કોચિંગ ક્લાસમાં જવાનું રહેશે અ્ને ત્યાં ફી નિયમન લાગુ પડતું ન હોઈ તેઓ ઊંચી ફી વસૂલશે.
૧૧ કરોડના લેણા હજુય બાકી
બોર્ડ દ્વારા પરીક્ષાની કામગીરી માટે અધિકારીઓને પૈસા ચૂકવવામાં આવે છે. જોકે કામગીરી પૂર્ણ થયા બાદ અધિકારીઓએ ખર્ચનો હિસાબ આપી બાકીના નાણા બોર્ડમાં પરત જમા કરાવવાના હોય છે. પરંતુ બોર્ડના ૨૦૦૧થી લઈને અત્યાર સુધીના અંદાજે રૂ. ૧૧ કરોડના લેણા બાકી હોવાની ચોંકવાનારી માહિતી પ્રકાશમાં આવી છે. એક બાજુ બોર્ડ નાણાકીય ભીડ અનુભવી રહ્યું છે અને બીજી બાજુ કરોડો રૂપિયા લેણા નીકળતા હોવા છતાં તેની વસૂલાત કરાતી નથી. બોર્ડની સામાન્ય સભામાં આ મુદ્દો પણ રજૂ થયો હતો.